Western Times News

Gujarati News

ગુજરાત ગ્રામ હાટ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના ૨૯ સ્ટોલનુ ત્રિ- દિવસીય પ્રદર્શન અને વેચાણ

કર્ણાવતી ગ્રાહક પ્રાકૃતિક બજાર -૨૦૨૨ને ખુલ્લું મુકતા રાજ્યપાલ -ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધે એ સમયની માંગ

પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા અમદાવાદ જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગુજરાત ગ્રામ હાટ ભવન, પાલડી ખાતે ‘’કર્ણાવતી પ્રાકૃતિક કૃષિ ગ્રાહક બજાર-૨૦૨૨’’ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું  મુકવામા આવ્યું.

રાજયપાલશ્રીએ અમદાવાદ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી થકી કૃષિ ઉત્પાદન કરતા પ્રગતીશીલ ખેડુતોના પ્રાકૃતિક કૃષિ પેદાશોના ૨૯ જેટલા સ્‍ટોલની મુલાકાત લઇને ખેડુતોને આત્મનિર્ભરતામાં સહયોગી થવા પ્રોત્સાહિત કરીને સંવાદ સાધ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં રાજયપાલશ્રી ત્રણ વર્ષથી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે તમામ જિલ્લા વહીવટીતંત્રને પણ  દિશાસૂચન કર્યુ છે.

રાજ્યપાલશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્‍યાપક બનાવવા, અમદાવાદ જીલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉમદા હેતુથી તથા તેમની પોતાની કૃષિ ઉપજ માટે વેચાણ વ્યવસ્થા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે  અમદાવાદ શહેરના હાર્દસમા વિસ્‍તાર ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલી ચાર રસ્તા, પાલડી ખાતે  ત્રણ દિવસ સુધી કૃષિ ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકના અંદાજે ૨૯ જેટલા સ્ટોલમાં વિવિધ પ્રોડક્ટ જેવી કે ઓર્ગેનિક હળદર,ઘી,ચણા, ઘઉં,ચોખા,બાજરી,રાઈ, અજમો, જીરું,ડેરી અને બેકરી પ્રોડક્ટ, ફળો અને અન્ય વસ્તુઓ અહીં વેચાણ અર્થે ઉપલબ્ધ છે.

શહેરના નાગરીકોનુ આરોગ્ય અને તંદુરસ્તી  જળવાય એવા શુભ આશયથી  જીલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા શરૂ કરેલ કર્ણાવતી ગ્રાહક પ્રાકૃતિક બજારનો લાભ લેવા તેમજ ખેડુતોને પ્રોત્સાહીત કરવા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા તમામ શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે.

આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રી કિરીટકુમાર પરમાર,પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી  અનિલભાઈ ધામેલિયા, જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ, બાગાયત નિયામકશ્રી કલ્પનાબેન પંચાલ, આત્મા ગુજરાત, પશુપાલન ખાતના અધિકારીઓ અને જીલ્લાના ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન/ શ્રધ્ધા ટીકેશ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.