Western Times News

Gujarati News

ભરૂચના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસે બાઈકને ટક્કર મારતા 5 વર્ષીય બાળકીનું મોત

અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનો રોકી ચક્કાજામ કરતા અપ – ડાઉનની લાઈનના વાહનો અટવાયા.

પોલીસ વિભાગની ખાતરી બાદ લોકોનો આક્રોશ શાંત પડ્યો : સ્પીડ બ્રેક નહિ મુકવામાં આવે તો પુનઃ આંદોલનની ચિમકી.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીકના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પરથી ફંગોળાયેલ પ વર્ષીય બાળકીનું મોત થયું હતું.તો દાદા અને માતાને ઈજા થઈ હતી.અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરતા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ ની સમજાવટ અને સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી બાદ લોકો રસ્તો ખોલ્યો હતો.

ભરૂચના વાહન વ્યવહારથી સતત ધમધમતા  દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીક આવેલ મઢુલી સર્કલ પાસેથ  મહેશ હરીભાઈ પટેલ પુત્રવધૂ ડીમ્પુબેન અને પ વર્ષીય પૌત્રી ધ્યાની સાથે બાઈક પર ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જઈ રહ્યા હતા.

તે દરમ્યાન ખાનગી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર ધસી આવી ટક્કર મારતા ધ્યાની દૂર ફંગોળાઈ હતી તો બાઈક સાથે મહેશભાઈ અને ડિમ્પુબેન પણ પટકાયા હતા.જેમાં પ વર્ષીય બાળકી ધ્યાનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.જ્યારે માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ અને મહેશ હરીભાઈ પટેલને ઈજા થઈ હતી.

અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો નેદેલાવનાં પૂર્વ સરપંચ,ડેપ્યુટી સરપંચ સહિત અન્ય અગ્રણીઓ તેમજ રાહદારીઓ પણ આક્રોશ સાથે ઉમટી આવ્યા હતા.આ દરમ્યાન અકસ્માત બાદ બસ મુકી ચાલક ભાગી છૂટયો હતો.આક્રોશિત લોકોએ રસ્તા પર ઉતરી આવી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ કરતા ભારે હંગામો મચી ગયો હતો.

જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવા સાથે સમજાવટ માટે પણ પ્રયાસો હાથધર્યા હતા.આ બાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ ની સ્પીડ બ્રેકર બે દિવસમાં બનાવવાની ખાત્રી આપ્યા બાદ લોકોનો આક્રોશ શાંત પડ્યો હતો અને રસ્તો ખોલવા સાથે બે દિવસમાં સ્પીડ બ્રેકરની કામગીરી નહીં કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા પુનઃ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નાના મોટા અનેક વાહનોની સતત અવર જવર રહે છે અને તેથી ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માત પણ થતાં રહે છે  અહી ફ્લાય ઓવરબ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે.પણ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી ત્યારે જ વહેલી તકે તેની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.નહિતર આવા અકસ્માતો સર્જાતા રહેશે અને લોકોમાં આક્રોશ જોવા મળતો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.