Western Times News

Gujarati News

SIT પોલિસના અથાગ પ્રયત્નોના લીધે જ આજે ગુજરાતના વેપારીઓના કરોડો રૂપિયા પરત આવી શકયા

આવનારા દિવસોમાં રાજ્યભરમાં વેપારીઓની સમસ્યાઓના નિવારણ માટેની ઝુંબેશ સશકત બનાવાશે : હર્ષ સંઘવી-SIT પોલીસ કર્મચારી પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત પોલીસ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા

રાજ્યમાં અને રાજ્ય બહાર વેપારીઓના ફસાયેલા અંદાજે ૧૦ કરોડ રૂપિયા પરત લાવવા માટે ઉત્કૃષ્ટ કાર્યવાહી બદલ પોલીસ વિભાગ પ્રશંસાનો હકદાર: હર્ષ સંઘવી

મહાજન મંડળ અને પોલીસ વિભાગના સંકલન થકી કરોડો રૂપિયા પરત લાવવામાં સફળતા મળી અને “આર્થિક ગુના નિવારણ શાખા”ની શરૂઆત થઈ શકી : સંજય શ્રીવાસ્તવ

અમદાવાદ શહેરમાં કાપડ બજારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી રોકવાના હેતુસર ૨૦૨૦ થી SIT ની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રીશ્રીની સૂચના હેઠળ કાપડના વેપારીઓ સાથે થયેલ છેતરપિંડીના બનાવો બાબતે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 ના સીધા સુપરવિઝન હેઠળ કાર્યરત એસ.આઇ.ટીમાં

ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યો પૈકી પશ્ચિમ બંગાળ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા રાજ્યની મળેલી કુલ 605 અરજીઓની ઝડપી તપાસ અને નિકાલ માટે સાત ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે ૧૦ પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા.

આ ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં જઈને તપાસની કામગીરી કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત આજદિન સુધી એસ.આઇ.ટી ટીમ દ્વારા કાપડના વેપારીઓના રાજ્યમાં અને રાજ્ય બહાર ફસાયેલા કુલ ૯,૮૯,૭૬,૦૮૨ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.

પોલીસ વિભાગ દ્વારા થયેલી આ પ્રસંશનીય કામગીરીને બિરદાવવા માટે આજરોજ અમદાવાદના રાયપુર ખાતે  મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SIT પોલીસ કર્મચારી પ્રોત્સાહન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ પ્રસંગે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ હરહંમેશ કટિબદ્ધ છે. કાપડના વેપારીઓ વિશ્વાસ સાથે વેપાર કરે છે. તેઓ દેશના અનેક ભાગોમાં માલ મોકલે છે.

જ્યારે તેઓના પેમેન્ટ માટે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે કે લેભાગુ એજન્ટો કે વેપારીઓ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવે છે ત્યારે તેઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આ કારણસર જ એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને કુલ ૭૭ જેટલા પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટીમ બનાવીને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવેલ અને આ ટીમો ના સફળ પ્રયાસોને લીધે આજે વેપારીઓના કરોડો રૂપિયા પરત લાવવામાં સફળતા મળી છે. આ માટે સમગ્ર પોલીસ વિભાગ અભિનંદનની હકદાર છે.

આ ડ્રાઈવના લીધે ગુજરાત પોલીસ પ્રત્યે વેપારીઓનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને વધુને વધુ વેપારીઓ પોલીસ અને એસ.આઇ.ટી ની સેવાઓનો લાભ લઈ શકશે તેમજ તેઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવી શકાશે. આજરોજ કરવામાં આવી રહેલું આ સન્માન પોલીસ કર્મચારીઓનો આત્મવિશ્વાસ અનેકગણો વધારશે.

અન્ય રાજ્યોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા કરવાના કે તેમને એક યા બીજી રીતે પરત મોકલવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેઓએ કોઈપણ પ્રકારના દબાણોને વશ થયા વિના પોતાની ફરજ ઉત્કૃષ્ટ રીતે નિભાવી અને વેપારીઓના કરોડો રૂપિયા પરત લાવવામાં સફળતા મેળવી.

વધુમાં તેઓએ કાપડ માર્કેટ મહાજનના પણ વખાણ કર્યા. તેઓએ જણાવ્યું કે મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને સરકાર વચ્ચે પહેલેથી જ સંકલન અને સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત છે. પહેલેથી જ કાપડ માર્કેટ મહાજન કુદરતી આપદાઓમાં મદદ માટે અને સમાજસેવા માટે સરકારની સાથે ઊભી રહે છે.

વધુમાં, તેમણે જણાવ્યું કે, “મહાજન” શબ્દ તમારી ઓળખ છે અને તમારા દ્વારા વેપારીઓના હિતમાં લેવાતા નિર્ણયોનું પ્રતીક છે. તેઓએ તેમને “મહાજન” તરીકે જ ઓળખાવવા માટે અને એસોસિયેશન તરીકે ના સ્થાપિત થવા માટે અપીલ કરી.

આ પ્રસંગે અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, એક વેપારી તરીકે ઉઘરાણીના નાણાં પરત ન આવે અને છેતરપિંડીનો ભોગ બનવામાં આવે તે બહુ જ કપરો સમય હોય છે. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા સ્થાપિત એસ.આઈ.ટી ની કામગીરી ખરેખર પ્રશંસનીય છે.

તેઓના અથાગ પ્રયત્નો ના લીધે જ આજે વેપારીઓના કરોડો રૂપિયા પરત આવી શકયા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વેપારીઓના પ્રશ્નોના નિકાલ માટે હરહંમેશ કાર્યરત છે અને વેપારીઓ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ માટે તેમજ પોલીસી મેકિંગ માટેના સૂચનો સાથે હંમેશા આવકાર્ય છે.

આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, પોલીસ વિભાગ માટે આજે ખરેખર ગર્વની વાત છે. શહેરના વેપારીઓના પ્રશ્નો માટે પોલીસ જે કંઈ પણ કરી શકશે એ કરવા માટે હંમેશા તત્પર રહેશે. આવા આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે જ “આર્થિક ગુના નિવારણ શાખા” ની શરૂઆત કરવામાં આવી છે.

કાર્યક્રમ અંતર્ગત ૦૭ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૭૦ પોલીસ કર્મચારી સહિત કુલ ૭૭ અધિકારીઓને પ્રશંસાપત્ર અને રોકડ ઈનામોથી સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે કેટલાક વેપારીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા. તેમને પોલીસ અને SIT દ્વારા મળેલા સહયોગ અને પોતાના ફસાયેલા નાણાં પરત અપાવવા બદલ તેઓએ પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા કરી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ સભ્યશ્રી હસમુખ પટેલ, શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ (IPS), જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ગૌતમ પરમાર (સેકટર-૨)(IPS), મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને સેક્રેટરી નરેશ શર્મા, BJP શહેર પ્રમુખ શ્રી અમિત શાહ અને સહ કોષાધ્યક્ષ  શ્રી ધર્મેન્દ્ર શાહ તેમજ મસ્કતી કાપડ માર્કેટ મહાજનના વ્યાપારી ગણ તેમજ પોલીસ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.