Western Times News

Gujarati News

મુંબઈમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહીઃ યલો એલર્ટ જાહેર

સાયન, કાંદીવલી, બોરીવલી, અંધેરી સબ-વે, હિન્દમાતા સહિતના ભાગોમાં પાણી ભરાયાઃ કલ્યાણમાં મકાનોમાં પાણી ઘૂસ્યા : NDRFની પાંચ ટીમો તૈનાત

મુંબઈ, મુંબઈમાં ચોમાસાના વરસાદની જમાવટ હોય તેમ આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી ફરી વખત ભારે મેઘસવારી શરુ થઇ ગઇ હતી. સંખ્યાબંધ પરા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જનજીવનને પણ અસર થઇ હતી. રેલથી માંડીને વિમાની સેવાને વધતા-ઓછા પ્રમાણમાં અસર થઇ હતી.Heavy rains forecast in Mumbai till Friday: Yellow alert issued

હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવીજ હતી. ગઇકાલ સાંજથી વરસાદનો દોર શરુ થઇ ગયો હતો અને આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે સવાર સુધીમાં શાંતાક્રૂઝ અને કોલાબા બંને ક્ષેત્રોમાં પાંચ-પાંચ ઇંચ પાણી વરસી ગયું હતું.

જેને પગલે સંખ્યાબંધ પરા વિસ્તારો જળબંબાકાર થયા હતા. સાયનમાં તમામ માર્ગો પાણીથી લથબથ હતા. વાહન વ્યવહાર અટકાવવો પડ્યો હતો. આ સિવાય હિન્દમાતા, અંધેરી સબ-વે, બોરીવલી, કાંદીવલીમાં પણ અનેક ભાગોમાં જળબંબાકારની હાલત થઇ હતી.

આવતા દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની પાંચ ટીમોને મહાનગરમાં તૈનાત કરી દેવામાં આવી છે. લોકલ ટ્રેનો પણ પાંચથી દસ મીનીટ મોડી દોડી રહી હતી. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું કે હિન્દ માતા, ગાંધી માર્કેટ તથા અંધેરી સબ-વેમાંથી પાણી ઉલેચવા માટે હેન્ડ પંપ મુકવામાં આવ્યા હતા.

આવતા ચાર દિવસ હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. કલ્યાણમાં નીચાણવાળા ભાગોના 400 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ વરસાદ અને તેનાથી સર્જાયેલી આફતની પરિસ્થિતિ વિશે મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી અને તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા ગમે તેવી પરિસ્થિતિ વખતે તાબડતોડ બચાવ-રાહત કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી. મુંબઈમાં શુક્રવાર સુધી સતત વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

જ્યારે પાલઘર માટે આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઇ અને થાણે માટે યલો એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેજન્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.