Western Times News

Gujarati News

UPL Ltd.ના CMD રજનીકાંત ડી શ્રોફને ભગવંત ખુબાના હસ્તે લાઇફટાઇમ રેકગ્નિશન એવોર્ડ એનાયત થયો

મુંબઈ, 11મા રાષ્ટ્રીય પેટ્રોકેમિકલ્સ પુરસ્કારોમાં રાજ્ય કક્ષા કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી ભગવંત ખુબાના હસ્તે UPL Ltd.ના સ્થાપક શ્રી રજનીકાંત શ્રોફને રસાયણો અને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં લાઇફ ટાઇમ રેકગ્નિશન એવોર્ડ એનાયત થયો છે.

આ પુરસ્કાર સમારંભ નવી દિલ્હીમાં રસાયણો અને પેટ્રોરસાયણો વિભાગના સચિવ શ્રી અરુણ બરોકા તથા સિપેટના ડિરેક્ટર જનરલ પ્રોફેસર શિશિર સિંહા જેવા ઉદ્યોગના દિગ્ગજો તથા ઉદ્યોગ, શિક્ષણજગત અને આરએન્ડટી સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો.

વૈજ્ઞાનિકમાંથી ઉદ્યોગસાહસિક અને સમાન તક આપવાના અભિયાનમાં મોખરે UPL Ltd.ના સીએમડી શ્રી શ્રોફે કહ્યું હતું કે, “મને લાઇફટાઇમ રેકગ્નિશન એવોર્ડ મળવા બદલ ખુશી અને નમ્રતાની લાગણી અનુભવું છું. હું હંમેશા હૃદયથી રાષ્ટ્રવાદી છું અને મને આપણા મહાન દેશની વૃદ્ધિમાં સામેલ થવાની તમામ તકો મળવા બદલ દેશનો

અને દેશવાસીઓનો આભાર માનું છું. હું આ પ્રતિષ્ઠિત સન્માન મને એનાયત કરવા બદલ ભારત સરકારનો આભાર માનું છું. આ ખરાં અર્થમાં ગર્વ થાય એવો અનુભવ છે. હું મારી સાથી પુરસ્કારવિજેતાઓને અભિનંદન આપું છું અને આપણા દેશમાં તેમના પ્રદાન બદલ આભાર માનું છું.”

શ્રી શ્રોફ વ્યવસાયિક ક્ષેત્રમાં 50 વર્ષથી વધારે ગાળાની કારકિર્દી ધરાવે છે. તેમણે ભારતમાં કૃષિરસાયણ ક્ષેત્રનું ઔદ્યોગિકીકરણ વધારવા, ભારતીય ખેડૂતો માટે વાજબી કિંમતો પર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો કરવા ઉત્પાદનના ધારાધારણો સુધારીને દેશ માટે વિદેશી હૂંડિયામણની બચત કરવાના મોટા ઉદ્દેશ માટે જીવન સમર્પિત કર્યું છે. તેઓ માને છે કે, જો ઉત્પાદનો ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાજબી કિંમતે ઉપલબ્ધ થાય, તો જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉદ્દેશ હાંસલ થઈ શકે.

ભારત સરકારના રસાયણો અને પેટ્રોરસાયણોના વિભાગ (ડીસીપીસી)એ એપ્રિલ, 2007માં રાષ્ટ્રીય પેટ્રોરસાયણ નીતિ જાહેર કરી હતી, જેને સુસંગત રીતે એવોર્ડ યોજના સ્થાપિત કરવામાં આવી છે.

તેનો ઉદ્દેશ પોલીમેરિક સામગ્રી, ઉત્પાદનો, રાષ્ટ્રીય અને સામાજિક મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રક્રિયાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નવીનતાઓ અને સંશોધનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનો અંતિમ ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ અને ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગ તરીકે પેટ્રોકેમિકલ ઉદ્યોગને વિકસાવવાનો અને જાળવવાનો છે.

11મા રાષ્ટ્રીય પેટ્રોકેમિકલ્સ એવોર્ડ્ઝની હાલની એડિશનમાં 315 ઉમેદવારો પાસેથી અરજીઓ મળી હતી, જેમાંથી પાંચ ઉમેદવારોની વિજેતાઓ તરીકે , છની ઉપવિજેતાઓ તરીકે અને એક ઉમેદવારની લાઇફ ટાઇમ રેકગ્નિશન એવોર્ડ માટે પસંદગી થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.