Western Times News

Gujarati News

લોકમાતા સાબરમતીને આરે રિવરફ્રન્ટ પર યોજાયો “ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ” કોંકલેવ

‘અમદાવાદમાં નાગરિકોની સંખ્યા જેટલા જ વૃક્ષોના ઉછેર અને જતન કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો લક્ષ્યાંક’ મ્યુન્સીપલ કમિશનર લોચન શહેરા

કથાકાર શ્રી જીગ્નેશ દાદાએ કર્યો જાહેર સંકલ્પ, “હવે જ્યાં જ્યાં મારી કથા યોજાશે, યજમાન પરિવારના પ્રત્યેક સભ્યો પાસે વૃક્ષારોપણ કરાવીશ”.

5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણીય જીવનશૈલી અપનાવવાના મંત્ર સાથે પર્યાવરણ, સ્વચ્છતા, જળસંચય અને જળસંરક્ષણ માટે સંવાદિતા ઉભી થાય તે હેતુથી “ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ” ટોક શૉ યોજાયો હતો. ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

The “Let’s go back to nature” talk show was held on the occasion of World Environment Day with the motto of adopting an environmental lifestyle and creating harmony for the environment, hygiene, water conservation and water conservation.

રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી જીગ્નેશ દાદા, RSSના રાષ્ટ્રીય કન્વીનર શ્રી ગોપાલ આર્ય સહિતના વિવિધક્ષેત્રના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સાથે આ સંવાદ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રોતાઓ વચ્ચે જઈને કરેલો સંવાદ હતો. જેમાં એક યુવાને બાળકના જન્મ સમયે 10 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાની આહલેક જગાવી તો એક વડીલે પર્યાવરણીય કાયદાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી. મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે આપણે પર્યાવરણને લાગતા વિવિધ 19 દિવસો ઉજવીએ છીએ પણ આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ.

સાથે જ તેમણે Respect Food ઝુંબેશનો ઉલ્લેખ કરતા ભોજનનો બગાડ અટકાવવા જનઅપીલ કરી. મંત્રી શ્રીએ ભોજનનો મહિમા સમજાવતા કહ્યું કે, “1 કિલો ઘઉં પકવવા 800 લીટર અને 1 કિલો ચોખા પકવવા 5000 લીટર જેટલા પાણીનો ઉપયોગ થાય છે. આપણી થાળીમાં વધતું ભોજન ગરીબ માણસોનું પેટ ભરવા પૂરતું છે.”

આગામી સમયમાં સરકાર પર્યાવરણ જતન માટે શું નવું કરી શકે તે માટે લોકોના સૂચનો મંગાવવા માટે મંત્રી શ્રીએ ઓન ધ સ્પોટ ઇમેઇલ આઈડી [email protected] જાહેર કરીને સરકાર ટેક્નોસેવી હોવાનો પરિચય આપ્યો.

વન, પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ તબક્કે ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી લોચન શહેરાએ અમદાવાદમાં નાગરિક દીઠ એક વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક જાહેર કર્યો.

કોર્પોરેશન દ્વારા લોકોને તેમના સ્થળે વાવવા માટે વૃક્ષ ઉપલબ્ધ કરાવતી “પ્લાન્ટ ઓન ડિમાન્ડ” ઝુંબેશનો લાભ લેવા પણ વિનંતી કરી. આ અવસરે કથાકાર જીજ્ઞેશ દાદાએ પણ આગામી કથાથી યજમાનોના હાથે વૃક્ષારોપણ કરાવવાની પહેલ શરૂ કરવાનું વચન આપ્યું.

RSSના આંતરરાષ્ટ્રીય કન્વીનર ગોપાલ આર્યજીએ ઉપસ્થિત લોકોને કેમિકલ ફ્રી ઘર, વીજળીની બચત, ઘરમાં નર્સરી અને પોલીથીન મુક્ત ઘર બનાવવુ એવા 4 સંકલ્પો કરાવ્યા. પૂર્વ RJ ધ્વનિતે કવિતાઓ દ્વારા પ્રકૃતિના જતનનો સુંદર સંદેશ પાઠવ્યો.

આ કાર્યક્રમમાં ‘મૈં ભી આત્મનિર્ભર’ પુસ્તકનું વિમોચન ઉપસ્થિત મહેમાનોએ કર્યું. સાબરમતી નદીના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત ઇકોલોજી મિશનના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં પર્યાવરણપ્રેમી જનતાએ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.