Western Times News

Gujarati News

જામનગર બેડી બંદરેથી નવી રેલ્વે લાઇનને કારણે મુંદ્રા, કંડલા બંદરોનો ટ્રાફિક ડાયવર્ટ થશે

New railway line from Jamnagar Bedi port will divert traffic to Mundra, Kandla ports

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો- બેડી બંદર પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝનને આગળ લઈ જશે : મુખ્યમંત્રી

જામનગર નજીક બેડી બંદરેથી નવી વિકસિત કરાયેલી રેલ્વે લાઇન મારફતે આજે કોલસાની પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. ભારતીય રેલવે સાથે સંયુક્ત સાહસમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (G-RIDE) દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામા આવી છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ રેલ જોડાણ દેશમાં એવા પ્રકારનું પ્રથમ સાહસ છે જેમાં આઠ મહિનાના ગાળામાં પીપીપી દ્વારા ઈપીસી કોન્ટ્રાક્ટના માધ્યમથી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામા આવ્યો હોય.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝનને આગળ લઇ જશે. જામનગર બાયપાસનો રોડ પ્રોજેક્ટ પણ અમલમાં છે. આ વ્યૂહાત્મક પહેલથી પોર્ટની ક્ષમતા વધશે તેમજ સપ્લાય ચેન કાર્યક્ષમ બનશે. તે સિવાય બર્થથી ડાયરેક્ટ લોડિંગ, લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ, કાર્ગો અવરજવર માટે સંતુલિત મોડલ, કનેક્ટિવિટીની સુવિધા અને રોજગારીની નવી તકોનો વિસ્તાર થશે.

બેડી બંદર કચ્છના અખાતના દક્ષિણ કિનારે જામનગર જિલ્લામાં આવેલું છે જેનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. અહીં 2250m લંબાઇના લાંબા વ્હાર્ફ સાથે, ઓલ-વેધર ટાઇડલ લાઇટરેજ સુવિધા છે, અને બાર્જ દ્વારા કાર્ગો પરિવહન સાથે લાઇટરેજ કામગીરી પણ ઉપલબ્ધ છે.

બેડી એન્કરેજમાં મહત્તમ ડ્રાફ્ટ 16 મીટર છે. બંદર તેની નજીકના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ માલસામાનની અવરજવર સાથે કોલેન્ડ પેટ્રોલિયમ કોક પર વધુ નિર્ભરતા ધરાવે છે. બેડી બંદરનો અંદાજિત આયાત/નિકાસનો વાર્ષિક ટ્રાફિક આશરે છે. 2.8 મિલિયન ટન છે.

આ SPV રેલવે પ્રોજેક્ટને જી-રાઇડ બેડી પોર્ટ રેલ લિમિટેડ દ્વારા વિકસિત કરવામા આવ્યો છે જેમાં જીએમબી અને જી રાઇડ વચ્ચેની ભાગીદારી છે. તેમાં જીએમબીની 74 ટકા જ્યારે જીરાઇડની 26 ટકા ભાગીદારી છે. અંદાજિત 3 કિમીના આ પ્રોજેક્ટની કિંમત રૂ. 70 કરોડ છે.

બેડી બંદર પર રેલ જોડાણના ફાયદા

a. તેનાથી બંદરની ક્ષમતામાં મોટાપાયે વધારો થશે.

b. મુંદ્રા, કંડલા જેવા બંદરોનો ટ્રાફિક અહીં ડાયવર્ટ કરી શકાય છે.

c. કાર્ગોનું ઇવેક્યુએશન જલ્દી થશે, બંદર પર ભીડ ઘટાડી શકાય છે.

d. રોડ કરતા રેલવે ભાડું ઓછું હોવાથી આયાતકાર અને નિકાસકારને ફાયદો થશે

e. સીધી રેલ કનેક્ટિવીટી હોવાના લીધે ઉત્તર ભારત અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી કાર્ગોને આકર્ષી શકાય છે.

f. રોડ પર ભારણ ઘટાડી શકાય છે અને પર્યાવરણને લગતા મુદ્દાઓમાં પણ ફાયદો થાય છે.

આ પ્રકારના પ્રોજેક્ટથી ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય જી-રાઇડના માધ્યમથી રાજ્યમાં ઉત્તમ કક્ષાનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માંગે છે. આ પ્રોજેક્ટ ડબલ એન્જિન સરકારની ઉપલબ્ધિ સૂચવે છે અને બન્ને સરકાર રાજ્યમાં રેલવેને લગતા મહત્વપૂર્ણ અને લોજિસ્ટિક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.