Western Times News

Gujarati News

રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ -મહિલાઓની ભાગીદારી વધી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન-રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ -રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા કરોડો રૂપિયાના પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે

દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું : તેના પગલે વેલ્યુ એડેડ સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે -યુરિયાના ભાવ વધારાનું ભારણ ખેડૂતો પર આવવા દીધુ નથી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ડેરી વ્યવસાયનું અનેરૂ મહત્વ છે. ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વનું શ્રેષ્ઠ પ્રતિક  છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે  ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલિન સમયે દૂઘ ભરાવવા નાંણા સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું  સશક્તિકરણ વધ્યું છે એમ તેમણે ઉમેર્યું હતુ.

આજે સાબરકાઠા જિલ્લાના ગઢોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

જ્યારે રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT)  ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રીએ સાબરકાઠાના ગઢોડામાં સાબર ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે,   કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહી ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે  ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે. ડેરીના સ્થાપક સ્વ. ભૂરાભાઇ પટેલે વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન આજે લાખો ખેડૂતોના જીવનમાં બદલાવનો પથ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં કરેલા  પરિભ્રમણનો ઉલ્લેખ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, સાબરકાંઠાના સંસ્મરણો આજે પણ યથાવત છે. જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેના સંસ્મરણોને તેમણે યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બે દશક પહેલા અહીની સ્થિતિ અલગ હતી પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃતિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.

PM Narendra Modi at the inauguration and foundation laying ceremony of multiple projects at Sabar Dairy, in Gujarat on July 28, 2022.

શ્રી મોદીએ કહ્યુ કે, ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજયા હતા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન ૧૦-૧૫ કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ  પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે ડેરીની મહિલા પશુપાલકો સાથે થયેલી વાત દરમ્યાન જાણ્યું કે જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદનમાં ખુબ સક્રિય છે.  પશુધનની માવજતમાં માહિર મહિલાઓ પશુધનના આરોગ્યની જાળવણીમાં  આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે તે ખૂબ આવકારદાયક છે.

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, રાજ્યમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. સાથે સાથે ગામડામાં મિલ્ક ચીલીંગ પ્લાન્ટ કાર્યાન્વિત થયા. તેના પગલે ગામડાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો અને પરિણામલક્ષી બદલાવ આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું છે. તેના પગલે વેલ્યુ એડેડ  સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે. જેનાથી કિસાનોની આવક વધારવા પ્રયાસ કર્યો છે. ગુજરાત સહિત દેશમાં કિસાનોની આવક વધી છે અને પશુપાલન તથા મત્સ્ય ઉત્પાદન પણ વધ્યુ છે. ભૂમિહીન ખેડૂતોની આવકમાં પણ સૌથી વધુ વૃદ્ધિ થઇ છે. એટલું જ નહીં, ખાદી-ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર રૂપિયા 1 લાખ કરોડથી વધુ છે તેના લીધે ગામડાઓમાં દોઢ કરોડ લોકોને રોજગારી મળી છે એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં 3 કરોડથી વધુ કિસાનોને કિસાન ક્રેડિક કાર્ડ આપ્યાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, ખેતીની લાગત ઘટાડવા પણ સરકાર કાર્યરત છે. કેન્દ્ર સરકારે નેનો ફર્ટિલાઇઝરની દિશામાં કામ હાથ ઘર્યું છે અને સાથે-સાથે કૃષિ માટે જરૂરી ખાતર ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખેતીમાં ખાતર તરીકે વપરાતા યુરિયાનો ભાવ વધ્યો છે પરંતુ તેનું ભારણ ખેડૂતો પર આવવા દીધુ નથી. રૂપિયા 3500 ભાવે યુરીયા સરકારે ખરીદીને  ખેડૂતોને માત્ર રૂપિયા 300માં આપે છે. આજ રીતે ડી.એ.પી પ્રતિ ૫૦ કિલોએ  રૂપિયાનો 2500નો બોજ સરકાર ઉઠાવે છે. તેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ  મળે છે.

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યુ કે, આ જિલ્લાના  ખેડૂતોએ ટપક સિંચાઇથી ખેતીને પ્રાધાન્ય આપ્યું છે તે આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં  પાણી પહોચ્યું છે. શહેરોમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત પાણી અપાય છે.

વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખા ગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના કનેક્ટિવિટીનું વિસ્તૃત માળખું ઊભુ કરાયું છે અને તેને પગલે રોજગારી અને પ્રવાસન વધ્યા છે. ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે.

હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે. તો 1300 કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો 6 માર્ગીય રસ્તો પણ વિકાસની ઘરોહર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ 100 વર્ષ થયા છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એ સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા. એ સમયે અંગ્રોજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભૂલાવવાનો પ્રયાસ થયો પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આઝાદીના આ મહત્વપૂર્ણ પડાવ પર અનુસુચિત જનજાતિના શ્રી દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિના સ્વોચ્ચ પદે બિરાજમાન થયા છે એ ભારત માટે ગૌરવાન્વિત ઘડી છે. અમારી સરકારે 15 નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઉભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

સાબરકાંઠાની ગૌરવશાળી ભૂમિ પરથી શ્રી મોદીએ આહ્વવાન કરતા જણાવ્યુ કે, આગામી સમયમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે ‘ એક ભારત શ્રેષ્ઠ ભારતનો’ સંકલ્પ સાકાર કરે. સાબરકાંઠા જિલ્લો સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે આ સ્થળેથી રાજ્યની મહિલાઓની પુરુર્ષાથ શક્તિ એજ મારી પ્રેરણા અને ઉર્જા છે અને આ ઉર્જાને રાષ્ટ્રના વિકાસમાં વાપરવા સંકલ્પબદ્ધ છું એમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.