Western Times News

Gujarati News

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આખરે ક્લિન ચીટ મળી

મુંબઈ, સમગ્ર બોલીવુડને હચમચાવી દેનારા ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાનારા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આખરે ક્લીન ચીટ મળી ગઈ છે. એનસીબીએ જણાવ્યું છે કે, તપાસના અંતે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ ના મળ્યું હોવાનો ખુલાસો થતાં તેને આ કેસમાં ક્લીન ચીટ આપવામાં આવે છે.

અગાઉ આ કેસની તપાસ એનસીબી મુંબઈ દ્વારા કરવામાં આવી હતી. જાેકે, તપાસ કરનારા અધિકારી સમીર વાનખેડે સામે અનેક સવાલો ઉભા થતાં કેસની તપાસ સંજયકુમાર સિંહ નામના અધિકારીની આગેવાનીમાં બનેલી એસઆઈટીને સોંપવામાં આવી હતી.

એનસીબીના જણાવ્યા અનુસાર, આ કેસમાં ૧૪ લોકો વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ૦૬ લોકો વિરુદ્ધ પુરાવાના અભાવે ફરિયાદ દાખલ નથી કરાઈ.

શાહરુખ ખાનના ૨૩ વર્ષીય દીકરા આર્યન ખાન પર ડ્રગ્સનું સેવન કરવા ઉપરાંત તેની પાસેથી તેનો જથ્થો મળ્યાનો પણ આરોપ હતો. કોર્ટમાં આર્યને કરેલી જામીન અરજીનો વિરોધ કરતા એનસીબીએ એવી દલીલો પણ કરી હતી કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલો હોવાની શંકા છે, અને તે ઘણા સમયથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે.

નીચલી કોર્ટ દ્વારા આ મામલે આર્યનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, આખરે બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીન આપતા તે ૩૦ ઓક્ટોબરના રોજ જેલની બહાર આવ્યો હતો.

૦૩ ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આર્યન સહિત કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી. તેમના પર એક ક્રુઝ શીપ પર ડ્રગ્સ પાર્ટી કરવાનો આરોપ હતો. તમામ આરોપીને પહેલા પાંચ દિવસ એનસીબીની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ૮ ઓક્ટોબરના રોજ આર્થર રોડ જેલમાં મોકલી દેવાયા હતા.

આખરે ૨૮ ઓક્ટોબરના રોજ આર્યન ખાનને જામીન પર મુક્ત કરવાનો ઓર્ડર અપાયો હતો, પરંતુ કોર્ટનો ઓર્ડર જેલતંત્ર સુધી પહોંચવામાં બે દિવસ થઈ જતા આર્યન ખાન ૩૦ ઓક્ટોબરે મુક્ત થયો હતો.

આર્યન ખાનની સંડોવણી ધરાવતો આ કેસ ખૂબ જ વિવાદાસ્પદ બની ચૂક્યો હતો. સમીર વાનખેડેએ કેસની તપાસ આગળ વધારતા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, અનન્યા પાંડે જેવી અભિનેત્રીઓને પણ ઓફિસે બોલાવીને કલાકો સુધી તેમની પૂછપરછ કરી હતી.

બીજી તરફ, સમીર વાનખેડેએ આ કેસમાં ૨૫ કરોડ રુપિયાની ડિમાન્ડ કરી હોવાના આરોપ લાગ્યા હતા આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે વાનખેડે સામે મોરચો માંડી તેમની વિરુદ્ધ એક પછી એક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આખરે સમીર વાનખેડે પાસેથી તપાસ આંચકી લઈને તેમની ટ્રાન્સફર કરી દેવાઈ હતી, અને ત્યારપછી આ કેસ દિલ્હી હેડક્વાર્ટરે બનાવેલી એસઆઈટીને સોંપી દેવાયો હતો.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.