Western Times News

Gujarati News

ગુજરાતની પાછલા બે દાયકાની વિકાસયાત્રામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન

સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થશે

ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા
દૂધ સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સાબર ડેરી ‘ઉત્તર ગુજરાત’ને ‘ઉત્તમ ગુજરાત’ બનાવવાની નેમ સાથે અગ્રેસર

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશને ‘સહકારથી સમૃદ્ધી’નો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની પાછલા બે દાયકાની વિકાસયાત્રામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન રહ્યું છે. આઝાદીની ક્રાંતિથી શ્વેતક્રાંતિ સુધી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત રહી છે. સાબરકાંઠાની આ એ ધરતી છે જ્યાં આદિવાસીઓએ અંગ્રેજો સામે બાંયો ચડાવી આઝાદીની ક્રાંતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

પાલ દઢવાવ ખાતેના હજારો આદિવાસીઓનું બલિદાન આજે પણ અનેક ક્રાંતિવીરોની યાદ અપાવે છે. આખો દેશ આજે આપણા નરેન્દ્રભાઈની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇએ આવા વીર શહિદોની સ્મૃતિ અને આપણા રાષ્ટ્રિય ત્રિરંગાની આન-બાન-શાન પ્રત્યે જન-જનમાં રાષ્ટ્રભાવ જગાવવાનું આહવાન કર્યુ છે.

આવનારી તા. ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં જોડાઇને ગુજરાતમાં આ સાબરકાંઠા જિલ્લા સહિત તમામ જિલ્લા-નગરોમાં ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આઝાદીના અમૃત પર્વે ગુજરાતને નવા ડેરી પ્લાન્ટસની ભેટ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે મળી રહી  હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ વિકાસ રાહે તે જ રફતારથી આગળ વધવા માટે મળી રહ્યો છે. તેના પગલે ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

દૂધ ઉત્પાદન પ્રવૃતિમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બે દાયકામાં ર૧ લાખથી વધીને ૩૬ લાખ સુધી પહોચી છે.

આ જિલ્લાના સહકારી અગ્રણીઓ ભુરાભાઇ પટેલ, ગોપાળભાઇ પટેલ અને અંબુભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિથી ૧૯૬૪માં માત્ર ૧૯ ગામડાની દૂધ મંડળીઓ અને પ૧૦૦ લીટર દૂધ સંપાદનથી આ ડેરી શરૂ થઇ હતી. આજે ૧૮૦૦ દૂધ મંડળીઓ પાસેથી રોજના ૪૦ લાખ લીટર દૂધ સંપાદન કરીને રોજ ૧૦ કરોડ રૂપિયા પશુપાલકોને વિતરણ કરનારૂં વિશાળ વટવૃક્ષ આ ડેરી બની છે.

ગુજરાત બહાર રોહતકમાં પણ આ ડેરીનો પ્લાન્ટ કાર્યરત છે. એટલું જ નહિ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશના પશુપાલકોનું દૂધ પણ સાબર ડેરી ત્યાંથી સંપાદન કરી તે રાજ્યોના પશુપાલકોને દૂધના નાણાં ચૂકવે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશનનો જમાનો છે. ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાનશ્રી સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે ત્યારે રૂપિયા ૩૦પ કરોડનો પાવડર પ્લાન્ટ, રૂપિયા ૧રપ કરોડનો ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા ૬૦૫ કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુએડીશન ક્ષેત્રે સાબરડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ આવકાર્ય છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો-પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી સૌને આશા છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવજીની ઉપાસના આરાધનાનો આ મહિનો છે. ગુજરાતના પશુપાલન ક્ષેત્રની ઉન્નતિ અને વિકાસ માટે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ.

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,  દૂઘ ઉત્પાદન એક અલગ વ્યવસાય તરીકે ઉભર્યું છે. સાબરાકાંઠા- બનાસકાંઠા જિલ્લાઓના વિકાસના પાયામાં દૂઘ ઉત્પાદક મહિલાઓનું યોગદાન અનોખું છે. ખેતીની સાથે પશુપાલ વ્યવસાયમાં મહિલાઓ આજે અગ્રેસર બની છે અને તેના પગલે પરિવારોમાં સમુદ્ધિ વધી છે.

સાબર ડેરીએ પશુપાલકોના જીવનમાં નવો ઉજાશ લાવી છે અને આજના પ્રકલ્પોના પગલે પશુપાલકોના જીવનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,  સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

સાબર ડેરીના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે, સાબર ડેરી ૫૮ વર્ષથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ડેરી સાથે ૨,૫0,000 પશુપાલકો સંકળાયેલા હતા જે સંખ્યા ૨૦૨૧-૨૨માં વધીને ૩,૮૫,૦૦૦ સુધી પહોંચી ગઇ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૨૦૦૧-૦૨માં રૂપિયા ૩૫૧ કરોડનું હતું જે વધીને અત્યારે રૂપિયા ૬૮૦૫ કરોડ પહોંચી ગયું છે. અત્યારે અહીં દૈનિક ૩૩ લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામા આવે છે.

સુકન્યા યોજના કાયાન્વિત કરી છે અને ડેરી હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તરફ વાળવા કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

પશુપાલક પરિવારોની દીકરીઓને ‘સુકન્યા સમુદ્ધિ યોજના’ની  લાભાર્થી દીકરીઓને પ્રશસ્તિપત્રો વડાપ્રધાનશ્રીએ એનાયત કર્યા હતા. ડેરી દ્વારા અંદાજે 20 હજારથી વધુ દીકરીઓને તેનો લાભ મળવાનો છે.

દુઘ ઉત્પાદક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પશુપાલકોનું પણ વડાપ્રધાનશ્રી દ્વારા પ્રશસ્તિપત્રો આપી સન્માન કરાયું હતું.

આ અવસરે ડેપ્યુટી સ્પિકર શ્રી જેઠાભાઇ આહિર, રાજ્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા,  રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદશ્રી રમિલાબેન બારા, સાંસદ શ્રી ડીપસિંહ, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્યશ્રી જીતુભાઇ કનોડિયા, સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા,

જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ શાહ તેમજ સાબર ડેરી ચેરમેન શ્રી શ્યામલભાઈ પટેલ, GCMMFના એમ.ડી. શ્રી આર.એસ.સોઢી, IFFCOના ચેરમેન શ્રી દિલીપભાઇ સંધાણી, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, NDDBના ચેરમેનશ્રી મિનેશભાઇ શાહ, ગુજરાત સ્ટેટ કો.ઓ.યુનિયનના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, સાબરડેરીના સભાસદ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.