Western Times News

Gujarati News

શહેરના રસ્તા પર આડેધડ દોડતાં રખડતાં ઢોરઃ કેટલા ભોગ લઈ તંત્રનું ખપ્પર ભરાશે ?

(એજન્સી) અમદાવાદ, રખડતાં ઢોરના મામલે ન્યાયપાલિકા ગમે એટલી લાલ આંખ કરે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી, જેનો જીવતો- જાગતો પુરાવો વાડજ સર્કલ પર મળી આવ્યો છે. વાડજ સર્કલ પાસે રસ્તા પર દોડતી ગાયોના ટોળાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે તે જાેતા લાગી રહ્યું છે કે પશુપાલકો વિરુદ્ધની કામગીરી માત્ર નામ પૂરતી હોય છે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મોતને ભેટી શકે છે. ગાયો જે રીતે દોડી રહી છે તેના કારણે વાહનચાલકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે.

અમદાવાદીઓ હવે શહેરના રસ્તાઓ પર આડેધડ દોડતાં- રખડતાં ઢોરથી ત્રાસી ગયા છે અને એક ચર્ચાએ જાેર પકડ્યું છે કે આખરે કેટલા નિર્દોષોનો ભોગ લીધા બાદ તંત્રનું ખપ્પર ભરાશે ? રાજયમાં દિવસે ને દિવસે રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. સતત ઢોરની અડફેટના કારણે અનેક પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવે છે ત્યારે તાજેતરમાં અમદાવાદમાં ગાયની અડફેટના કારણે ૩૯ વર્ષીય ભાવિન પટેલના મૃત્યુની ઘટના સામે આવી હતી. આ પહેલા રાજયના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટમાં લીધા હતા.

ઢોરની અડફેટે વાહનચલાકો તેમજ રાહદારીઓ આવ્યા હોવાની અનેક ઘટનાઓ અદાવાદ તેમજ રાજયમાં બની રહી છે. રખડતાં ઢોર પર અંકુશ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને પશુપાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સુચના આપતા પોલીસ તેમજ કોર્પોરેશન એકશન મોડ પર આવી ગયા છે. છેલ્લા બે મહિનામાં પોલીસે ૧પ૦થી વધુ પશુપાલકો વિરુદ્ધ કેસ દાખલ કરીને ૮૦થી વધુ ઢોરને પાંજરે પૂર્યા છે.

પોલીસ તેમજ કોર્પોરેશનના અધિકારીઓની કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વધુ એક ભાવિન પટેલનો ભોગ લેવાય તેની રાહ જાેવામાં આવી રહી છે. આજે પણ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઠેરઠેર જાેવા મળી રહ્યો છે. ટ્રાફિકથી ભરચક ગણાતા વાડજ સર્કલ પર ગાયોનું ટોળું રીતસર દોડી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. રાતે જયારે વાડજ સર્કલ પર લોકોની અવરજવર હતી, બીજી બાજુ પોલીસ સ્ટેન્ડ બાય હતી ત્યારે ગાયો એકાએક દોડી આવી હતી.

ગાયનું ટોળું દોડતાંની સાથે જ વાહનચાલકો ગભરાઈ ગયા હતા અને કેટલાક લોકોએ તો પોતાના સ્ટિયરિંગ પરથી કાબુ પણ ગુમાવી દીધો હતો. ગાયો દોડતી-દોડતી વાડજ સર્કલ ક્રોસ કરી ગઈ હતી ત્યારબાદ રામાપીરના ટેકરા પર જતી રહી હતી. દોડતી ગાયોના કારણે વાડજ સર્કલ પર અકસ્માત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના પોલીસ સામે થઈ હોવા છતાંય તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં અને ચૂપચાપ જાેતા રહ્યા હતા. આ ઘટનાની સીધી જવાબદારી વાડજ પોલીસ સ્ટેશનની આવે છે, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહી.
કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ ગુના દાખલ માત્ર દેખાવ પૂરતા ઃ ઓકટોબર મહિનાના પહેલા જ દિવસે નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ૩૯ વર્ષીય ભાવિન પટેલને અડફેટમાં લીધા હતા. અવની સ્કવેર પાસેના ભેરુનાથ ટી સ્ટોલ સામે બનેલી આ ઘટનામાં ભાવિન પટેલને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

આ ઘટનામાં પોલીસે પહેલી વખત ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખાના જવાબદાર અધિકારી તેમજ પશુપાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટના બાદ શહેરના પૂર્વ વિસ્તારની વધુ એક ફરિયાદમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જાે પોલીસ દ્વારા આવા અધિકારીઓ વિરુદ્ધ ગુના દાખલ કરાય છે તો પછી શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હજુ સુધી ઠેરની ઠેર કેમ છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.