Western Times News

Gujarati News

હૃદયની બીમારીથી પીડાતા રીક્ષાચાલકના ૧૬ વર્ષના પુત્રમાં હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું

સિવિલ મેડિસિટીની તર્જ પર વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ  ટ્રાન્સપ્લાન્ટ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી અંગદાનમાં મળેલા હૃદયનું યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં વિનામૂલ્યે પ્રત્યારોપણ  કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં કિડની, લીવર, સ્વાદુપિંડ, ગર્ભાશય બાદ હવે હૃદયનું પણ પ્રત્યારોપણ સફળતાપૂર્ણ કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રિના પ્રથમ નોરતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા ૯૨મા અંગદાન થકી મળેલા હૃદયનું યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં પ્રથમ વખત હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. એક જ કેમ્પસમાં તમામ મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધાઓ ઉપલ્બધ બને તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ મેડિસિટીનું ડેવલેપમેન્ટ કરવામાં આવ્યું છે.

હૃદય, કિડની, કેન્સર, દાંત, આંખ , મહિલાઓ અને બાળરોગ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ એક જ મેડિસિટી કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે, જેનો લાભ દર્દીઓને સરળતાથી મળી રહ્યો છે.

અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર વડોદરા, સુરત અને  રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસનુ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે ૨૧ મહિનામાં ૯૨ જેટલા અંગદાન થયા છે. જેમાં મહત્વની વાત એ છે કે, અંગદાનમાં મળેલા અંગોનું સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટીટ્યૂટમાં કિડની , લીવર, સ્વાદુપિંડ અને યુટ્રસનું પ્રત્યારોપણ કરવામાં આવતું હતુ. જેમાં વધુ એક પ્રત્યારોપણનો ઉમેરો થઇને સરકારી હોસ્પિટલમાં હૃદયનું પ્રત્યારોપણ પણ હવે શરૂ થયું છે.

સિવિલ હોસ્પિટલના ૯૨મા અંગદાનની વિગતો જોઇએ તો, મૂળ યુ.પી.ના અને ગુજરાતમાં સ્થાયી થયેલા ૨૪ વર્ષના રોહિત એકાએક પડી જતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. ઇજા ગંભીર હોવાથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારબાદ તેને વધુ સધન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલા.

સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસો બાદ પણ હાલત અતિ ગંભીર બનતાં અંતે ૨૬મી સપ્ટેમ્બરના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પરિવારજનોનું કાઉન્સેલિંગ કરીને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી. પરિવારજનોએ પણ અંગદાન માટે સહમતિ દર્શાવતા રોહિતને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા.

૮ કલાકની મહેનત બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું. જેમાંથી હૃદયને સૌ પ્રથમ વખત સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ ૧૬ વર્ષના ગાંધીનગરના યુવકમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું.

ઘોરણ ૧૨માં ભણતા અને ગાંધીનગરમાં રહેતા આ યુવકને છેલ્લા ૧ વર્ષથી હૃદયની ગંભીર બીમારી હતી. તેને  પેટમાં સતત દુખાવો રહેતો અને અન્ય તકલીફ હોવાના કારણે યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને જમણી બાજુના હૃદયમાં કાર્ડિયાક માયોપથી અને હૃદયની ગતિવિધિની અનિયમિતતા જોવા મળી એટલે કે હૃદય ફેઇલ થઇ જવાનું નિદાન થયું હતું જેનો એક માત્ર વિકલ્પ હતું પ્રત્યારોપણ.

રાજ્ય સરકાર, સિવિલ હોસ્પિટલ અને SOTTOએ આદરેલા અંગદાન અને પ્રત્યારોપણના યજ્ઞના પરિણામે ફક્ત એક વર્ષના ટૂંકકા ગાળામાં હૃદયરોગની ગંભીર બીમારીથી પીડાઇ રહેલા યુવકને હૃદયનું દાન મળ્યું, જે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંપૂર્ણપણે વિનામૂલ્યે પ્રત્યારોપણ પણ કરવામાં આવ્યું.

અત્રે નોંધનીય છે કે, હૃદય, ફેફસા જેવા અંગોને ગ્રીન કોરિડોર મારફતે પ્રત્યારોપણ માટે મોકલવામાં આવે છે. જે હવે એક જ કેમ્પસમાં પ્રત્યારોપણ માટે પહોંચતું હોવાના કારણે સમગ્ર પ્રક્રિયા વધુ સધન બની છે.

સિવિલ હોસ્પિટલમા થયેલા ૯૨ અંગદાનમાં ૨૯૧ અંગોનું દાન મળ્યું છે.જેમાં ૧૫૪ કિડની, ૭૮ લીવર, ૯ સ્વાદુપિંડ, ૨૪ હૃદય, ૬ હાથ, ૧૮ ફેફસા, ૨ નાના આંતરડા અને ૫૪ કોર્નિયાનો સમાવેશ થાય છે. જેને ૨૬૯ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

આ દર્દીના હૃદયનું પ્રત્યારોપણ ડૉ. ચિરાગ દોશી, કાર્ડિયાક ટ્રાંસપ્લાન્ટ સર્જન, કાર્ડિયાક સર્જરી વિભાગના પ્રાધ્યાપક અને વડા દ્વારા કરવામાં આવ્યુ હતું.  તેમની સાથે ટીમમાં ર્ડા. કાર્તિક પટેલ, ર્ડા. પ્રતીક માણેક, ર્ડા. આશિષ મડકાઈકર  કાર્ડિયાક સર્જન તરીકે સહયોગી બન્યા હતા. કાર્ડિયાક એનેસ્થેટિક તરીકે ડૉ. હેમાંગ ગાંધી, ર્ડા. વિશારદ ત્રિવેદી, ર્ડા. મૃગેશ પ્રજાપતિ, , ર્ડા. સુનિલે ફરજ બજાવી હતી. પ્રફુઝીનીસ્ટ ટ્રેઇન્ડ નર્સીગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ પણ હૃદયના પ્રત્યારોપણને સર્જરીમાં સાથે જોડાયેલો હતો.

યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ (એન.એ.બી.એચ. એક્રીડીટેડ) દેશની મોટામાં મોટી હૃદયની શૈક્ષણિક સંસ્થા છે, જેમાં ૧૨૫૧ પથારી ઉપલબ્ધ છે.

આ કાર્ય યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રીસર્ચ સેન્ટરના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ (IAS)ના માર્ગદર્શનથી અને સંસ્થાના માનદ નિયામકશ્રી ર્ડા. આર.કે. પટેલ, સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.