Western Times News

Gujarati News

ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 5 માં ઉમેદવારો જાહેર

નડિયાદમાં ભાજપમાં પંકજભાઈ વધુ એક વાર રીપીટઃ માતરમાં કેસરીસિંહની ટીકીટ કપાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાની ૬ વિધાનસભા પૈકી ૫ વિધાનસભાની બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે તેમના સમર્થકોમા ખુશીની લાગણી ઉઠી છે નડિયાદમાં વધુ એકવાર ભાજપે પંકજભાઈ દેસાઈ ને રિપીટ કર્યા છે

જ્યારે માતર માં ભાજપના સીટીંગ ધારાસભ્ય કેસરી ને કાપી નવા ચહેરાને ટિકિટ આપતા આ બેઠક માટે હવે શું થશે? ભાજપ ગુમાવશે કે જાળવી રાખશે એ પ્રશ્ન મહત્વનો બન્યો છે. હજુ મહેમદાવાદ બેઠક માટે ભાજપ એ ઉમેદવાર જાહેર ન કરી સસ્પેન્ડ યથાવત રાખ્યો છે

ભાજપે આજે જે પ્રથમ યાદી બહાર પાડી છે તેમાં જિલ્લાની ૧૧૫ માતર બેઠક પરથી કલ્પેશભાઈ આશાભાઈ પરમાર, ૧૧૬ નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ વિનુભાઈ દેસાઈ, ૧૧૮ મહુધા વિધાનસભા બેઠક પરથી સંજયસિંહ વિજયસિંહ મહીડા, ૧૧૯ ઠાસરા વિધાનસભા બેઠક પરથી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને ૧૨૦ કપડવંજ વિધાનસભા બેઠક પરથી રાજેશભાઈ મગનભાઈ ઝાલાની પસંદગી થઈ છે.

ફક્ત મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. નોંધનીય છે કે જિલ્લાની આ ૬ વિધાનસભાની બેઠકો માટે ૧૦૯ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ૫ની પસંદગી પર ભાજપે મહોર મારી છે.

નડિયાદ વિધાનસભા ઃ ૧૧૬ નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ દેસાઈ રીપીટ થતાં તેમના ટેકેદારો રાજીના રેડ થઈ ગયા છે. સતત ૫ ટર્મથી પંકજભાઈ દેસાઈ અહીંયા કમળના નિશાન પર જીત મેળવી રહ્યા છે ત્યારે આ છઠ્ઠી ટર્મમા રીપીટ કરવામાં આવ્યા છે. પંકજભાઈ દેસાઈ પોતે વિધાનસભામાં સતત મુખ્ય દંડક તરીકે સેવાઓ આપી રહ્યા છે.

તેઓ રસાયણશાસ્ત્ર સુધીનો અભ્યાસ ધરાવે છે. વ્યવસાયે ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. રાજકીય કારકિર્દી જાેઈએ તો, દશમી ગુજરાત વિધાનસભા ૧૯૯૯-૨૦૦૨, અગિયારમી ગુજરાત વિધાનસભા ૨૦૦૨-૨૦૦૭, બારમી ગુજરાત વિધાનસભા ૨૦૦૭-૨૦૧૨, સરકારના મુખ્યદંડક ૨૫ ઓગસ્ટ ૨૦૧૦થી ૨૦ ડિસેમ્બર ૨૦૧૨, તેરમી ગુજરાત વિધાનસભા સભ્યપદે ચૂંટાયા

(ચોથી ટર્મ), બારમી અને તેરમી ગુજરાત વિધાનસભામાં ૨૫ ઓગષ્ટ, ૨૦૧૦થી ૨૦મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી મુખ્ય દંડક પદે તેમજ ચૌદમી ગુજરાત વિધાનસભામાં ૨૬મી ડિસેમ્બર ૨૦૧૭થી મુખ્ય દંડક પદે કાર્યરત. ભાજપમાં પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ વિધાનસભા બેઠક પરથી આ વખતે ૧૧ વ્યક્તિઓ લોબીમાં હતા. પાટીદારોનુ વર્ચસ્વ રહી ચૂકેલી આ બેઠક પર સતત કમળ ખીલતું રહ્યું છે.

મહુધા વિધાનસભા: મહુધા વિધાનસભા બેઠક પરથી ભાજપે ક્ષત્રિય ઉમેદવાર સંજયસિંહ વિજયસિંહ મહિડાને ટીકીટ આપી છે. તેઓ ઘણા વર્ષોથી રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી છે. સંજયસિંહ મહિડા પોતે હાલ નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત છે.

અહિયાં ક્ષત્રિયોનું વર્ચસ્વ હોવાથી ભાજપે સારી રણનીતિ અપનાવી છે. જાેકે ગત ટમમા પણ ભાજપે અહીયા ક્ષત્રિય ઉમેદવાર પંસદગ કર્યો હતો આમ છતાં પણ ભાજપ અહીયા આ બેઠક મેળવી શકી નહોતી. અહીયા ભાજપની લોબીમાં દાવેદારો માં ૨૩ વ્યક્તિઓ હતા જેમાંથી સંજયભાઈ મહીડાની પસંદગી થઈ છે.

ઠાસરા વિધાનસભા ઃ ઠાસરા વિધાનસભામા બેઠક પર ભાજપે યુવા ઉમેદવારની પસંદગી કરી છે. જેમાં અહીયાના પીઢ અગ્રણી અને અમૂલ ડેરીના ચેરમેન એવા રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહને આ બેઠક પરથી ટીકીટ આપી છે. યોગેન્દ્રસિંહ પોતે અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ ઠાસરા એપીએમસીના ચેરમેન તથા કેડિસીસી બેન્ક નડિયાદના ડીરેક્ટ પદે છે.

અહીંયાથી યુવાનને ટીકીટ આપતા તેમના સમર્થકોમા ખુશીની લહેર છવાઈ છે. મહત્વનુ છે કે તેમની સાથે ૧૯ વ્યક્તિઓ લોબીમા હતાં જેમાંથી યોગેન્દ્રસિહની પસંદગી થઈ છે. આ બેઠક પણ ક્ષત્રિયોનુ જાેર છે.

કપડવંજ વિધાનસભા ઃ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી કપડવંજ વિધાનસભાની જાે વાત કરીએ તો ભાજપે અહીયા કોંગ્રેસમાથી પક્ષ પલટો કરી આવેલા રાજેશભાઈ મગનભાઈ ઝાલાને ટીકીટ આપી છે. તેમની રાજકીય કારકિર્દી જાેઈએ તો તેઓ અગાઉ કોંગ્રેસ પક્ષમા હતા અને જિલ્લા પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. અહીયા તેમની સાથે ૩૦ લોકો લોબીમાં હતા અને આમ આ વખતે ભાજપે તેમની કદર કરી કપડવંજ વિધાનસભા બેઠક માટે પસંદગી કરી છે.

માતર વિધાનસભા ઃ માતર બેઠક પરથી નવો ચહેરો ભાજપે ઉતાર્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં વિવાદીત રહી ચૂકેલા અહીયાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની આ વિધાનસભામા ટીકીટ કપાઈ ચૂકી છે. ભાજપે અહીયા માતર તાલુકાના ભલાડા ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂકેલા કલ્પેશભાઈ પરમારને ટીકીટ આપી છે.

એક સામાન્ય વ્યક્તિની પસંદગી થતાં તેમના ટેકેદારોમા ખુશીની લહેર ઉઠી છે. અહીયા તેમની સાથે ૧૯ વ્યક્તિઓ લોબીમાં હતા જેમાંથી કલ્પેશભાઈ પરમારની પસંદગી થઈ છે. મહત્વનું છે કે આ બેઠક ફર ક્ષત્રિયનો દબદબો રહ્યો છે.

માતરમાં સીટીંગ ધારાસભ્યને પડતા મુકાયા ઃ ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમા માતર વિધાનસભા બેઠક પરથી કેસરીસિંહ સોલંકી કપાઈ ચૂક્યા છે. તેઓ અવારનવાર ભાજપ પક્ષમાં તથા અન્ય રીતે વિવાદમાં રહી ચૂક્યા હતા. સતત બે ટર્મથી તેઓ આ બેઠક પરથી જીતતા આવ્યા હતા આ વખતે પણ તેમણે દાવેદારી નોંધાવી હતી પરંતુ પક્ષે નવા ચહેરો ઉતારી દીધો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.