Western Times News

Gujarati News

અને અરૂણાબાએ પિતાના ઘરમાં કંકુ થાપા કરી વિદાય લીધી

કુંકાવાવ ગામેથી આવેલા દિકરાના પરિવારને તેમનું સુંદર આવાસ જોતા જ પસંદ પડી જતા તુરંત જ લગ્ન નક્કી થયા.

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનું ઘર મેળવતા મહાવીરસિંહ ઝાલા-અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઉકરડી ગામના વત્ની

દીકરીને રંગેચંગે પરણાવવાની અને પોતાના જ ઘરેથી કંકુ થાપા સાથે તેની ભાવભીની વિદાય કરવાનું સપનું દરેક મા-બાપ સેવતા હોય છે, પણ આજેય એવા અનેક કુટુંબો છે જેમાં દીકરા-દીકરીની સગપણની વાત શરૂ થાય ત્યારે જ તેઓ પહેલા એ જુએ છે કે તેમના પોતાનું ઘરનું ઘર છે કે નહીં ???

એ પછી જ તેઓ સગાઈની વાત આગળ વધારે છે. એક એવા માતા- પિતા એટલે માતા કનકબા અને પિતા મહાવીરસિંહ ઝલુભા ઝાલા જેઓ દીકરી અરૂણાબાના લગ્નની સતત ચિંતા વ્યક્ત કરતા હતા ‌.

‘’મારી દીકરીને પરણાવવાની ઉંમર જેમ થતી જતી હતી તેમ તેમ અમારી ચિંતા પણ વધતી જતી હતી કારણકે હું નાના એવા ગામમાં કાચા ઝુંપડામાં પોતાના પરિવાર સાથે રહું છું’’ તેમ જણાવતા મહાવીરસિંહ ઝાલાએ પોતાની વ્યથા વર્ણવી. પરિવારનો સંપૂર્ણ આર્થિક આધારનો ભાર વહન કરતા મહાવીરસિંહ

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઉકરડી ગામમાં રહે છે અને વર્ષોથી ગામના ગોંદરે નાનકડો પાનનો ગલ્લો ચલાવી રહ્યા છે, જેમાંથી થતી ઓછી આવકમાં પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમના પરિવારમાં તેમના પત્ની કનકબા, પુત્ર કુલદીપ સિંહ અને કરણસિંહ તથા પુત્રી અરુણાબા છે.

મહાવીર સિંહના બંને પુત્રને ધોરણ આઠના અભ્યાસ દરમિયાન જ અચાનક આવી પડેલી શારીરિક અશક્તિને કારણે કાયમી વિકલાંગતા આવી ગઈ. આ સમય દરમિયાન વરસાદી વાવાઝોડું અને કુદરતી આપત્તિ સમયે તેમનું પોતાનું નાનકડું એવું ઘર પણ ગમે ત્યારે ધરાશાયી થાય એવી સ્થિતિ ઊભી થઈ.

પરિવાર માથે તો જાણે આભ તૂટી પડ્યું.. જો માથા પરથી અચાનક જ આશરો છીનવાઈ જશે તો તેઓ પોતાના પરિવાર સાથે ક્યાં જશે?? એની સતત તેઓ ચિંતા કરતા હતા. એ દરમિયાન અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉકરડી ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અંતર્ગત ગામ લોકોને માહિતી આપવામાં આવી.

મહાવીરસિંહને ઘરના ઘર વિશેની જાણકારી મળતા તેમણે વધુ વિગતો માટે કચેરીનો સંપર્ક કર્યો ત્યાંથી સંતોષકારક જવાબ મળતા તેમનું ઘરના ઘરનું સપનું જાણે કે પુરૂ થતું લાગ્યું. ઉકરડી ગામમાં તેમને વારસામાં મળેલી પોતીકી જમીન જે હતી ત્યાંજ તેઓ કાચુ ઝુંપડું બાંધીને રહેતા હતા એ જગ્યા પર જ પાકુ ઘર બાંધવાનું નક્કી થયું.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નોંધણી થતા સપરમા દાડે એ જમીન પર પાયાનું ખોદકામ થયુ અને આવાસનું કામ શરૂ થયું. પ્રથમ તબક્કામાં ૩૦ હજાર રૂપિયા મળ્યા અને કામ વાયુવેગે હાથ ધરાયું..બીજા તબક્કામાં ૫૦ હજાર રૂપિયા અને ઘર સંપૂર્ણ બની જતા છેલ્લા તબક્કામાં રૂપિયા ૪૦ હજારની સહાય મળવાથી મહાવીરસિંહનું ઘરનું ઘર બંધાઇ ગયું.

આ ઉપરાંત તેઓ BPL લાભાર્થી હોવાથી મનરેગા યોજના હેઠળ પણ કામગીરી કરતા હોવાથી ૯૦ દિવસ સળંગ હાજર રહીને મજૂરી કરી હોવાથી તેની આવક સ્વરૂપે રૂ.૧૭,૨૮૦/- પણ મળ્યા.આમ કુલ રૂપિયા.૧,૩૭,૨૮૦/- ની મદદ મળવાથી ઘરના ઘરનું સપનું તેઓ સાર્થક કરી શક્યા. તેમણે માત્ર ચાર દિવાલો જ નહી પણ ઘરમાં લાઈટ,પાણી, શૌચાલય,અને બાથરૂમની વ્યવસ્થા કરી અને પરિવારજનો માટે સુખ-શાંતિનો આશરો નિર્માણ કર્યો.

કહેવાય છે ને કે જે ઘરના આંગણામાં દીકરીના લગ્નનો માંડવો રોપાય એ ધરા ધન્ય બની જાય છે, અને જે માતા-પિતાને કન્યાદાન કરવાનો મોકો મળે છે તેઓ મહાદાન કર્યા સમર્થ ગણાય છે. ઉકરડી ગામમાં મહાવીરસિંહનું ઘરનું ઘર બન્યુ છે એવા સમાજમાં મેસેજ જવાથી તેમની યુવાન દીકરી અરૂણાબા માટે માંગા આવવાના શરૂ થયા.

અને કુંકાવાવ ગામેથી આવેલા દિકરાના પરિવારને તેમનું સુંદર આવાસ જોતા જ પસંદ પડી જતા તુરંત જ લગ્ન નક્કી થયા. અને ૩ ફેબ્રુઆરી૨૦૨૨ ના રોજ રંગેચંગે અને નિર્વિઘ્ને અરૂણાબાના લગ્ન સંપન્ન થયા. દિકરીના કંકુથાપાથી એ ઘરની જાણે કે શોભામાં અભિવૃધ્ધિ થઈ.

આમ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલા ઘરમાં ઝાલા મહાવીરસિંહ અને તેમનો પરિવાર ખુબ ખુશીથી જીવન જીવી રહ્યા છે. આલેખન:- મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.