Western Times News

Gujarati News

ધોનીએ આયકર વિભાગમાં એડવાન્સમાં ૧૭ કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો

મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતનો સૌથી સારો ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની ફક્ત રમતના મેદાનમાં જ નહીં, પણ પૈસા કમાવામાં પણ નસીબનો ધની છે. આવું એટલા માટે કે, ધોનીએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાં દર વર્ષે સારો વધારો દર્શાવ્યો છે અને તે દર વર્ષે કમાણીના મુદ્દે આગળ વધી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટારમેન્ટ લીધા બાદ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની કારોબારની દુનિયામાં પણ કામિયાબીની સીડી ચઢી રહ્યો છે. બિઝનેસ વેન્ચરના વિસ્તાર સાથે જ તેની પ્રાઇવેટ ઇનકમમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફાઇલ તેનું પ્રમાણ આપે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ક્વાર્ટર એટલે કે, એપ્રિલથી ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં આયકર વિભાગમાં એડવાન્સમાં ૧૭ કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે. પાછલા નાણાંકીય વર્ષમાં આ અવધિમાં તેણે ૧૩ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.

સામાન્ય રીતે એ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, આ નાણાંકીય વર્ષની સમાપ્તિ સુધીમાં તેની આવકમાં લગભગ ત્રીસ ટકાનો વધારો નોંધાઇ શકે છે.

તેણે વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઇનકમ ટેક્સ વિભાગમાં ૩૮ કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો હતો. એટલે કે, આ વર્ષે તેની કુલ આવક ૧૩૦ કરોડની આસપાસ રહી છે. આ પહેલા એટલે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં તેણે ૩૦ કરોડ રૂપિયાની આસપાસ ટેક્સ ચૂકવ્યો હતો.

હજુ પાછળ જઇએ તો વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૧૮-૧૯માં ૨૮ કરોડ રૂપિયાની રકમ આવકવેરા તરીકે ચૂકવી હતી. ઇનકમ ટેક્સના આંકડા અનુસાર, ૨૦૧૭-૧૮માં તેણે ૧૨.૧૭ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૧૦.૯૩ કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવ્યો હતો. ઇનકમ ટેક્સ વિભાગના આંકડા અનુસાર, ધોનીએ જ્યારથી ઇન્ટરનેશનલ ક્રિકેટના કરિયરની શરૂઆત કરી, ત્યારથી સતત ઝારખંડમાં ઇન્ડીવિજ્યુઅલ કેટેગરીમાં તે સૌથી મોટો કરદાતા છે.

૧૫મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી પ્લેયર તરીકે દૂરી બનાવ્યા બાદ ધોની બિઝનેસની પિચ પર પણ શાનદાર ઇનિંગ રમી રહ્યો છે. જાેકે, ક્રિકેટર તરીકે આઇપીએલ સાથે તેણે સંબંધ તોડ્યો નથી.

પૂર્વ ભારતીય કેપ્ટને કેટલીક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. સ્પોર્ટ્‌સ વેર, હોમ ઇન્ટીરિયરની કંપની હોમલેન, જૂની કારોનું ખરીદ વેચાણ કરતી કંપની કાર્સ ૨૪, સ્ટાર્ટઅપ કંપની ખાતાબુક, બાઇક રેસિંગ કંપની, સ્પોર્ટ્‌સ કંપની રન એડમ, ક્રિકેટ કોચિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ તેણે રોકાણ કર્યું છે.

રાંચીમાં તે લગભગ ૪૩ એકર ભૂમિમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરાવે છે. હાલમાં તેણે ગરૂડા એરો સ્પેસ નામની ડ્રોન ઉત્પાદન કરતી કંપનીમાં પણ રોકાણ કર્યું છે.

બેંગલોરમાં એમ એસ ધોની ગ્લોબલ સ્કૂલની શરૂઆત પણ આ જ વર્ષે થઇ છે. એ સિવાય ધોની અને તેની પત્ની સાક્ષીએ મળીને ધોની એન્ટરટેઇનમેન્ટ નામની ફિલ્મ પ્રોડક્શન કંપની પણ શરૂ કરી છે. આ કંપનીએ તામિળ ભાષામાં પહેલી ફિલ્મ બનાવવાનું પણ એલાન કર્યું છે, જેનું નિર્દેશન રમેશ થામિલમણિએ કરશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.