Western Times News

Gujarati News

સંપૂર્ણ દિવ્યાંગ બાળકોને આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવાની ઝુંબેશ ‘નઈ રાહ’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર 

Ahmedabad District Collector launching 'Nai Raah' campaign to make Aadhar card available to completely disabled children

જિલ્લા વહીવટી તંત્રની ‘નઈ રાહ,યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’

‘નઈ રાહ, યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’ ઝુંબેશના પ્રથમ દિવસે જ 19 સંપૂર્ણ દિવ્યાંગ બાળકોના આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ

હવે અમદાવાદ જિલ્લા અને શહેરના દરેક દિવ્યાંગ બાળકની પણ હશે પોતાની અલગ ઓળખ. હવે કોઈ દિવ્યાંગ બાળક નહીં રહે આધાર કાર્ડ વિનાનું… દિવ્યાંગ અને એમાંય સંપૂર્ણ દિવ્યાંગ બાળકો માટે આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયા મુશ્કેલ અને પડકારભરી હોય છે.

સેરેબલ પાલ્સી જેવી બીમારીથી પીડિત બાળકો-દિવ્યાંગોના આધાર કાર્ડ માટે આંગળીઓના નિશાન લેવડાવવા કે પછી રેટિના વેરિફિકેશન કરાવવા જેવી પ્રક્રિયા પડકારરૂપ હોય છે. આવા પડકારોને પરિણામે સંપૂર્ણ દિવ્યાંગ બાળકોના આધાર કાર્ડ નીકળતાં નથી અને તેઓ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જવા પામતા હોય છે.

જિલ્લા વહીવટી તંત્રે કલેક્ટરશ્રી સંદીપ સાગલેના નેતૃત્વમાં અમદાવાદ જિલ્લામાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આધાર કાર્ડથી વંચિત ન રહે, એ માટે તેમના ઘરે જઈને પણ આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સક્રિયતા બતાવી છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા 46થી વધારે સંપૂર્ણ દિવ્યાંગજનોના આધાર કાર્ડ કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘નઈ રાહ, યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’ નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ યુનિક પ્રયાસ અંતર્ગત અમદાવાદના શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ દિવ્યાંગ બાળકોને તેઓ જે સંસ્થા, ક્લિનિક કે સેન્ટર પર સારવાર લેતા હોય ત્યાં આધાર કિટ સાથે પહોંચીને તેમના આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંવેદનશીલ અને યુનિક પ્રયાસથી દિવ્યાંગ બાળકોના જીવનમાં નવી રાહ સર્જાય, એ માટેનો આ પ્રયાસ છે.

‘નઈ રાહ , યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’ ઝુંબેશના પ્રારંભે જ  અમદાવાદના નવરંગપુરામાં આવેલ સ્પર્શ પીડિયાટ્રિક રિહેબિલિટેશન ક્લિનિક ખાતે 17 તો વટવામાં વટવા પોસ્ટ ઑફિસ ખાતે 2  એમ કુલ 19 સંપૂર્ણ દિવ્યાંગ બાળકોના આધાર કાર્ડ કાઢવા કે તેમાં જરૂરી સુધારા-વધારા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આમ, ઝુંબેશના પ્રથમ દિવસે જ કુલ 19 બાળકોને તેમની યુનિક પહેચાન આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુનિક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની આ ‘નવી રાહ’ ઝુંબેશ સમગ્ર દેશને નવો માર્ગ અપનાવવાની પ્રેરણા આપશે, એવી આશા રાખી શકાય.

નવરંગપુરામાં સ્પર્શ પીડિયાટ્રિક રિહેબિલિટેશન ક્લિનિક  અને મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકલન દ્વારા આ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, દિવ્યાંગ બાળકોના રેટીના અને ફિંગર સ્કેનિંગમાં તકલીફ પડતી હોવાથી તેમના માટે આધારકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં વધારે સમય લાગતો હોય છે.

આ ઉપરાંત,  કેટલાક બાળકો વધુ મૂવમેન્ટ કરી શકવા અસક્ષમ હોવાથી તેઓને કેન્દ્ર સુધી લઈ જવા અને સામાન્ય લોકોની જેમ આધાર કાર્ડ કાઢી આપવામાં મુશ્કેલી પડતી હોય છે. આવા બાળકોના માતાપિતા વર્ષોથી ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે.

આધારકાર્ડ વિના તેઓને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં અને અન્ય જાહેર કાર્યો માટે બહુ તકલીફો ભોગવવી પડે છે. આવાં બાળકો અને તેમના માતા-પિતા વર્ષોથી પોતાના બાળકના આરોગ્ય માટે આકરો સંઘર્ષ કરી રહ્યા હોય છે. આથી સરકારી પ્રમાણપત્રો માટે તેમને પડતી મુશ્કેલીઓના નિવારણના ભાગરૂપે તંત્ર દ્વારા ‘નઈ રાહ , યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’કેમ્પેઈનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઝુંબેશ હેઠળ તંત્ર આવા બાળકોને ઓળખીને તેમને એક ચોક્કસ જગ્યાએ એકસાથે બોલાવીને તેમના આધાર કાર્ડ કાઢવા માટેની તમામ પ્રક્રિયા કરી આપશે. આ માટે આધાર કાર્ડ કામગીરી માટેની ટીમ સહિતની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

હવેથી જિલ્લા અને શહેરના દરેક દિવ્યાંગ બાળકોને આવનારા દિવસોમાં આધાર કાર્ડ પૂરા પાડવા માટેની કામગીરી ઝડપી બનાવવામાં આવશે. આ સાથે જ તેઓએ નાગરિકોને તેઓની આસપાસ આવાં બાળકો હોય તો તેમની તરફ તંત્રનું ધ્યાન દોરવા વિનંતી કરી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બાળકોના માતા પિતાએ પોતાને વર્ષોથી પડી રહેલી મુશ્કેલીઓ વર્ણવી અને સાથે જ જિલ્લા વહીવટી તંત્રનો આ ઝુંબેશ શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.