Western Times News

Gujarati News

ટિ્‌વટર પર ફોલોઅર્સ વધારવા તલાટીઓને સોંપી જવાબદારી

અરવલ્લી, ગુજરાતમાં ઝેરી કેમિકલ કાંડથી ૩૭ લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે અને ૧૭ ગામડાંઓમાં મરસિયા સંભળાઈ રહ્યા છે. ત્યારે આ માહોલમાં માલપુરના મામલતદારને ટિ્‌વટર પર પોતાના ફોલોવર વધારવાની ચિંતા કોરી ખાઈ રહી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મામલતદારે બાકાયદા પરિપત્ર જાહેર કરીને ગામના તલાટીઓને રોજના ૧૦ ફોલોઅર્સ વધારવાનો તઘલખી ફરમાન કર્યું છે. તો રેવન્યૂ તલાટીઓ અત્યાર સુધી તો સ્ટાફની અછતના કારણે એક સાથે પાંચ પાંચ ગામની જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તેમને પોતાના મામલતદાર માટે ટિ્‌વટર પર રોજના ૧૦ ફોલોઅર્સ વધારવાની જવાબદારી પણ વહન કરવી પડશે.

એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના ૧૦ ફોલોઅર્સ ટિ્‌વટર પર જાેડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જાેડવા પડશે. તો આ છે ડિજિટલ ગુજરાતની ચિંતા કરતા અસલી મામલતદાર અને તેમના સુશાસનનો નમુનો.

શું ગામના તલાટીઓ હવે ગામલોકોનાં કામ પડતાં મૂકીને મામલતદારના ફોલોઅર્સ વધારવાનું કામ કરશે..? શું રાજ્ય સરકાર આ મામલતદારને આવા ફતવા કાઢવા માટેનો પગાર આપે છે કે તાલુકાનાં ગામોના વિકાસ માટેની જવાબદારીનું વહન કરવા માટે પગાર આપે છે? ગુજરાતમાં કેમિકલકાંડથી મોતના માતમ વચ્ચે માલપુરના મામલતદારને કેમ ટિ્‌વટર પર પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે અને આ ચિંતા કેમ તેઓ તલાટીઓના માથા પર નાખી રહ્યા છે? મામલપુરના મામલતદાર ડી. વી. મદાતે પોતાના ફોલોઅર્સ વધારીને કયું લક્ષ્ય હાંસલ કરવું છે જેના કારણે તેમણે આટલી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી ગામમાં કામ કરતા રેવન્યૂ તલાટીઓ પર નાખી છે અને એ પણ કાયદેસરનો પરિપત્ર કરીને…. શું રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિભાગના મંત્રીઓ આ ઘટના પર ધ્યાન આપશે કે ટિ્‌વટર પર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને રોકવા એ પણ સુશાસનનો ભાગ છે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.