Western Times News

Gujarati News

અમદાવાદમાં 19 માળની ITC નર્મદા હોટેલનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી

ગુજરાતની સકારાત્મક વેપારનીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આઇટીસી નર્મદા હોટેલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની પરંપરા અને કલ્ચરને ધ્યાનમાં રાખીને આ હોટેલના નિર્માણ થયું છે એ આપણા સૌ માટે એક ગર્વની વાત છે. આજે આઇટીસી ગુજરાતમાં ધણા બધા ક્ષેત્રોમાં કાર્યરત છે અને ગુજરાતની ઇકોનોમીમાં મહત્વનો ફાળો આપી રહી છે.

ગુજરાતની સકારાત્મક વેપારનીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસની જે દિશા આપી હતી જેના કારણે દેશ વિદેશના અનેક રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. જેનાથી જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

આ અવસરે આઇટીસી લિ.ના ચેરમેન શ્રી સંજીવ પુરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આઇટીસીનો સિગ્નેચર હોસ્પિટાલીટી લેન્ડમાર્ક આઇટીસી નર્મદાને લોન્ચ કરીને અમે અત્યંત ગૌરવ અનુભવી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, ભારતમાં આઇટીસીની પ્રતિષ્ઠિત પ્રોપર્ટીઓના વારસા પર નિર્મિત કરવામાં આવેલ આઇટીસી નર્મદા એ ગુજરાતના સમૃદ્ધ વારસા, વૈભવ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને આપવામાં આવેલું યોગ્ય સન્માન છે. વધુમાં તેમણે કહ્યું કે, આ રાજ્યની પ્રથમ એવી હોટલ છે જેને સસ્ટેનેબિલિટી અને પર્યાવરણના સંરક્ષણ માટે LEED પ્લેટિનમ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે.

આઇટીસી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રી નકુલ આનંદે જણાવ્યું હતું કે, વૈભવી હોટલોના અમારા પોર્ટફોલિયોમાં આઇટીસી નર્મદાનો ઉમેરો થવાથી પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વધારે મજબૂત થઈ છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદ તદ્દન નોખી રીતે સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રીમિયમ લકઝરી હોટલ આઇટીસી નર્મદાના ઉદ્ધાટનની જાહેરાત કરી છે. આઇટીસી નર્મદા એ ગુજરાતની પ્રથમ LEED પ્લેટિનમથી પ્રમાણિત હોટલ છે અને તે ભારતમાં આઇટીસી હોટલના વૈભવી કલેક્શનની 15મી હોટલ છે.

આઇટીસી નર્મદા એ ગુજરાત રાજ્યમાં આઇટીસી હોટેલ્સની 12મી પ્રોપર્ટી છે. શહેરના ધમધમતા વ્યવસાયિક ક્ષેત્રમાં અત્યંત અનુકૂળ સ્થળે આવેલ આ હોટલમાં 291 રૂમ, 19 માળ અને 70 મીટરનું ભવ્ય માળખું ધરાવે છે.

આઇટીસી નર્મદા તેની ઉત્કૃષ્ઠ સેવાઓ દ્વારા અમદાવાદના આતિથ્યસ્તકારનું સમગ્ર પરિદ્રશ્ય બદલી નાખશે અને અમદાવાદને વૈશ્વિક MICE ટુરિઝમ અને ઇવેન્ટ્સ માટેનું એક આદર્શ સ્થળ બનાવી દેશે.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કમિશનર શ્રી લોચન સહેર, ધારાસભ્ય શ્રી ભાઈ ચૌહાણ,  ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, ભાજપ અગ્રણી અમિતભાઇ ભાઈ શાહ, ડીજીપી શ્રી આશિષભાઈ ભાટીયા, આઇટીસી લિમિટેડના ચેરમેન શ્રી સંજીવ પુરી, એક્ઝિક્યુટિવ  ડિરેક્ટર શ્રી નકુલ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.