Western Times News

Gujarati News

“રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન” અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ-ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 દેશના પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ સાથે સુસંગત રીતે જોડાયેલી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ત્રિદિવસીય પ્રદર્શન-પરિસંવાદથી જાહેર સાહસોને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા મળશે

પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે

સોલાપુર સ્થિત NTPC તથા બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં “રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન” અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં ૬ થી ૧૨ જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે યોજાઇ રહેલા આ પ્રદર્શન સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા વિષયક પરિષદનો પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

આ પરિષદમાં મહત્વકાંક્ષી જિલ્લા- એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR વિષયક બાબતો અંગે વર્કશોપ -ડિસ્કસન સિરિઝ યોજાશે.

એટલું જ નહીં MSE પાસેથી પ્રાપ્તિ અને CPSEની એન્યુઅલ ઓડીટ પ્રણાલી જેવી બાબતો અંગે વિવિધ CPSEsના CEOs એક કોમન પ્લેટફોર્મના માધ્યમથી વૈચારીક આદાન-પ્રદાન કરવાના છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન અને પરિષદનો પ્રારંભ કરાવતાં, ગાંધીનગરની આ કાર્યક્રમ માટે પસંદગી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દેશના જાહેર સાહસોને-પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝિસને દેશની પ્રગતિ અને વિકાસ માટે સહિયારા પગલા ભરવાની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે. આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે.

આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે, તેવો મત શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, એક્શન@75 ને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર અને રાજ્યોના જાહેર સાહસો વચ્ચે સહયોગ-સૂમેળ વધારવા બાબતે વિચારવું પડશે.

દેશના જાહેર સાહસોને પહેલા જેવી મોનોપોલી ભોગવવા ન મળતી હોવાના સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા દેશના જાહેર સાહસોએ રિ-ઓરિએન્ટ થવું પડશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં આવા PSEsની સંગીન અને મજબૂત ઉપસ્થિતિની ભૂમિકા આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટીની સુવિધાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ગિફ્ટ સિટીમાં વિશાળ જગ્યા, ICT નેટવર્ક, ગ્લોબલ ટ્રેઝરી ઓપરેશન્સ શરૂ કરી શકવાની સુવિધાઓ, બેક ઓફિસ અને IT ઓપરેશન્સની વ્યાપક સગવડોનો લાભ લેવા CPSEs ગિફ્ટ સિટીમાં મૂડી-રોકાણ, વ્યવસાય કરવા આવે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ  CPSEsના CEOsને  લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

 

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને કહ્યું કે, રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે. ભારત સંસ્થાનવાદી શાસનમાંથી આઝાદી મેળવ્યાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષોમાં રાષ્ટ્રના વિકાસમાં સેવારત જાહેર સાહસોની પ્રગતિ દર્શાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના આ ૭૫ અઠવાડિયા યોગ્ય સમય છે, જેમાં તમામ સંસ્થાઓને દેશના વિકાસમાં આપેલ યોગદાનને દર્શાવવાની તક મળી છે.

નાણા મંત્રી શ્રીમતી સીતારમને ઉમેર્યું કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજણ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાણો સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે. પરંતુ એ સમયે માત્ર વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્યાં સુધી સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય ન હતા. ૧૯૪૭થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીય અર્થતંત્રને ઊંચુ લાવવામાં અવિરત પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક મળી હતી, ગુજરાત એ ઉદ્યોગસાહસિકો અને સાહસોની ભૂમિ છે જે ભારતની વિશેષતા હતી.

નાણા મંત્રી શ્રીમતી સીતારમને વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં જાહેર સાહસોને મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તાર કરવા, સ્કેલીંગ અપ, વૈવિધ્યીકરણ રોકાણ અંગે પૂરતી તક આપવામાં આવી છે. આથી આજે જાહેર સાહસોની સંસ્થાઓ ખાનગી ક્ષેત્ર સાથે સ્પર્ધા કરી રહી છે અને વૈશ્વિક નામના મેળવી રહી છે. આપણે વિકાસના નવા ક્ષેત્રો જોવાની, કાર્યક્ષમતા વધારવાની જરૂર છે, જ્યાં આપણે વેબ ૩, ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦, ડીપ ડેટા, ડીપ ટેક્નોલોજીથી લાભ મેળવી શકીએ છીએ.

સ્કોપ તથા સેઈલના ચેરપર્સન શ્રીમતી સોમા મંડલે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના જીડીપીમાં જાહેર સાહસોની સંસ્થાઓનું મહત્વનું યોગદાન છે. સ્કોપના તમામ સભ્યો દેશને ૫ ટ્રીલીયન ઈકોનોમી બનાવવાના લક્ષ્યને સાધવા સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત આ સંસ્થાઓ દેશના આર્થિક તથા માળખાકીય વિકાસની સાથે સાથે CSRના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે પ્રયાસરત રહી સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની ભાગરૂપે યોજાઈ રહેલા આ પ્રદર્શનમાં ૭૫ જેટલી જાહેર સાહસોની સંસ્થાઓના આઝાદીકાળથી આજદિન સુધીની વિકાસની ઝાંખી દર્શાવવામાં આવી છે, જે આગામી વર્ષો માટે પ્રેરણારૂપ સાબિત થશે.

કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત એનટીપીસી તથા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ મિનિ સ્માર્ટ સિટીમાં સ્થાપિત ૭૫૦ કિલોવૉટના સોલર પ્લાન્ટમાંથી કુલ જરૂરિયાતના ૩૪ ટકા વિજળી મેળવવામાં આવે છે. વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સનો ઉપયોગ થયો છે. અન્ય સુવિધાઓમાં અત્યાધુનિક વાહન સ્કેનિંગ સિસ્ટમ, સ્પીડ નિયંત્રણ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ૭૫ જેટલા કેન્દ્રિય જાહેર સાહસોની સંસ્થાઓના પ્રતનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.