Western Times News

Gujarati News

વાહન અથવા મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહિં પડે

no need to rush to the police station in case of vehicle or mobile theft

વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે: FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ સામેથી કરશે ફરીયાદી નો સંપર્ક

ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા હવે ભૂતકાળ બનશે-: ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વિકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશકેલીઓને દૂર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે.

ગૃહ રાજયમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ગુજરાત સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યૌ છે. હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે.

મંત્રીશ્રી એ ઉમેર્યુ કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું કે આ ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે આશયથી રાજયમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂ।આત કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તે સમયે કહ્યુ હતું કે, આ નવી શરૂઆત પોલીસીંગની શૈલીમાં આમૂલ પરીવર્તન લાવશે, અને આજે શ્રી મોદીજી અને તત્કાલિન ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના દૂરંદેશી દ્રષ્ટિકોણ થકી ગુજરાત સરકારે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે.

મંત્રી શ્રી એ ઉમેર્યુ કે,ઇ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે ૨૦૧૯ માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ ૧૬ પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, “Police NOC” વગેરે સેવાઓ ઉપલ્બધ છે.

મંત્રી શ્રી એ ઈ- એફ. આઈ. આર ની સેવાઓની વિગતો આપતા કહ્યુ કે FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.

આમ e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહીં રહે અને નાગરીકોના સમયનો બચાવ થશે તથા ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, e-FIR ઓનલાઈન સેવા રાજ્યના નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

તેમણે ઉમેર્યુ કે, e-FIR સેવાના ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાંડ એન્ડ કંટ્રોલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.જ્યારે e-FIR નોંધાય ત્યારે ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV  કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડીટેક્ટ થઈ શકશે.

e-FIRની કાર્ય પ્રણાલી

v  e-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

v  ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

v  બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

v  પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

v  તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.

v  ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

v  સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે.

v  આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

v  આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.