Western Times News

Gujarati News

કાર ભાડે આપતાં હોવ તો ચેતી જજો, બુટલેગરો દારૂની ખેપ મારી રહ્યા છે ભાડાની ગાડીમાં

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પોલીસ કડક અમલીકરણ કરાવી રહી છે તેમ છતાંય બુટલેગર દર વખતે જુદી જુદી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી દારૂ અમદાવાદમાં લાવીને ઠલવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાની અસલાલી પોલીસે આવી જ એક નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને લાખો રૂપિયાના દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી લીધી છે. ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક પાસેથી સેલ્ફ ડ્રાઈવ કરવાનું કહીને કાર ભાડે લીધી હતી અને બાદમાં રાજસ્થાનમાં જઈને દારૂનો જથ્થો ભરી લીધો હતો. દારૂને લાંભા વિસ્તારમાં ઈન્દિરાનગરમાં ઠલવવાનો હતો ત્યારે અસલાલી પોલીસે બાતમીના આધારે દારૂના રેકેટને ઝડપી પાડયું હતું.

અસલાલી પોલીસને બાતમી મળી હતી કે લાંભાના ઈન્દિરાનગરમાં રહેતો યુગલ હરિપ્રસાદ પાંડે, નિશાંત શર્મા દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી રહ્યા છે. બાતમીના આધારે અસલાલી પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે યુગલ પાંડે એક કાર લઈને નીકળ્યો હતો પોલીસને જાેઈને યુગલે કાર પુરઝડપે ભગાવી હતી.

જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને કારને ઝડપી પાડી હતી. અસલાલી પોલીસે યુગલની ધરપકડ કરીલીધી હતી અને કારમાંથી વ્હિસ્કી, વોડકા અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. અસલાલી પોલીસની પુછપરછમાં સામે આવ્યું હતું કે યુગલ અને તેના મિત્ર નિશાંતે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બનવાનું નકકી કર્યું હતું અને તેના માટે કાર ભાડે લઈને દારૂ લેવા ગયા હતા.

રાજસ્થાનના દારૂના ઠેકેદાર શ્રવણ ખરાડી પાસેથી જથ્થો લઈને કારમાં ભરી દીધો હતો અને બાદમાં બોર્ડર વટાવીને અમદાવાદ આવી ગયા હતા. દારૂનો જથ્થો ઈન્દિરાનગરમાં ખાલી થાય તે પહેલા અસલાલી પોલીસે તેને ઝડપી પાડયો હતો.

અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર બી.ડી.ઝીલરિયાએ જણાવ્યું છે કે બંને આરોપીઓએ ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઈવ કરવાનું કહીને કાર ભાડે લીધી હતી.

યુગલે પોતાના આઈડી પ્રુફ ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકને આપ્યા હતા અને બે દિવસનું છ હજાર રૂપિયા ભાડું પણ આપ્યું હતું. કાર લઈને યુગલ દારૂ લેવા માટે રાજસ્થાન ગયો હતો જયાંથી તેણે દારૂ ખરીદ્યો હતો. હાલ યુગલે દારૂની પહેલી ખેપ મારી હોવાનું સામે આવ્યું છે.

પરંતુ પોલીસે તેની આગવી સ્ટાઈલથી પુછપરછ શરૂ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર યુગલ અને નિશાંત પાસે કટિંગની કાર ખરીદવાના રૂપિયા નહીહોવાથી તેમણે સેલ્ફ ડ્રાઈવના નામે કાર ભાડે લીધી હતી. હાલ પોલીસે યુગલની ધરપકડ કરીને નિશાંતને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અસલાલી પોલીસે ૯૯ હજાર રૂપિયાનો દારૂ તેમજ કાર સાથે કુલ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.