Western Times News

Gujarati News

સરદાર સરોવરમાંથી દરરોજ ૪ કરોડ કિંમતની 20 Mn યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે

તા.૧૨ મી ઓગષ્ટે સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલીને અંદાજે ૧૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો  નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે

આશરે છેલ્લા ૨૫ દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ ૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

આજની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો ૮૩ ટકા જથ્થો ભરાયેલ છે

Ø  આજે તા.૧૨ મીથી કેનાલ હેડ પાવર હાઉસના ૦૪ યુનિટ મારફત સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૨ મી ઓગષ્ટ,૨૦૨૨ને શુક્રવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ૧૩૩.૯૫ મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે.

જ્યારે ડેમમાં આશરે સરેરાશ ૧.૮૦ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૭૮૬૧ મિલીયન ક્યુબીક મીટર (MCM) નોંધાયેલ છે. આશરે છેલ્લા ૨૫ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા ૨૫ દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં

છેલ્લા ૨૫ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં આજની સ્થિતિએ હાલમાં ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ આજથી  સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનુ ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

અગમચેતી પગલાના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને સંબંધ કર્તા તમામ વિભાગોને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.