Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં કોરાનાકાળના બે વર્ષ બાદ દુર્ગાષ્ટમી મહોત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ

ભરૂચ,અંકલેશ્વર અને દહેજમાં દુર્ગા માતાની સ્થાપના કરી ઉજવણી

(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે અનેક તહેવારો સહિત દુર્ગા મહોત્સવ ફીકો પડ્યો હતો.તાજેતરમાં કોરોના સંકટ તળી જવાના કારણે દુર્ગાષ્ટમી મહોત્સવ ઉજવવા માટે બંગાળી સમાજમાં ઓનેરો ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ધામા નાખી દુર્ગા માતાની પ્રતિમા સાથે વિવિધ દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી આખરી ઓપ આપી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં વસતા બંગાળી સમાજ માટે દુર્ગાષ્ટમી મહોત્સવ દિવાળી કરતાં પણ વધુ મહત્વનો માનવામાં આવે છે અને આસો નવરાત્રિમાં નોરતાના પાંચમા દિવસે દુર્ગા માતાની સ્થાપના કરી દુર્ગાષ્ટમી મહોત્સવનો પ્રારંભ કરતા હોય છે.ભરૂચ જીલ્લામાં પશ્ચિમ બંગાળથી મૂર્તિકારોએ ભરૂચમાં ધામા નાંખી ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટી માંથી દુર્ગા માતા સહીત વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે અને દુર્ગા માતાની પ્રતિમાઓને અવનવો શણગાર કરી માતાજીને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને દુર્ગા મહોત્સવ ઉજવવા માટે બંગાળી સમાજ તડામાર તૈયારીમાં જાેતરાઈ ગયું છે.

દુર્ગા માતાની પ્રતિમાઓને આખરી ઓપ આપતા કલકત્તાના મૂર્તિકાર રવિન્દ્ર પાલે કહ્યું હતું કે દુર્ગા માતાજીની જે પ્રતિમા તૈયાર કરવામાં આવે છે તે ભરૂચની નર્મદા નદી માંથી તૈયાર કરવામાં આવે છે જેના કારણે દુર્ગા માતાની ચાર દિવસ પૂજા અર્ચના બાદ વિજયા દશમીના દિવસે ભવ્ય વિસર્જન યાત્રા બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે અને નર્મદા નદીમાં દુર્ગા માતાનું વિસર્જન બાદ ગણતરીની મિનિટોમાં જ નર્મદામાં દુર્ગા માતાની પ્રતિમા ઓગળી જવાના કારણે નદીની જ માટી નદીમાં ભળી જતી હોવાનું રટણ કર્યું હતું અને ભરૂચમાં દુર્ગા માતાની પ્રતિમા સાથે અન્ય દેવી દેવતાઓની પણ સ્થાપના કરવાની હોય છે.

જેના કારણે દુર્ગામાતા સાથે વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરવામાં આવી છે. શુક્રવારના દિવસે સાંજના સમયે ભરૂચની શ્રવણ ચોકડી નજીક બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાની પૂજા અર્ચના કરવા સાથે માતાજીની સ્થાપના કરવામાં આવશે અને વિજયા દસમી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવનાર છે.દુર્ગા માતાની સ્થાપના સાથે ધાર્મિક કાર્યક્રમોને લઈ આયોજકો પણ સજ્જ થઈ ચૂક્યા છે બે વર્ષથી દુર્ગાષ્ટમી મહોત્સવ ફીકો પડ્યા બાદ ફરી સોળે કળાએ ખીલી ઉઠનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.