Western Times News

Gujarati News

લતિફના સમયથી કુખ્યાત અમીના બાનુ-સાગરિતને ૩૧.૩૧૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ પાણીપુરી વેચવાવાળા, ભિખારી વગેરેના વેશ ધારણ કરીને બાતમીના આધારે તેની ફિલ્મી સ્ટાઈલે ધરપકડ કરી હતી

(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી ડ્રાય સ્ટેટ ગુજરાત ડ્રગ્સના હબ તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ ડીલર અમીના બાનુ ઉર્ફે ડોન (ઉં. ૫૨ વર્ષ) અને તેના સાગરીત સમીરૂદ્દીન ઉર્ફે બોન્ડની (ઉં. ૩૮ વર્ષ) ૩૧.૩૧૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.

એસઓજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ૩,૧૩,૧૦૦ રૂપિયાનું મૂલ્ય ધરાવતા ડ્રગ્સ સહિત કુલ ૩,૩૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના કાલુપુર વિસ્તારમાં રહેતા બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીસી એક્ટ કલમ ૮ (સી), ૨૧ (સી), ૨૯ અંતર્ગત કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર છે અને તે ડોન લતીફના સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલી છે. તેણી અગાઉ બ્રાઉન સુગરના કેસમાં ૧૦ વર્ષ જેલની સજા ભોગવી ચુકી છે અને તે ૧૦૦ જેટલા ડ્રગ્સ પેડલરની ચેઈન ધરાવે છે.

એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મંગળવાર સવારથી જ અમીના બાનુને દબોચી લેવા માટે વોચ ગોઠવી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ પાણીપુરી વેચવાવાળા, ભિખારી વગેરેના વેશ ધારણ કરીને બાતમીના આધારે તેની ફિલ્મી સ્ટાઈલે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેણી ડ્રગ્સની ૫-૧૦ ગ્રામની પડીકી બનાવીને અને માત્ર જાણીતા લોકોને જ ડ્રગ્સ આપતી હોવાનું સામે આવ્યું છે. તે ઘરની ઓવરહેડ ટાંકી અને પાડોશીઓના ઘરે ડ્રગ્સનો જથ્થો સંતાડતી હતી.

અમીના બાનુએ ત્રણેક વર્ષ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ પણ દાખલ કરી હતી. તેણી મુંબઈના અનેક ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્કમાં હોવાની અને છેલ્લા ૨-૩ વર્ષથી ડ્રગ્સના વેપારમાં એક્ટિવ થઈ હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. અમીનાબાનુને ૨૦૦૨માં એનડીપીએસ અંતર્ગત ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તેણી સજા કાપીને ૨૦૧૧માં બહાર આવી હતી. તે સિવાય પણ તેના વિરૂદ્ધ અનેક કેસ દાખલ થયેલા છે.

જ્યારે સમીરૂદ્દીન રીક્ષા ડ્રાઈવીંગનું કામકાજ કરે છે અને કારંજ પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના ગુના ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ચેઈન સ્નેચિંગને લગતા આશરે ૩૦ જેટલા ગુનાઓમાં ઝડપાયેલો છે.
એસઓજી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાલુપુર ભંડેરી પોળ, વાણીયા શેરીના નાકેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.