Western Times News

Gujarati News

‘આરોગ્ય ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન’ વિષય પર કરમસદમાં સેમિનાર યોજાયો

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Shatabdi Mahotsav) નિમિત્તે ચારુતર આરોગ્ય મંડળ ભાઇકાકા યુનિવર્સિટી, કરમસદ તથા આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ (BAPS), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સેમીનારનું આયોજન

કરમસદ,  વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીંધેલા રાહે, માનવ માત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે, પોતાના જીવનની ક્ષણે-ક્ષણનું બલિદાન આપનાર, અવિરત વિચરણ કરી ગામેગામ અને દેશ-પરદેશમાં પધરામણીઓ કરી, અસંખ્ય લોકોનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની,

તેમને આત્મીયતાપૂર્ણ વ્યક્તિગત મુલાકાત આપનાર, લોકસેવાનાં વિરાટ કાર્યોની અવિરત વણઝાર વચ્ચે અહોરાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરી સેવાનો આનંદ લેતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના બહુપરિમાણીય વ્યક્તિત્વને જુદા-જુદા દૃષ્ટિકોણથી મૂલવતી અને તેઓના દિવ્ય જીવન કાર્યને અર્ઘ્ય આપતી વિવિધ કાર્યક્રમોની શૃંખલાઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.

ભૌતિકવાદની અનેક વિકૃતિઓ તબીબી ક્ષેત્ર જેવા માનવતાવાદી ક્ષેત્રને પણ વિકૃત કરી રહી છે ત્યારે તબીબોને આધ્યાત્મિક વળાંક આપી જાહેર આરોગ્ય ક્ષેત્રે સતત પ્રયત્નશીલ પ્રમુખસ્વામી મહારાજે આધુનિકતમ સાધનોથી સુસજ્જ તેમજ ગુજરાતની પ્રથમ હરોળની ઉચ્ચતમ ગુણવત્તાવાળી હોસ્પિટલો સેવાઓનું લક્ષ્ય રાખીને સમાજને સમર્પિત કરનાર પ્રમુખસ્વામીએ અદભૂત આરોગ્યક્ષેત્રે કાર્ય કર્યું છે.

તેમણે કરેલાં આરોગ્યલક્ષી અદ્વિતીય પ્રદાનને લક્ષ્યમાં રાખીને ચારુતર આરોગ્ય મંડળ ભાઇકાકા યુનિવર્સિટી, કરમસદ અને આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “આરોગ્ય ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન” એ વિષય પર તા.૧૮-૦૬-૨૦૨૨ના રોજ ભીખાભાઇ ઓડિટોરીયમ ખાતે સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમ્યાન વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ચારુતર આરોગ્ય મંડળ, કરમસદના સચીવશ્રી જાગૃતભાઇ ભટ્ટ, વક્તા તરીકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદ સંતનિર્દેશકશ્રી પૂ. ડો. વેદમનનદાસ સ્વામી તથા દ્વિતીય વક્તા તરીકે શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના દર્શન વિભાગાધ્યક્ષ પૂ. ડૉ. આત્મતૃપ્તદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આણંદના કોઠારીશ્રી પૂ. ભગવત્ચરણદાસ સ્વામી તેમજ આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી ડૉ. પ્રો. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગાન તેમજ દીપપ્રાગટ્યથી થઈ. ત્યારબાદ પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની આયોજનશક્તિ, નિર્ણયશક્તિ તથા દૂરંદેશિતાથી તેમને કરેલાં વિવિધ માનવ ઘડતરલક્ષી કાર્યોની સ્મૃતિ વીડિયોના માધ્યમથી કરાવાઈ હતી. પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદના ડીન ડૉ. હિમાંશુભાઇ પંડ્યાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તથા સેમિનારના આયોજન અંગેની પૂર્વ યોજના વિષે માહિતી આપી હતી તેમજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણોની સ્મૃતિ કરી હતી. સંચાલકશ્રીએ બંને વક્તાઓનો પરિચય આપ્યો હતો.

“આરોગ્ય ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન” વિષયક વક્તવ્ય રજૂ કરતા પૂજ્ય વેદમનનદાસ સ્વામીએ જણાવ્યું કે, આરોગ્ય સેવા માટે બીએપીએસમાં ૭ અદ્યતન હોસ્પિટલો કાર્યરત છે. તે “આરોગ્યં સર્વદા” ના મધ્યવર્તી વિચાર સાથે કાર્યરત છે. આરોગ્ય સેવાઓના અસરકારક સંચાલન માટે “પ્રમુખસ્વામી હેલ્થ સર્વિસિઝ” સ્વતંત્ર એકમ કાર્યરત છે. જેમાં નિષ્ણાત સમર્પિત તબીબોને આ સેવા એકમમાં જોડીને બીએપીએસ સંસ્થા સાંપ્રત સમાજને, અધ્યાત્મની સાથે આરોગ્યની સેવાઓ પ્રદાન કરી રહી છે.

હોસ્પિટલોમાં સમર્પિત ડૉકટરો અને સ્ટાફ દ્વારા દર્દીના સુસ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાને રાખીને કામ કરવામાં આવે છે. બીએપીએસ સંસ્થા ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરામાં અદ્યતન સુવિધા સજ્જ મલ્ટીપેસ્યાલીસ્ટ હોસ્પિટલો ધરાવે છે. તેમજ 14-15 મોબાઇલ મેડિકલ ક્લીનિક રાજસ્થાન અને ગુજરાતના ગામડાંઓમાં ચાલે છે જે છેલ્લા 23 વર્ષથી કાર્યરત છે. જેમાં 50 લાખ દર્દીઓએ લાભ પ્રાપ્ત કર્યો છે. રક્તદાન યજ્ઞો પણ સતત ચાલતા હોય છે. જેમાં અત્યાર સુધીમાં 46 લાખ બોટલ રક્ત લોકોને આપ્યું છે.

સમાજ જાગૃતિના અનેકવિધ સાંસ્કૃતિક આંદોલનો હાથ ધરીને સંસ્થા જન સમાજના જાહેર આરોગ્ય ક્ષેત્રે આગવું યોગદાન આપી રહી છે. એમ્બ્યુલન્સ સેવા, પેથોલોજિકલ સેવા, નિઃશુલ્ક દવાખાના, ફરતું દવાખાનું, રોગ નિદાન કેમ્પો અને વ્યસનમુક્તિ અભિયાનો સમયાંતરે ચાલતાં રહે છે. તાજેતરમાં બાળકો દ્વારા 12 લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિનાં નિયમ લેવડાવ્યા છે. ખાસ કરીને સમાજના પછાત અને ગરીબ વર્ગોના આરોગ્યની યોગ્ય માવજત માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સતત ચિંતા કરી ઉકેલ રૂપ પાયાના કાર્યો હાથ ધર્યાં છે. પ્રતિવર્ષ લાખો દર્દીઓની સેવા કરીને, સંસ્થા તેમના આશીર્વાદ મેળવે છે.

બીએપીએસ સંસ્થાએ રક્તદાન યજ્ઞ માટે ભક્તોનું લીસ્ટ બનાવ્યું છે, જ્યારે જરૂર પડે ત્યારે બ્લડ આપવામાં આવે છે. જેમાં 20 હજાર સેન્ટરો કાર્ય કરી રહ્યા છે. કુદરતી દુર્ઘટના સમયે તેમજ કચ્છ ભૂકંપ વખતે પણ અત્યંત નોંધપાત્ર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવેલ છે.

સમાજના અગત્યના ઘટક સમા ડૉક્ટરો દ્વારા સમાજ સેવાનું કાર્ય વધુ નક્કર બને તે માટે તબીબીવિદ્યાને આધ્યાત્મિક ઓપ આપવાની એક પ્રક્રિયારૂપે `પ્રીવેન્શન ઇઝ બેટર ધેન કેર` એ ન્યાયે આજના તનાવપૂર્ણ અને દિશાહીન બની ગયેલ તબીબી પ્રેકિટસને આધ્યાત્મિક ઝોક આપવા જીવનલક્ષી અને શ્રદ્ધેય બનાવવા, “મેડીકો સ્પિરિચ્યૂઅલ કોન્ફરન્સ”નું આયોજન છેલ્લા ૨૫ વર્ષથી સમયાંતરે કરવામાં આવે છે. તેમાં તબીબોને સહપરિવાર આમંત્રિત કરીને તેઓ પોતાના ક્ષેત્રમાં પ્રામાણિકતાથી સેવા કરે, તે માટે શુભ પ્રેરણાઓ આપવામાં આવે છે. તેમજ ડૉક્ટરો દ્વારા રોગીને સારવાર આપવા કરતાં તેને રોગ ન થાય તે અંગે વિશેષ જાગૃતિ માટે પણ કોન્ફરન્સના આયોજનો થાય છે.

બીએપીએસ હર્બલ કેર પણ અસરકારક રીતે કાર્યરત છે. મેડિકલ ક્ષેત્રે સંસ્થાએ કરેલાં કાર્યની સરકારે પણ નોંધ લીધી છે. Covid- 19ના સમયમાં પણ બીએપીએસ સંસ્થાએ દેશ-વિદેશમાં અદભુત કાર્ય કર્યું છે.

“આરોગ્ય ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજનું પ્રદાન” વિષયક વક્તવ્ય રજૂ કરતા દ્વિતીય વક્તા ડૉ. પૂ. આત્મતૃપ્તદાસ સ્વામીએ જણાવ્યું કે આખા વિશ્વમાં એક વ્યાપક ગેર સમજ છે કે, જેની પાસે પૈસા વધારે તે સુખી કહેવાય. પરંતુ એવું નથી. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કોઈને દુઃખી જોઈ શક્તા નહીં. પરોઢીયે જાગીને પણ પ્રાર્થના કરતા તેઓના અનેક પ્રસંગો નોંધાયલા છે. તેઓ બીજાનું દુઃખ અનુભવી શકતા હતા. પ્રાણીઓની ભાષા પણ સમજી શકતા એટલા સંવેદનશીલ હતા. `બીજાના સુખમાં આપણું સુખ`. એ જીવન મંત્ર તેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. પોતે જતું કરી બીજા માટે કંઈક કાર્ય કરીએ ત્યારે જે આનંદ આવે છે તે આનંદ શાંતિ આપે છે, તેમ તેઓ જણાવતા.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવન દરમિયાન સેવામાં “આધ્યાત્મિકતા” નો અર્ક ઉમેરીને પોતે એકમાત્ર ભગવાનને રાજી કરવા કરે છે, એવી ભાવના રાખીને જ કાર્ય કર્યું છે. બીજાના સુખ માટે આધ્યાત્મિકતા સાથે જીવવું તે વધારે અગત્યનું છે. તેમના સમાજ સેવાના કાર્યો જોઇ પ્રમુખસ્વામી મહારાજને મોટા મોટા મહાપુરુષો “ભગવાનનું સ્વરૂપ” માનતા. દરેકના હૃદયમાં તેઓ છવાયેલા રહ્યા છે. સમગ્ર જીવનમાં તેમણે વચન આપ્યું હોય અને તે પૂર્ણ ન કર્યું હોય તેવું ક્યારેય બન્યું નથી. આપેલા વચનો તેમણે હંમેશા પાળ્યા છે.

પ્રાસંગિક ઉદબોધન કરતાં આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેને પ્રાપ્ત કરવા હોય તેનું આરોગ્ય સારુ હોવું જોઈએ અને તો જ જીવનમાં આનંદ આવે.  તેને ધ્યાનમાં રાખી. ૧૯૮૭માં પ્રમુખસ્વામી મહારાજના આર્શીવાદથી આ મેડિકલ કોલેજની સ્થાપના થઈ છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન-કવન અને સ્વામીશ્રીએ કરેલ કાર્યો વિશે તેમણે વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આગામી સમયમાં આયોજિત કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તર પ્રસ્તુત કરી હતી.

અધ્યક્ષીય પ્રવચન કરતાં ચારુતર આરોગ્ય મંડળના સચિવશ્રી શ્રી જાગૃતભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, એચ.એમ. પટેલ સાહેબનું જે સ્વપ્ન અધુરું હતું તે સ્વપ્નું પ્રમુખસ્વામી મહારાજે મેડિકલ કોલેજની સ્થાપના કરી પૂર્ણ કરેલ છે. સાથે સાથે કામ સારું થાય, મૂલ્યો સચવાય તેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એ પ્રમાણે મેડિકલ કોલેજમાં કાર્ય થઈ રહ્યું છે, તેનું ગૌરવ અનુભવ્યું હતું. અક્ષરધામ જેવા મંદિરો ફક્ત મંદિરો નથી પરંતુ તીર્થ સ્થાનો છે. તેમાંથી દરેકને જીવનઘડતરની પ્રેરણાઓ મળતી રહે છે.

આણંદ મંદિરના કોઠારીશ્રી, પૂ. ભગવતચરણદાસ સ્વામીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, ૧૯૮૬માં શ્રી એચ. એમ. પટેલ સાહેબને પ્રમુખસ્વામી મહારાજનું નામ હોસ્પિટલ સાથે જોડાય તેવી તેમની ખાસ ઈચ્છા હતી. તદુપરાંત સ્વામીશ્રીના હસ્તે જ હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તે સ્મૃતિઓ તેમણે યાદ કરાવી હતી. શ્રી એચ. એમ. પટેલ સાહેબનો જેવો ભાવ હતો તેવો જ ભાવ તેમના પરિવારના સભ્યોનો પણ રહ્યો છે. તેમના પરિવારે બીજી અનેક વિદ્યાશાખાઓ ઊભી કરી ખૂબ વિકાસ કર્યો છે. પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ અંગે ગુજરાત સરકારમાંથી મંજુરી અંગે અનુભવેલ તકલીફો પણ દોહરાવી હતી.

કાર્યક્રમના અંતમાં ભાઇકાકા યુનિવર્સિટી મેડિસીન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ. ભાલેન્દુ વૈષ્ણવે સમાપન પ્રવચનમાં કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ આંતર તત્ત્વ(ઈનર કેમેસ્ટ્રી) માં સ્થિર રહી પરાત્પર ચેતનાથી કાર્ય કરતા. તેમને ડૉકટરની જવાબદારીઓની વાત કરી હતી. સાથે સાથે તેમણે મેડિકલ કોલેજના અધિકારીઓ અને સ્ટાફને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ કાર્ય કરે તેવી પ્રાર્થના કરી હતી. સાથે સાથે આભારવિધિ પણ કર્યો હતો.

આમ, ભાઇકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે  સ્વામીશ્રીના દિવ્ય જીવન-કાર્યમાંથી પ્રેરણા આપતા ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે યુટ્યુબના માધ્યમથી ઓનલાઇન અને બીએપીએસ સંસ્થાની પ્રેરણાસેતુ એપ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દેવસ્ય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.