Western Times News

Gujarati News

૧૩ વર્ષ પહેલાં યુવતીને ભગાડી જનારો શખ્સ આખરે ઝડપાયો

શખ્સ સુરતમાં ખાનગી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતો હતો

મહેસાણા,  ૨૦૦૯માં વડનગર ગ્રામ્યમાંથી એક શખસ યુવતીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. યુવતીને ભગાડી ગયા બાદ તેના પિતાએ ખેરાલુના મોટી હિરવાણી ગામના ચૌધરી વિષ્ણુભાઈ માનસિંગ નામના શખસ વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટીનો ગુનો નોંધાવ્યો હતો.

જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પરંતુ આરોપીના કોઈ સુઘડ મળ્યા નહોતા. ત્યારે મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે ૧૩ વર્ષે આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વડનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦૦૯માં એક યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. યુવતીના પિતાએ ખેરાલુના મોટી હિરવાણી ગામના ચૌધરી વિષ્ણુભાઈ માનસિંગ નામના શખસ વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. યુવતીના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. પણ તેનો કોઈ પત્તો જડ્યો નહોતો.

ત્યારે આ કેસમાં પોલીસને ૧૩ વર્ષ બાદ સફળતા મળી છે. યુવતીને ભગાડી જનારો શખસ સુરતના પાલનપુરમાં રહેતો હોવાની બાતમી પોલીસને મળી હતી. સાથે જ તે એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાની બાતમી પણ મળી હતી.

પોલીસને જે બાતમી મળી હતી એના આધારે દરોડા પાડ્યા હતા. જે બાદ પોલીસે આ શખસને તેના જ ઘરમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપી વિષ્ણુને ઝડપ્યો ત્યારે તે બે પુત્રીનો પિતા બની ગયો હતો. સાથે જ ખાનગી સ્કૂલમાં નોકરી કરીને પરિવાર સાથે રહેતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિષ્ણુ ચૌધરીએ જિલ્લો છોડ્યા બાદ ૧૩ વર્ષમાં એક પણ વાર મહેસાણા આવ્યો નહોતો. એટલું જ નહીં તેણે સ્થાનિકો સાથે કોઈ પણ જાતનો સંપર્ક રાખ્યો નહોતો. જેથી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી પાડવા માટે તેનું લોકેશન મેળવ્યું હતું. બાદમાં તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. એ પછી પોલીસે સુરતના પાલનપુરમાં દરોડા પાડીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને એ ડિવીઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.