Western Times News

Gujarati News

ધોલેરામાં એરપોર્ટના વિકાસ માટે ફેઇઝ-૧ માટે 1305 કરોડ રૂપિયા મંજૂર

વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. ૧૩૦પ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આગામી ૪૮ મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા અને ગતિ આપનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતા જનાર્દન વતી હ્વદયપૂર્વક આભાર માન્યો છે.

તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીએ દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતાં મલ્ટિમોડેલ કનેક્ટીવીટી અને પી.એમ ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પલીમેન્ટેશન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના સંયુકત સાહસ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ મારફતે સાકાર થવાનો છે.

ધોલેરાનું આ સૂચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનના કાર્ગો ટ્રાફિક હેન્ડલીંગ દ્વારા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના કાર્ગો પરિવહન હબ તરીકે વિકસાવવામાં વેગ મળશે તથા અમદાવાદ એરપોર્ટના અન્ય વિકલ્પ તરીકે પણ ઉપયોગી થશે.

અમદાવાદથી અંદાજે ૮૦ કિ.મીટરના અંતરે આવેલું સૂચિત ધોલેરા એરપોર્ટ આગામી ર૦રપ-ર૬ સુધીમાં કાર્યરત થવાનું આયોજન છે.

આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક ૩ લાખ પેસેન્જરનું વહન કરશે જે ભવિષ્યના બે દાયકામાં-ર૦ વર્ષમાં વાર્ષિક ર૩ લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે.

એટલું જ નહિ, ર૦રપ-ર૬ માં વાર્ષિક ર૦ હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતા પણ ર૦ વર્ષમાં વાર્ષિક ર લાખ ૭૩ હજાર ટન પહોચે તેવી ધારણા છે.

મુખ્યમંત્રીશ્રીએ ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયુકત બનશે તે અંગે પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.