Western Times News

Gujarati News

આર્થિક મંદી વચ્ચે ગુજરાતમાં ૧૮,૩૨૫ કરોડનું મૂડીરોકાણ

ગાંધીનગર: આર્થિક મંદીના સંકેતો વચ્ચે પણ ગુજરાતે એફડીઆઈ સ્વરુપમાં ૧૮૩૨૫ કરોડ રૂપિયા આકર્ષિત કર્યા છે. મંદીની વાતો વચ્ચે આ પ્રકારની જંગી રકમ મૂડીરોકાણકારો તરફથી મળી છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ગુજરાતમાં ૧૮૩૨૫ કરોડ રૂપિયા વિદેશી મૂડીરોકાણ તરીકે મળ્યા છે.

આ રકમ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં ૧૩૪૫૭ કરોડ રૂપિયાના કુલ એફડીઆઈ પ્રવાહ કરતા ખુબ વધારે રકમ છે. આની સાથે જ મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ પણ રોકાણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્યમાં એફડીઆઈ પ્રવાહ યથાવતરીતે જારી રહ્યો છે. એપ્રિલથી જૂન ૨૦૧૯ વચ્ચેના ગાળામાં નજર કરવામાં આવે તો ગુજરાતમાં એફડીઆઈ કરનાર કુલ ૪૫૦ કંપનીઓ પૈકીની ૧૨૪ કંપનીઓએ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રોકાણ કર્યું હતું. રાજ્ય સરકારના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, એફડીઆઈ નાણાંકીય વર્ષના અંત સુધી ૫૦૦૦૦ કરોડથી વધુ રહી શકે છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ મંદીની વાતો વચ્ચે આ જંગી રોકાણના આંકડા ગુજરાતની એફડીઆઈ મામલે ખુબ સારી સ્થિતિને  દર્શાવે છે. રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફડીઆઈ પ્રવાહમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ ઉલ્લેખનીય વધારો છે.

જુદા જુદા દેશોની કંપનીઓ દ્વારા એફડીઆઈ પ્રવાહ આવ્યો છે જે પૈકી હોંગકોંગ, સિંગાપોર, યુએઇ, બ્રિટન, અમેરિકા, નેધરલેન્ડ, ઇઝરાયેલની કંપનીઓ તરફથી મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે. ૨૮ દેશોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે જે આંકડો પણ વધેલો નજરે પડે છે. વધુ કેટલાક દેશો ગુજરાતમાં મૂડીરોકાણને વધારવા ઇચ્છુક દેખાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.