Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ પાટણના પટોળા ભેટ આપી ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનું સ્વાગત કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે IPL ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા-જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા ખેલાડીઓ સાથે કર્યો રસપ્રદ વાર્તાલાપ-યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

ગુજરાતી ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘બેટ’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ- બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ-કન્યા કેળવણી માટે વપરાશે. ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા તથા અન્ય ખેલાડીઓએ જીતનો મંત્ર વર્ણવ્યો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા – જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સૌ ખેલાડીઓ સાથે સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ ફાઇનલ મેચમાં સર્જાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફાઇનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાત કરી હતી સાથે-સાથે બાળપણમાં ક્રિકેટ રમવાના તેમના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.

ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘ બેટ ’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ – કન્યા કેળવણી માટે વપરાશે.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ ટીમના કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ IPL ટ્રોફી પ્રસ્તુત કરી હતી. ટીમના કેપ્ટન શ્રી હાર્દિક પંડ્યાએ તેમના સૌ ખેલાડીઓનો પરિચય મુખ્યમંત્રીશ્રીને કરાવ્યો હતો, આર.જે. ધ્વનિતે મોડરેટરની ભૂમિકા નિભાવી હતી.

અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.