Western Times News

Gujarati News

મનકી બાતમાં PM મોદીએ સુરતની અન્વીના વખાણ કર્યા

સુરતની અન્વી નામની દિવ્યાંગ બાળકીનો મોદીએ ઉલ્લેખ કર્યો-અન્વીએ દરેક બાબતો ધ્યાનથી શીખી- આજે યોગના કારણે તેના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું છે

નવી દિલ્લી, પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં સુરત શહેરમાં રહેતી અન્વી નામની દિવ્યાંગ બાળકીનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, સુરતની એક દિકરી સાથે થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત થઈ. અનવી. જન્મથી જ ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે.

તે નાનપણથી જ હાર્ટની બિમારીથી પીડાય છે. તે ૩ મહિનાથી હતી ત્યારે તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી. છતાં તેણે કે તેના માતા-પિતાએ હાર નહોંતી માની. તેના માતા-પિતાએ તેને દરેક નાની-નાની બાબતો શિખાવવાનું શરૂ કર્યું. અને અનવીએ દરેક બાબતો ધ્યાનથી શીખી.

આજે યોગના કારણે તેના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું છે. ઉલ્લેખનીય છેકે, સુરતની અન્વી ઝાંઝરૂકિયાની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર-૨૦૨૨ માટે પસંદગી કરવામાં આવી હતી.

શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, સુરતની અન્વી હવે ‘રબર ગર્લ’ના હુલામણા નામે જાણીતી બની છે. અન્વીએ અથાગ મહેનત થકી પોતાના માતા-પિતાની સાથો-સાથ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે અન્વી સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.

૧૩ વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ ૩ ડિસે. ૨૦૨૧ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે. શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર – સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે.

૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે ૭૫% બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને

રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે. અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.