Western Times News

Gujarati News

ધોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી આવનારા સમયમાં ભારતનું આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે- મુખ્યમંત્રી 

કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન-NICDC દ્વારા ગાંધીનગરમાં યોજાઇ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

ધોલેરા SIRમાં ઉદ્યોગ રોકાણકારોને વેપાર-વ્યવસાય માટે આવવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન

કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિ

-ઃ મુખ્યમંત્રીશ્રી :-

 સદીઓથી વેપાર-વણજ માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે
 DMICના પ્રભાવ ક્ષેત્રમાં સમાવિષ્ટ ધોલેરા SIR ના અસરકારક વિકાસ માટે રાજ્ય સરકાર અને NICDC એ સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરી છે
 સ્ટ્રેટેજિક લોકેશન તથા મલ્ટી મોડેલ કનેક્ટીવીટીના કારણે ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટ અને પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં ધોલેરા અગ્રિમ ભૂમિકા ભજવશે
 ધોલેરા-ભીમનાથ રેલ્વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન આગામી ૬ મહિનામાં પૂર્ણ થશે

-ઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ:-
 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું : આગામી ૨૫ વર્ષમાં ભારત વિકસિત દેશ બનીને
રહેશે
 ધોલેરા-SIR વિશ્વનું સૌથી મોટું અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઝોન બનશે
 લોજિસ્ટિક કોસ્ટ ઘટાડીને ઉત્પાદકતા વધારી આત્મનિર્ભર ભારત બનશે
 કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી જાહેર કરશે
 પી.એમ ગતિશક્તિ પ્રોજેક્ટ વિશ્વમાં સૌપ્રથમવાર ભારતમાં તૈયાર કરાયો

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ધોલેરા SIR ના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, NICDCના CEO અને એમ.ડી તથા ભારત સરકારના ખાસ સચિવ શ્રી અમ્રીતલાલ મીણા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ-ઇન્ડસ્ટ્રીયલ નોડ ના અધિકારીઓ, રોકાણકારો સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સદીઓથી વેપાર-વણજ માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાને પરિણામે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે.તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં જ્યારે વૈશ્વિક મંદીની વિપરીત અસર હતી તેવા સમયે પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં ગુજરાત મહત્વનું પ્રદાન કરી રહ્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયું છે.

એટલું જ નહિ, ભારત સરકારના વિવિધ ઔદ્યોગિક માપદંડો ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, લોજિસ્ટીકસ પરફોર્મન્સ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ, સ્ટાર્ટઅપ રેન્કીંગ વગેરેમાં ગુજરાત ઘણા વર્ષોથી ટોચનું સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના સર્વગ્રાહી ઝડપી ઔદ્યોગિક વિકાસ અને અન્ય વ્યવસાયોને કાર્યક્ષમ રીતે જોડવા દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને સંલગ્ન SIRનો કોન્સેપ્ટ વડાપ્રધાનશ્રીએ વિકસાવેલો છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આવા SIRની કલ્પના સાથે ર૦૦૯માં SIR એક્ટ પારિત કર્યો હતો. ગુજરાતમાં આવા ૮ SIR આયોજિત છે

તેમાંથી ધોલેરા, માંડલ, બેચરાજી અને PCPIR દહેજ વિકાસના સૌથી અદ્યતન તબક્કે છે અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરના પ્રભાવ ક્ષેત્રમાં પણ સમાવિષ્ટ છે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી આવો જ એક અગ્રણી પ્રોજેક્ટ છે અને ત્યાં ઇન્ટરનેશનલ લેવલની-વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવાઇ રહિ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રી આ અંગેની વિસ્તૃત છણાવટ કરતાં કહ્યું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે નિર્માણ પ્રગતિમાં છે,

ધોલેરા-ભીમનાથ રેલ્વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન આગામી ૬ મહિનામાં પૂર્ણ થઇ જશે તેમજ ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ‘આત્મનિર્ભર ભારત’ માટે મહત્વપૂર્ણ એવા ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં ધોલેરા પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, સ્ટ્રેટેજિક લોકેશન અને મલ્ટી મોડેલ કનેક્ટીવીટીના કારણે આ કોરીડોર પ્રોજેક્ટ તેમજ પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ અગ્રિમ ભૂમિકા ભજવશે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વનું વિકસીત રાષ્ટ્ર બનાવવા ધોલેરા SIR માં ઉદ્યોગ-રોકાણકારોને વ્યવસાય-કારોબાર માટે આવવાનું આહવાન કર્યુ હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલએ ગુજરાતના નાગરિકો જન્માષ્ટમી પર્વના સવિશેષ અભિનંદન આપતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તાજેતરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભરમાં સફળ રહ્યું પ્રત્યેક દેશવાસીઓએ તિરંગો લહેરાવી એક જૂથ બની સમગ્ર વિશ્વને દેશની એકતાનો સંદેશો આપ્યો છે જેની વિશ્વએ નોંધ લીધી છે

એ સૌ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિકસિત દેશના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે અને દેશવાસીઓ સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને વિકસિત દેશ બનવામાં રોકી શકશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્રષ્ટિવંત આયોજન અને વિવિધ નીતિઓના કારણે આજે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને વિકસિત રાજ્ય બન્યું છે એના અનુભવનો લાભ આજે દેશવાસીઓને મળી રહ્યો છે.

ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે દેશભરમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતે ઉદ્યોગકારો માટે અનેકવિધ નીતિઓ અમલી બનાવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર્સ પોલીસી જાહેર કરી છે એ દેશમાં કોઈ જગ્યાએ નથી. એટલું જ નહીં iT/iTES પોલિસીના માધ્યમ દ્વારા ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી હોલીસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે જેના પરિણામે વિશ્વભરમાં ભારતની નામના વધી છે અને વિશ્વના અનેક દેશો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજનથી આકર્ષાયા છે.

વિશ્વના શ્રેષ્ઠ લીડર્સના લીસ્ટમાં વડાપ્રધાન શ્રી મોદીનું નામ આજે ચર્ચાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેમનું નેતૃત્વ સ્વીકારાયું છે એ જ દર્શાવે છે કે ભારત આજે વિકસિત દેશની હરોળમાં આવી ગયો છે. ભારત આગામી ૨૫ વર્ષમાં વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધશે એમાં સૌ દેશવાસીઓ સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણા દેશને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી શકશે નહીં એવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે એ માટે તેમણે મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે., ધોલેરાના વિકાસ માટે અબજો રૂપિયાનું મૂડી રોકાણ આવી રહ્યું છે

હાલ ૨૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં દશકો સુધી વિકાસ થશે અને જેમાં સિક્સ લેન નેશનલ હાઈવે અમદાવાદથી ધોલેરા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ વર્ષ-૨૦૨૪માં શરૂ થશે. ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં વીજળી, પાણી, રિસાયકલ વોટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટીની કલ્પના કરાઈ છે જે આગામી સમયમાં સાકાર થતાની સાથે જ ધોલેરા-SIR વિશ્વનું સૌથી મોટું શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઈન્વેસ્ટમેન્ટ ઝોન બની જશે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એનાથી પણ વધુ તેજ ગતિથી ધોલેરાનો વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું કે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે.

વિકાસના નવા નવા આયામો હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં વેપાર માટે ઈકોસિસ્ટમ, ઝડપી નીતિઓ, ઓનલાઈન મંજૂરી અને CMડેશબોર્ડ એક યુનિક માધ્યમ છે ત્યારે, તમામ એક્ટિવિટીનું મોનિટરિંગ ઓનલાઈન થવાથી પારદર્શિતા સાથે પ્રગત્તિની ઝડપ પણ વધુ તેજ બની રહી છે. તેમણે ઉમેર્યું કે, ધોલેરા-SIR એ વિશ્વનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તેનો વિકાસ જોવા માટે આગામી સમયમાં વિશ્વભરના દેશો સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મંડળો આવશે એવો મને વિશ્વાસ છે. શ્રી ગોયલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના દૂરંદેશી વિચાર PM-ગતિ શક્તિ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન એક અદભૂત વિચાર છે

જેમાં ૧૦૦૦ જેટલા વિવિધ જીઓ સ્પેશિયલ મેપ્સથી ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, હાઇવે, પાવર પ્લાન્ટ્સ અને ૯૨૭ મેપ્સ સાથે વિવિધ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. દેશમાં પુરા આયોજન થકી બાયસેગમાં સ્પેશિયલ મેપિંગ દ્વારા ઇન્ટર કનેક્ટ કરવામાં આવ્યું છે જેના કારણે ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું આયોજનપૂર્વક વિકસાવી શકાય. ગતિ શક્તિ માસ્ટર પ્લાનના કારણે રોડ, હાઇવે અને રેલ્વે ટ્રેકનું પૂર્વ આયોજન સાથે બાંધકામ કરી શકાશે નિકાસ ક્ષેત્રે દેશ આગળ વધે તે માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વવાળી સરકાર તત્પર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, ભારતે વર્ષ-૨૦૨૧માં રૂ. ૫૦ લાખ કરોડનો નિકાસ કરી છે જે સૌથી વધુ છે અને આવનારા ૭-૮ વર્ષોમાં બે ટ્રીલીયન ડોલર સુધીની નિકાસ કરવાનો અમારો લક્ષ્યાંક છે

જેમાં એક ટ્રિલિયન ડોલર સેવા ક્ષેત્રમાં અને બીજો ટ્રીલીયન ડોલર વેપારી માલ સામાનના નિકાસ પર કેન્દ્રિત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ટૂંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી પણ જાહેર કરાશે. મંત્રીશ્રીએ કહ્યું કે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની કલ્પના ગુજરાતે કરી છે. હાલમાં જ્યારે પ્રધાનમંત્રી સાથે અમે લોકોએ દેશના સાત ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દેશભરમાંથી આવેલી દરખાસ્તો પૈકી ગુજરાતની નવસારીની દરખાસ્તને નંબર વન રેન્કિંગ આપવામાં આવ્યું જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગુજરાત તેજ ગતિથી અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ કરવા માટે કટિબદ્ધ છે.

સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ધોલેરા SIR રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને આવકારતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દષ્ટીવંત આયોજન અને વિકાસલક્ષી રાજનીતીના પરિણામે ગુજરાત આજે દેશનું વિકસીત રાજ્ય પુરવાર થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રીના મેક ઈન ઈન્ડીયા અને સ્ટાર્ટ અપ ઈન્ડીયાના સંકલ્પ થકી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ધોલેરા SIR પાયાનો પ્રોજેક્ટ છે.ગુજરાતની ઔદ્યોગિક વિકાસયાત્રા ઔદ્યોગિક કલ્સ્ટરથી શરૂ કરીને ઈન્ડિસ્ટ્રયલ એસ્ટેટ અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં રૂપાંતરીત થઈ છે.

જેમાં ઉદાહરણ રૂપ ફેરફાર કહી શકાય તેવા ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરના ભાગ તરીકે સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન એટલેકે ધોલેરા SIRનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરાયું છે. આ સ્થળના વિકાસ માટે કેન્દ્ર સરકાર તથા રાજયસરકાર ઉત્તરોતર યોગ્ય પગલાં લઈ રહી છે અને તેના વિકાસની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ તરીકે ઓળખાતા ધોલેરા SIRની જાહેરાત વર્ષ-૨૦૦૯માં કરવામાં આવી હતી. જેને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ ધપાવવામાં આવી રહી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક સાથે રહીને કામ કરી રહી છે. અને રોકાણકારોની માગ અને તેમના અનુભવને ધ્યાનમાં
રાખી તમામ લોકોને તેમની જરૂરીયાત મુજબની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીએ વિશ્વના તમામ રોકાણકારોને ભારતમાં રોકાણ માટેના દ્વાર ખોલ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આખુ વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે જજુમી રહ્યું હતું. ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું સેવ્યું અને તમામ નાગરીકોને આત્મનિર્ભર બનવા હાકલ કરી.

આત્મનિર્ભર ભારત અંતર્ગત મેક ઈન ઈન્ડીયા અને વોકલ ફોર લોકલ જેવા ડ્રીમ પોજેક્ટને પરીપુર્ણ કરવા ગુજરાત સરકાર તત્પર છે. ભારત સરકારના લોજિસ્ટિક્સના વિશેષ સચિવ તેમજ NICDCના CEO અને MD શ્રી અમ્રીતલાલ મીણાએ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સમગ્ર દેશમાં વિશ્વકક્ષાના મોડેલ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવામાં આવ્યો છે જેમાં ધોલેરા, ઓરિક, વિક્રમ ઉદ્યોગપુરી અને ગ્રેટર નોઈડાનો સમાવેશ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ૧૮ રાજ્યોમાં આવા ૩૨ શહેરોને વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મલ્ટિમોડલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ વિકાસનું એક અનોખું મોડેલ છે જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ૫૦-૫૦ ટકા હિસ્સો ધરાવતું સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા નીતિગત પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે કે જે રોકાણકારોને લીઝ પરની જમીન, ચુકવણીની શરતો સહિત વ્યાજબી કિંમતે જમીન મેળવવાની સુવિધા આપે છે. અત્યાર સુધીમાં આ ૪ ઔદ્યોગિક ટાઉનશીપમાં ૨૦૧ એલોટીઓએ જમીન પ્રાપ્ત કરી છે. અમે વિવિધ મંજૂરીઓમાં મદદ કરવા અને તેમની સમસ્યાઓના નિવારણ માટે તેમના સંપર્કમાં છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, NICDCના મુખ્ય કારોબારી અધિકારી શ્રી હારિત શુક્લ તથા અન્ય સ્માર્ટ સિટીના વહીવટી સંચાલકો તથા રોકાણકારો ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.