Western Times News

Gujarati News

ડ્રગ્સ બનાવતા શખ્સની ધરપકડ: ભરુચમાં કેમિકલ ફેકટરી નાખવાનો હતો

મુંબઇ, મુંબઈ પોલીસે તાજેતરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી સાત હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવનાર પ્રેમપ્રકાશ સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની વધુ તપાસ કરતા તેના ખાતામાંથી બે કરોડ રૂપિયાની રકમ અને ૧૦૦ કરોડના વહેવાર થયા હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી પ્રેમ પ્રકાશસિંહ ગુજરાતમાં ડ્રગ્સ બનાવી મુંબઈમાં વેચતો હતો. સિંહની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોઈ આ પહેલાં એક કેમિકલ કંપનીમાં સલાહકાર તરીકે કામ કરતો હતો. તે છેલ્લાં ત્રણ વર્ષથી ડ્રગ્સ બનાવવાના કામમાં વ્યસ્ત હતો.

આ સંદર્ભે મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટીક્સ સેલના એક ઉચ્ચાધિકારી અનુસાર સિંહે તેમની પોતાના કેમિકલ કંપની પણ સ્થાપી હતી. કંપનીના વેબસાઈટ પર તે ૧૧૦થી પણ વધુ કેમિકલનું ડીલીંગ કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ અધિકારી અનુસાર ડ્રગ્સના વેચાણમાંથી સિંહે કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી હતી.

આ ઉપરાંત આ પૈસાથી તેણે ગુજરાતના ભરુચમાં સાત હજાર ચોરસ મીટરનો એક પ્લોટ પણ ખરીદ્યો હતો અને ત્યાં પોતાની કેમિકલ ફેકટરી શરૂ કરવાની ફિરાકમાં હતો પણ તે પહેલાં મુંબઈ પોલીસે તેને પકડી પાડયો હતો.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર પ્રેમપ્રકાશ સિંહ ડ્રગ્સ બનાવતો હોવાનો ફોન એક અજાણી વ્યક્તિએ પોલીસને કર્યો હતો. આ વ્યક્તિએ એવું પણ જણાવ્યું હતું કે સિંહે એમડી ડ્રગ્સ બનાવી મોટો નફો રળ્યો હતો. આ રકમથી તેણે પોતાની કંપની શરૂ કરી હતી.

આ કંપનીમાં તે મોટાપાયે ડ્રગ્સ બનાવવા માંડયો હતો. આ ડ્રગ્સ બનાવતી વખતે ખૂબ જ તીવ્ર અને ગંદી વાસ આવતી હોવાની ફરિયાદ તેની કંપનીના કર્મચારીઓએ પણ કરી હતી. ત્યારબાદ તેણે તેની કંપનીમાં ડ્રગ્સ બનાવવાનું બંધ કરી દીધું હતું. સિંહે તેની ઓળખાણનો ઉપયોગ કરી ગુજરાતની એક કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

આ ડ્રગ્સ સિંહ નાલાસોપારાના એક ગોદામમાં રાખતો અને અહીંથી જ તેનું વેચાણ પણ કરતો હતો. ડ્રગ્સના વેચાણ માટે તે પહેલાં વોટસએપનો ઉપયોગ કરતો ત્યારપછી તેણે ટેલીગ્રામનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે સારામાં સારું ડ્રગ્સ બનાવી સસ્તામાં વેચતો હોવાથી તેનું વેચાણ મોટાપાયે થતું.

અત્યાર સુધીમાં તેણે ત્રણ હજાર કરોડનું ડ્રગ્સ માર્કેટમાં વેંચ્યું હોવાનો અંદાજ પોલીસે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે તેના પાસેથી ૪૮૫૬ કરોડથી વધુનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.