Western Times News

Gujarati News

2440 કરોડના ખર્ચે ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે બનશેઃ ગુજરાતના 15 જિલ્લામાંથી પસાર થશે

વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે.

ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને મળશે વિવિધ પ્રોજેક્ટની ભેટ -પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે સાથે જ ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ જીલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે.

ક્યા જીલ્લાને મળશે કેટલા વિકાસકાર્યોની ભેટ?

જૂનાગઢ- જૂનાગઢમાં આગામી સમયમાં અનેક સુવિધાઓનો વધારો થશે જેમાં વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.  ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની ₹834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ

વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. આ કામગીરી 3 તબક્કામાં કરવામાં આવશે. આ કોસ્ટલ હાઈવેથી દરિયાઈ સુરક્ષા માટેની કામગીરીમાં સુગમતા આવશે

અને રાજ્યના 1600 કીમીના દરિયાકાંઠા પર આવેલા ગામોને સીધુ જોડાણ મળશે. માછીમારી પર નભતા કુટુંબોને સારી કનેક્ટીવીટી મળશે જેથી મત્સ્ય ઉદ્યોગના વિકાસને વેગ મળશે. આ હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો જેવા કે દમણ, તિથલ, સોમનાથ, માધવપુર બીચ, દ્નારકા,બેટ- દ્વારકા, કંડલા મુદ્રા, માંડવી જેવા સ્થળોને જોડશે જેનાથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.

પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ પોરબંદરની સૌથી મોટી સરકારી આરોગ્ય સુવિધા બનવા જઈ રહી છે જે ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી બનશે. ખાસ કરીને પોરબંદર જીલ્લાના અંતરીયાળ નેસ વિસ્તારના લોકો માટે સુવિધાયુક્ત બની રહેશે.

GMERS મેડિકલ કોલેજથી પોરબંદર જીલ્લાના 700 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જીલ્લામાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે. હાલમાં આ મેડિકલ કોલેજમાં 330 બેડની સુવિધા છે જે વધારીને 600 બેડની કરવામાં આવશે. સાથે જ અહીં જનરલ સર્જરી, ઈમર્જન્સી, ઓર્થોપેડિક, બાળરોગ, ગાયનેકોલોજી, પોથોલોજી જેવા અનેક વિભાગો અને સેવાઓનો ઉમેરો કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.