Western Times News

Gujarati News

AMCના ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર ભાજપના કોર્પોરેટરને કોંગ્રેસે અભિનંદન આપ્યા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં એક વર્ષ પહેલા સમાવિષ્ટ બોપલ-ઘુમામાં સફાઈની સમસ્યા ગંભીર બની રહી છે-મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે ઉપવાસ કરવાની ચેતવણી આપી હતી તેમ છતાં સમસ્યાનું સમાધાન થયુ નથી.

ખારીકટ કેનાલ, મ્યુનિ.હોસ્પિ.ની નબળી સેવા મામલે માસિક સામાન્ય સભામાં કોંગ્રેસે પસ્તાળ પાડી

વર્લ્ડ બેંકની શરતો પૂર્ણ કર્યા પહેલા જ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેના કારણે વર્લ્ડ બેંકે લોન આપવાની ના પાડી છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ, હેરીટેજ ધાર્મિક સ્થાનોની જાળવણીનો અભાવ, બોપલ- ઘુમામાં સફાઈના અભાવ, મ્યુનિ. હોસ્પીટલોમાં “ઈન્ચાર્જ” અધિકારીઓની બોલબાલા તેમજ મનપાની આર્થિક સ્થિતિ મુદ્દે મ્યુનિ. બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા,

જયારે મનપાના ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર ભાજપના કોર્પોરેટરને કોંગ્રેસ તરફથી બે-બે વખત અભિનંદન આપવામાં આવ્યા હતા. જાેકે આશ્ચર્યજનક બાબત એ છે કે ભાજપના કોર્પોરેટરો તરફથી તેમના જ સાથી મિત્રને અભિનંદન આપવામાં આવ્યા ન હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં એક વર્ષ પહેલા સમાવિષ્ટ બોપલ-ઘુમામાં સફાઈની સમસ્યા ગંભીર બની રહી છે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આ મામલે મ્યુનિ. કમિશ્નરને ખાસ તાકીદ કરી હતી તેમજ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે ઉપવાસ કરવાની ચેતવણી આપી હતી તેમ છતાં સમસ્યાનું સમાધાન થયુ નથી.

દેશના ગૃહમંત્રીને નાના પ્રશ્નો માટે ફોન કરવો પડે તે અત્યંત શરમજનક બાબત છે તેમ જણાવતા મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્રમક રજુઆત કરતા શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. શહેરના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ માટે ૧૭-૧૭ વર્ષથી માત્ર વાતો જ કરવામાં આવી રહી છે.

થોડા દિવસો અગાઉ રૂા.૧ર૦૦ કરોડના ખર્ચથી કેનાલ ડેવલપ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં રૂા.૪૦૦ કરોડની લોન વર્લ્ડ બેંક તરફથી આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ વર્લ્ડ બેંકની શરતો પૂર્ણ કર્યા પહેલા જ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેના કારણે વર્લ્ડ બેંકે લોન આપવાની ના પાડી છે.

કેનાલ ડેવલપમેન્ટની જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી છે તેવા આક્ષેપ પણ તેમણે કર્યા હતા. ખારીકટના વિકાસ માટે સરકાર તરફથી મદદ કરવામાં આવશે તેવા સતાધારી પાર્ટીના દાવા પોકળ છે. મ્યુનિ. કોર્પોરેશનને ૭૦ઃર૦ઃ૧૦ તથા ઓકટ્રોયના હક્ક ના નાણા સરકાર આપતી નથી ત્યારે રૂા.૧ર૦૦ કરોડ કેવી રીતે આવશે ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.

જાસપુર વો. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચાલી રહેલા કામમાં થતી કથિત ગેરરીતિ વો. સપ્લાય કમીટીના ચેરમેન દ્વારા ઉજાગર કરવામાં આવી છે તે બદલ તેમને અભિનંદન આપતા વિપક્ષી નેતાએ કહયુ હતુ કે કોંગ્રેસ પક્ષ વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે જેને ભાજપ તરફથી રદિયો આપવામાં આવે છે

પરંતુ ભાજપના જ કોર્પોરેટરે જ કોંગ્રેસ પક્ષ સાચો હોવાનું સાબિત કર્યું છે. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમના દ્વારા રોડ કૌભાંડ બહાર લાવવામાં આવ્યુ હતું હવે ર૦રરની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે વધુ એક ભ્રષ્ટાચાર જાહેર કરીને કોંગ્રેસને મદદ કરી છે તેવા કટાક્ષ તેમણે કર્યાં હતાં.

ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલભાઈ શેખે પણ વોટર સપ્લાય કમીટી ચેરમેનને અભિનંદન આપ્યા હતા તથા જણાવ્યુ હતુ કે પાર્ટીની દરકાર કર્યા વિના તેમણે જે હિંમત દાખવી તે સરાહનીય છે. ઈકબાલભાઈ શેખે મ્યુનિ. હોસ્પીટલોની કથળતી જતી સેવા અંગે રજુઆત કરતા જણાવ્યુ હતું કે શારદાબેન, એલ.જી. અને વી.એસ. હોસ્પીટલ ઈન્ચાર્જ અધિકારીઓ પર નિર્ભર છે.

શારદાબેન અને એલ.જી.ની સેવાઓ અત્યંત ખરાબ છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના ભરોસે જ આ હોસ્પીટલો ચાલી રહી છે. શહેરમાં મેટ્રો સેવા શરૂ થઈ ગઈ છે પરંતુ જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થાય છે તે વિસ્તારમાં રોડ- રસ્તા રીપેર કરવામાં આવ્યા નથી.

રાણીપ બસ સ્ટેશનથી વાડજ, અખબારનગરથી સ્ટેડીયમ, બોટાદ રેલ્વે લાઈનથી જુની હાઈકોર્ટ સહીતના રોડ વિસ્તાર છે મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી રહી છે. કોન્ટ્રાકટરોના પેમેન્ટ થતા ન હોવાથી કામની ગતિ ધીમી પડી છે. ભુતકાળમાં “કેશ ફલો” રહેતો હતો હવે તિજાેરી ખાલી રહે છે તેથી અદાણી ગ્રુપ પાસેથી બાકી ટેક્ષની રીકવરી કરી તિજાેરી ભરવામાં આવે તેવા કટાક્ષ ઈકબાલ શેખે કર્યાં હતાં.

દરીયાપુરના કોર્પોરેટર અને કોંગ્રેસ શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષીએ મધ્યઝોનમાં સફાઈ અને પ્રદુષિત પાણીની સમસ્યાઓ અંગે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે કોટ વિસ્તારમાં સફાઈ કામદારોની “બીટ” વર્ષો અગાઉ તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ તેમાં કોઈ જ સુધારા કરવામાં આવ્યા નથી,

નદીના બ્રીજાે પર ધાર્મિક વસ્તુઓ એકત્રિત કરવા માટે કળશ મુકવામાં આવ્યા છે પરંતુ તે નિયમિત ખાલી થતા નથી, કોટ વિસ્તારની પોળોના કોમન ટોઈલેટમાં બારણાના મિજાગરા, સ્ટોપર કે નકુચા જેવી નાની બાબતો પણ રીપેર કરવામાં આવતા નથી. મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે તેમ છતાં યોગ્ય રીતે ફોગીંગ કે દવા છંટકાવ કરવામાં આવતા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.