Western Times News

Gujarati News

AMC મેલેરીયાથી બચવા માટે જૂના એક્શન પ્લાન મુજબ કામ કરી રહી છે

લોકો વ્યાપક બનેલા મચ્છરજન્ય રોગચાળાથી તોબા પોકારી રહ્યા છે અને તંત્ર ૨૦૧૭ના એક્શન પ્લાન મુજબ ચાલે છેઃ જૂના હાઈ રિસ્ક એરિયા પ્રમાણે મેલેરિયાને કઇ રીતે નાથી શકાશે? તેવો ચર્ચાતો પ્રશ્ન

અમદાવાદ, શહેરમાં સ્વચ્છતા અભિયાન પાછળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા મહેનત કરવામાં આવતી હોવા છતાં આપણું અમદાવાદ સુંદર અને સુઘડ બન્યું નથી તે એક કડવી વાસ્તવિકતા છે. શહેરમાં આંખે ઉડીને વળગે તેવી સ્વચ્છતા જાે જલદીથી નજરે ન પડતી હોય તો તે માટે નાગિરકોની ગમે ત્યાં ક્ચરો ફેંકવા સહિતની કેટલીક ખોટી ટેવો પણ જવાબદાર છે,

જેના કારણે મચ્છરનાં ઉત્પત્તિસ્થાન ઘટવાના બદલે વધતાં જતાં હોઈ હવે મચ્છરજન્ય રોગચાળો ફક્ત ચોમાસા પૂરતો મર્યાદિત ન રહીને બારમાસી બન્યો છે, જાેકે લોકો તો સતત સાદો મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ભોગ બની રહ્યા છે તેમ છતાં મ્યુનિ.સત્તાવાળાઓ પાંચ વર્ષ જૂનો એક્શન પ્લાન લઈને મેલેરિયા વગેરે સામે લડત આપી રહ્યા છે, જે ખરેખર તંત્રની બેદરકારી દર્શાવે છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ સતત વધતો જાય છે. અત્યારે શહેરનો એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં મચ્છરનો ત્રાસ નથી. મેલેરિયા કહો કે ડેન્ગ્યુ ગણો તે લોકોને ભયભીત કરી રહ્યા છે. ખાનગી દવાખાનાં-હોસ્પિટલો આ રોગોના દર્દીઓથી રોજેરોજ ઉભરાઈ રહ્યાં છે. ડેન્ગ્યુથી શહેરના એક જાણીતા બિલ્ડરનું મૃત્યુ નિપજતાં મ્યુનિ.હેલ્થ વિભાગ પણ સ્તબ્ધ બન્યો છે.

જાેકે મ્યુનિ.વેબસાઈટ પર તો વર્ષ-૨૦૧૭નો મેલેરિયા-ડેન્ગ્યુ સામેનો એક્શન પ્લાન નાગરિકોની હાંસી ઉડાવતો નજરે પડે છે. અત્યારે વર્ષ ૨૦૨૨ને પૂર્ણ થવા આડે પણ ગણતરીના ચાર મહિના બાકી રહ્યા છે તેવા સમયે તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭ના મેલેરિયા એક્શન પ્લાનથી તંત્ર કેવી રીતે સતત વધતા જતા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લઇ શકશે તે મોટો પ્રશ્ન છે.

તંત્રના આ જૂના એક્શન પ્લાનમાં સ્વાભાવિકપણે અપાયેલી માહિતી હવેના સમયગાળા માટે નકામી પુરવાર ઠરે તેમ છે, કેમ કે તેમાં વર્ષ ૧૯૬૧થી ૨૦૧૭ દરમિયાન જ શહેરમાં નોંધાયેલા સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસ દર્શાવતા ગ્રાફ જેવી જૂની માહિતી અપાઈ છે,

જેમાં મેલેરિયાનો રોગ સાઈકલિકલ ટ્રેન્ડ દર્શાવતો હોઈ દર સાતથી નવ વર્ષે મેલેરિયાના રોગમાં વધારો જાેવા મળે છે તેવો ઉલ્લેખ કરાયો છે. પરંતુ વર્ષ ૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨ એમ છેલ્લાં ત્રણ વર્ષમાં મેલેરિયા-ડેન્ગ્યુ સહિતના તમામ મચ્છરજન્ય રોગચાળાના કેસમાં થયેલો વધારો ચિંતાજનક છે. શહેરમાં ગંદકી વધી છે કે મેલેરિયા વિભાગ નિષ્ફળ નીવડ્યો છે તેવી લોકોમાં ચર્ચા પણ ઊઠી છે.

અમદાવાદ શહેરનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવ્યો હોઈ તેનું હવામાન મચ્છરના જીવનચક્રને હંમેશા માફક આવે તેવું છે તેમ તંત્ર માને છે એટલે મચ્છરનાં હાઈ રિસ્ક મકાનોની સંખ્યા વર્ષ ૨૦૧૬ મુજબ ૭,૫૯,૪૫૮ મકાન, જે બતાવાઈ છે તેમાં પાંચ વર્ષ બાદ સહેજે ૩૦ ટકા મકાનનો વધારો થઇ ગયો હશે

એટલે તે મુજબ ઈનડોર રેસિડ્યુઅલ સ્પ્રે (આઈઆરએસ)ની કામગીરી થાય છે કે કેમ તે પણ ચર્ચાનો પ્રશ્ન છે, જાેકે આઈઆરએસની કામગીરી ભલે વર્ષ ૨૦૨૧થી તંત્રે શરૂ કરી હોય પણ તે હંમેશા વિવાદાસ્પદ બની છે, કેમ કે કેટલા લોકોના ઘરમાં સ્પ્રે કરાયો છે તે અંગે વારંવાર ચર્ચા છેડાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.