Western Times News

Gujarati News

શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના નિર્માણમાં જેમનું યોગદાન છે તેવા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને મુખ્યમંત્રીએ બિરદાવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન સમારોહ યોજાયો

વિકાસના માર્ગે છેલ્લા બે દાયકાથી પૂરપાટ ગતિએ આગળ ધપી રહેલા ગુજરાતને વધુ વિકસિત બનાવવાનું છે-કોઈપણ સમાજના કામ અટક્યા નથી અને અટકવાના પણ નથી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ” ના મંત્રને અનુસરીને ગુજરાતના સૌ સમાજે સાથે મળી આગળ વધવાનું છે. વિકાસના માર્ગે છેલ્લા બે દાયકાથી પૂરપાટ ગતિએ આગળ ધપી રહેલા ગુજરાતને વધુ વિકસિત બનાવવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. ગાંધીનગરમાં આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં સામાજિક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે સર્વાંગીણ વિકાસ, સુશાસન અને સૌ સમાજના ઉત્કર્ષની જે પરિપાટી અપનાવી છે, તેના પરિણામે કોઈપણ સમાજના કામ અટક્યા નથી અને અટકવાના પણ નથી.

તેમણે જણાવ્યું કે, કોવિડ મહામારીના કપરા સમયમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનો વિકાસ અટક્યો નથી, અર્થતંત્રને પણ ગતિમાન રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં જે કોવિડ નિયંત્રણના પગલાં લેવાયા, રસીકરણ, ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને નિશુલ્ક રાશન વિતરણની જે કામગીરી થઈ તેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનનું જ આ પરિણામ છે કે, સ્વચ્છતા મિશન, જળ જીવન મિશન, હર ઘર તિરંગા અભિયાન જેવા અભિયાનો સફળ બનાવીને ભારતે પોતાની તાકાત વિશ્વને બતાવી છે. આપણે ભૌતિક- માળખાકીય વિકાસની સાથે-સાથે સામાજિક વિકાસ પણ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને બિરદાવતા કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના નિર્માણમાં જેમનું યોગદાન હોવાનું કહેવાય છે તેવો આ સમાજ અત્યારે આત્મનિર્ભર ગુજરાત, સર્વોત્તમ ગુજરાતના નિર્માણમાં વર્તમાન સરકારનો સુપેરે સહયોગી બન્યો છે.

આ પ્રસંગે કડિયા સમાજના અગ્રણી ભાઈઓ બહેનો, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ, ઉપાધ્યક્ષ શ્રી મયંક નાયક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.