Western Times News

Gujarati News

પશુઓમા જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે રાજય સરકાર સતર્ક

Files Photo

Ø  રાજયના ૧૪ જિલ્લાના ૮૮૦ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ ૩૭,૧૨૧ પશુઓને સારવાર પૂરી પડાઈ: કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Ø  અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૨.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ

Ø  પશુપાલકોને તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ ની ખાસ સુવિધા કાર્યરત

વડોદરા, કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે  તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે, લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ ૧૪ જિલ્લાઓ ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના (૧) કચ્છ (૨) જામનગર (૩) દેવભુમિ દ્વારકા (૪) રાજકોટ (૫) પોરબંદર (૬) મોરબી (૭) સુરેન્દ્રનગર (૮) અમરેલી (૯) ભાવનગર (૧૦) બોટાદ (૧૧) જુનાગઢ (૧૨) ગીર સોમનાથ સહિત (૧૩) બનાસકાંઠા અને (૧૪) સુરતમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે.

લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અત્યાર સુધી રાજયના ૧૪ જીલ્લાઓમાંથી મળેલ માહિતી અનુસાર આ જિલ્લાના ૮૮૦ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે અને તેમાં તમામ અસરગ્રસ્ત ૩૭,૧૨૧ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ રોગ અંગે તાલુકા કક્ષાએથી મળેલ રોગચાળાના અહેવાલ મુજબ અત્યાર સુધી ૯૯૯ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.

તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૨.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજયના આ ૧૪ જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના ૧૫૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૪૩૮ પશુધન નિરિક્ષકો દ્વારા  સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે અને વિશેષ પરિસ્થિતિ ને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા વધારાના ૨૬૭ આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે રાજય કક્ષાએથી અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનીટરીંગ અને દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.

પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પશુપાલક ને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ની સુવિધા સાથે જીવીકે- ઇએમઆરઆઇ, નરોડા, અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે ખાસ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુપાલકોને એમના પશુઓ માટે જરૂરી સારવાર અને માર્ગદર્શન મળી રહે એ માટે મંત્રીશ્રી એ જામનગર ખાતે પશુપાલન નિયામક સહીત જામનગર અને દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક કરી, મહામુલા પશુધનને બચાવવા માટે યુધ્ધના ધોરણે આ રોગના સર્વે, સારવાર અને રસીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી છે

પશુપાલકોમાં રોગ અંગેની જાગરુકતા માટે પશુપાલન ખાતા દ્વારા અપાયેલ પોસ્ટર, હોર્ડીંગ્સ અને જાહેરાત મુજબ પ્રચાર-પ્રસારની કામગીરી વધુ વેગવંતી બનાવવા સૂચના આપી છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં પશુઓના રહેઠાણમાં મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય સ્થાનિક તંત્ર દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ થાય તે માટે પણ જાણ કરવામાં આવી.

મંત્રીશ્રીએ તમામ પશુપાલકોને લમ્પી સ્કીન ડીસીઝ રોગથી ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરતા કહ્યુ છે કે, તેમના પશુમાં આ રોગના ચિન્હો દેખાય કે તરત પશુના સારવાર અને રસીકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરવો અથવા નજીકના સરકારી પશુદવાખાનાનો સંપર્ક કરવો.

રોગીષ્ટ પશુને તાત્કાલિક અન્ય પશુઓથી અલગ કરીને માવજત કરવી.પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને ખોરાક જળવાઇ રહે તે માટે પશુચિકિત્સકની સલાહ મુજબ ઘરગથ્થુ માવજત કરવાની સલાહ છે. સાથોસાથ અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની સરકારશ્રીની કામગીરીમાં સાથ અને સહકાર આપવા અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.