Western Times News

Gujarati News

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ૩૬મો રાષ્ટ્રિય રમતોત્સવ

The 37th National Sports Festival will be held for the first time in Gujarat

૬ શહેરોમાં ૩૪ જેટલી વિવિધ રમતોનું આયોજન ગુજરાત ત્રણ મહિનાના  વિક્રમ સમયમાં કરવા સજ્જ :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન સમક્ષ ગુજરાતને  ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનાવવા કરેલી દરખાસ્તનો સહર્ષ સ્વીકાર થયો 

સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારો ૩૬મો રાષ્ટ્રિય રમતોત્સવ  ગુજરાતના સ્પોર્ટીંગ કલ્ચરને નવું બળ આપશે 

ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી તા. ર૭મી સપ્ટેમ્બરથી તા. ૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રિય રમતોત્સવ યોજાશે.

રાજ્યના ૬ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવની વિવિધ ૩૪ જેટલી રમતોનું આયોજન થશે.

રાષ્ટ્રિય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે ર૦૧પમાં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. આના પરિણામ સ્વરૂપે ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે.

આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના ૭ હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

ગુજરાતમાં ઓલિમ્પિકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે.

રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે. હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની ર૦૧૦થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે.

તેમના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરના ધોરણો મુજબની માળખાકીય સુવિધાઓ વિકસાવી છે.

ખેલમહાકુંભની તાજેતરની ૧૧મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને ‘ખેલે તે ખિલે’નો મંત્ર સાકાર કર્યો છે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યુ હતું.

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે.

એટલું જ નહિ, પેરા ઓલિમ્પિકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે.

ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે.

એટલું જ નહિ, સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહિ છે.

તેમણે કહ્યું કે, રમત-ગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે.

તાજેતરમાં એકતાનગર કેવડીયા ખાતે દેશના રાજ્યોના યુવા અને રમત-ગમતના પ્રભારી મંત્રીઓની પરિષદમાં પણ ગુજરાતના સ્પોર્ટસ કલ્ચરની સૌએ સરાહના કરેલી છે.

રમત-ગમત મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે. દેશભરના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના માધ્યમથી વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે.

હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ૩ મહિનાના વિક્રમી સમયગાળામાં જ આ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સજ્જ છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ સ્ટેટ રહ્યું છે ત્યારે આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી ગુજરાત અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પુરૂં પાડશે એ પણ નિશ્ચિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.