Western Times News

Gujarati News

તારંગા હિલ– અંબાજી-આબુ રોડ રેલવે લાઈન પરિયોજનાથી કેટલો લાભ થશે!!

Taranga Hill – Ambaji-Abu Road Railway Line Project How Much Benefit!!

રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી  અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે

માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે-દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સાથે સ્થાનિક લોકોની સુવિધામાં વધારો થશે અને રોજગારીની નવી તકો પણ સર્જાશે

રેલવે કનેક્ટીવીટી ઉપલબ્ધ થતા ઉદ્યોગો તેમજ સ્થાનિક ઉપજ અને ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે નવો વિકલ્પ મળશે

ગુજરાત તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે આજે દેશના પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં દર મહીને સરેરાશ ૧૦૦ લાખથી પણ વધુ પ્રવાસીઓનું આગમન થાય છે.

ગુજરાતના ટોપ-૧૦ પ્રવાસન સ્થળો અને ટોપ-૫ યાત્રાધામોમાં સ્થાન પામનાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જ દર મહીને સરેરાશ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોનો સતત વિકાસ થતો રહ્યો છે.

તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વધુ એક મહત્વની ભેટ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિ.મી. લાંબી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે.

જેમાં ૮૨ કિ.મી. રેલવે લાઈન ગુજરાત સીમામાં જ્યારે ૩૪ કિ.મી. રેલવે લાઈનનું રાજસ્થાનની સીમામાં નિર્માણ થશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ-આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે. આ રેલવે લાઈનથી ગુજરાતના ૨ મહત્વપૂર્ણ યાત્રાધામોની કનેક્ટીવીટીમાં વધારો થતા રોજગારીની નવી તકો સર્જાશે અને સાથે જ યાત્રાધામોનો પણ વિકાસ થશે.

૫૧ શક્તિપીઠમાં અગ્રીમ સ્થાન ધરાવતા યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા દર વર્ષે ભારતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે. બીજી બાજું તારંગા હિલ પર જૈન ધર્મના ૨૪ તીર્થંકરમાંથી એક શ્રી અજીતનાથ જૈન મંદિર આવેલું હોવાથી અનેક યાત્રાળુઓ ત્યાં દર્શનાર્થે પધારતા હોય છે.

ધાર્મિક દ્રષ્ટીએ આ બંને ધામ લોકોની આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા છે. લગભગ ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ રેલવે લાઈનથી માત્ર શ્રદ્ધાળુઓને જ નહિ પણ આ રેલવે જ્યાંથી પસાર થાય છે

તેવા ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિકાસને પણ વેગ મળશે. તારંગા હિલથી અંબાજી થઇ આબુરોડ સુધીની આ રેલવે લાઈન વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળામાં પ્રસ્થાપિત થશે.

આ ઉપરાંત તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે કેન્દ્રીય કેબિનેટ દ્વારા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને આપવામાં આવેલી મંજૂરી બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન તીર્થ સ્થાનોના પુનરુત્થાન કરવા તેમજ યાત્રાધામો પર શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. જેને પગલે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ગુજરાત માટે અતિમહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કેન્દ્ર સરકાર દ્વારા આ પરિયોજનાને આપવામાં આવેલી મંજૂરી બદલ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ શ્રી અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને આ રેલવે પરિયોજનાથી સીધો ફાયદો થશે.

કેન્દ્ર સરકારે અંબાજીને રેલવે લાઈનથી જોડવાની મંજૂરી મળતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમને મળી વર્ષ દરમિયાન સવા કરોડથી વધુ ભક્તો મા અંબાના દર્શન માટે આવે છે,

જેમાં ગુજરાતથી આવતા ભક્તોની સંખ્યા વધુ છે. હવે અંબાજી શક્તિપીઠ રેલવે કનેક્ટિવિટીથી જોડાશે ત્યારે ન માત્ર ગુજરાત પણ દેશમાંથી મા અંબાના ભક્તો અંબાજી આવી દર્શન કરી શકશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથીઆ વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.