Western Times News

Gujarati News

મહામારીના લીધે કેટલાય વિદ્યાર્થીઓનો પાયો કાચો રહ્યો

અવનવી પદ્ધતિ વિકસાવીને શિક્ષકો કરાવે છે અભ્યાસ

શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મહામારીને કારણે અભ્યાસનો વધુ ફટકો પડ્યો

અમદાવાદ,ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસે આવેલા જાળિયા ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષક જીતેશ ચૌહાણના ધ્યાનમાં આવ્યું કે, ધોરણ ૪ અને ૫માં પાસ થયેલા અને આગળના ધોરણમાં મોકલવામાં આવેલા ૫૦ ટકા જેટલા વિદ્યાર્થીઓનો ગણિત અને વિજ્ઞાનનો પાયો જ કાચો છે.

“કેટલાકને લખવા-વાંચવામાં તકલીફ હતી તો કેટલાક સાદા સરવાળા-બાદબાકી પણ નહોતા કરી શકતા. ધોરણ ૩ના વિદ્યાર્થીઓ પાસેથી સાદા સરવાળા-બાદબાકી સરળતાથી કરી શકે તેટલી તો અપેક્ષા રાખી જ શકાય. જેથી મેં રાજ્યના શિક્ષણ વિભાગના પ્રજ્ઞા મોડલ હેઠળ ૧૦ મિનિટના ટૂંકા વિડીયો બનાવવાના શરૂ કર્યા.

વિવિધ મુદ્દા પર તૈયાર કરેલા આ વિડીયોમાં જ અંતે ગુજરાતીમાં ઓનલાઈન કસોટી પણ મૂકવામાં આવી હતી. આ પ્રયોગના કારણે મને એવા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં મદદ મળી જેમના અગાઉના ધોરણના પાયા કાચા છે અને તેને સુધારવાની જરૂર છે”, તેમ જીતેશ ચૌહાણે જણાવ્યું.

કોરોના મહામારી દરમિયાન જીતેશ ચૌહાણ વિડીયો બનવાતા અને તેને લગતા અન્ય ટેક્નિકલ સાધનોથી અવગત થયા હતા. તેમણે આગળ કહ્યું, “આજે અલગ અલગ મુદ્દાઓ પર ૧,૧૦૦ જેટલા વિડીયો બનાવી દીધા છે. હું ધોરણ ૩નો વિડીયો ધોરણ ૫ના વિદ્યાર્થી સાથે પણ શેર કરું છું, જેથી તે જે-તે મુદ્દામાં કાચા હોય તો પોતાના સમયે શીખી શકે છે. કોરોના મહામારીના કારણે સમાજની દરેક બાજુને ફટકો પડ્યો હતો અને તેમાંથી શિક્ષણ પણ બાકાત નહોતું.

૨૦૨૦ અને ૨૦૨૧ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે પડકારજનક રહ્યું કારણકે તેમને ઓનલાઈન શિક્ષણની નવી વ્યવસ્થામાં ગોઠવાવું પડ્યું. ૨૦૨૨માં સ્કૂલો ફરીથી સંપૂર્ણપણે શરૂ થઈ હતી. આ દરમિયાન શિક્ષકોને અહેસાસ થયો કે, પાછલા બે વર્ષમાં અભ્યાસનું જે નુકસાન થયું છે તેને ઓળખીને કઈ રીતે તેની ભરપાઈ થઈ શકે તેના રસ્તા શોધવા.

અમદાવાદ IIM ખાતે આવેલા ધ રવિ જે મઠ્ઠાઈ સેન્ટર ફોર એજ્યુકેશન ઈનોવેશને તેમની એજ્યુકેશન ઈનોવેશન બેન્કના ભાગરૂપે શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા આવા કેટલાય નવતર પ્રયોગોનું દસ્તાવેજીકરણ કર્યું છે. શિક્ષકોને ઉપયોગી થઈ પડે માટે તેમની સાથે વહેંચવામાં પણ આવ્યું છે.

RJMCEIના પદાધિકારીઓનું કહેવું છે કે, જે-તે સ્થિતિ પ્રમાણે શિક્ષકો જ નવા-નવા ઉકેલ લઈને આવ્યા હતા અને શિક્ષકો માટેના ઓનલાઈન પ્લેટફોર્મ ‘સમર્થ’ પર સતત તેને શેર પણ કરવામાં આવે છે. નિષ્ણાતોનું માનીએ તો અભ્યાસનું નુકસાન શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં વધુ જાેવા મળ્યું છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.