Western Times News

Gujarati News

વડાપ્રધાન વડોદરાને આપશે મોટી ભેટ: ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન થશે

રૂપિયા ૬૬૦.૨૬ કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે વડાપ્રધાન મોદી

ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાને કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આજે વડાપ્રધાન ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે.

તેમની મુલાકાત દરમિયાન, પીએમ પાણી વિતરણ સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં વડાપ્રધાનની આ ચોથી ગુજરાત મુલાકાત હશે, જ્યાં તેઓ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્‌સ જનતાને સમર્પિત કરશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા ૭૪૩ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે ૧૦૦ એકર જમીન ફાળવી છે.

રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાત સરકારના પ્રયાસો તેમજ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, ટેકનિકલ શિક્ષણથી લઈને સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન સેક્ટર સુધી, વડાપ્રધાનશ્રીએ શિક્ષણનો ૩૬૦ ડિગ્રી વિકાસ કર્યો છે.

થોડા મહિના પહેલા જ વડાપ્રધાનશ્રી એ રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જાે આપીને ગુજરાતને મોટી ભેટ આપી હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ આપણી નવી યુવા પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી તો આપશે જ, સાથે તે તેમને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે વિશાળ તકો પણ પ્રદાન કરશે.”

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રમાશંકર દુબેએ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, “ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ સંપૂર્ણપણે રહેણાંક, ગ્રીન કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જ્યાં અઢી હજાર વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકશે.

યુનિવર્સિટીના નવા કેમ્પસનો મુખ્ય દરવાજાે ગુજરાત રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રતિક સમાન છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થશે.”

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. એચ. બી. પટેલે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીના નવા કેમ્પસમાં ૫ મુખ્ય શૈક્ષણિક બ્લોક્સ હશે, જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ, લાઇફ સાયન્સ, નેનો સાયન્સ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એપ્લાઇડ મટિરિયલ્સ સાયન્સ, રાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધ અને પ્રવાસી અધ્યયન જેવા વિશેષ વિષયોને આવરી લેવામાં આવશે. પ્રયોગ શાળાઓ અને તમામ લેક્ચર હોલ આંતરરાષ્ટ્રીય કક્ષાના અને આધુનિક સાધનોથી સજ્જ હશે.”

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે અને ભૂમિપૂજન કરશે. તેમાં રૂપિયા ૬૬૦.૨૬ કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

આ દિવસે, પીએમ રૂપિયા ૩૯૫.૫૧ કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે અને આશરે રૂ. ૨૬૪.૭૫ કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના ૧૬ લાખથી વધુ લોકોને મળશે.

આ જળ વિતરણ પ્રોજેક્ટ્‌સ માં ૬ Sewage Treatment Plant(STPs) ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના ૨ લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની ર્નિભરતા ઘટાડવામાં મદદરૂપ છે.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ૭૯૬ MLD પાણીનો ઉપયોગ STPs દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર તરીકે થાય છે. સાથે જ, ૧૫૯ MLDની ક્ષમતાવાળા એસટીપી સ્થાપવાનું કામ હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને ભવિષ્યમાં પણ વધારાના ૮૬૦ MLD પાણીને STPs દ્વારા શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.