Western Times News

Gujarati News

અમદાવાદનાં પોલીસ સ્ટેશનોમાં ૩,૭૪ર હથિયાર જમા લેવાયાં

પ્રતિકાત્મક

હથિયારનાં ૧૦૦ લાઈસન્સ રદ કરી જપ્ત કરાયાં: ૧,ર૩પ લોકોને હથિયાર જમા કરવામાંથી મુક્તિ અપાઈ

(એજન્સી) અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા લાઈસન્સ ધરાવતાં હથિયારધારકો પાસેથી હથિયાર જમા કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં કુલ ૩,૭૪ર હથિયાર જમા લીધા છે.

જેમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જાેડાયેલા ત્રણ હથિયાર જપ્ત કર્યાં છે. વિધાનસભા, લોકસભા કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે લાઈસન્સધારકો પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવતાં હોય છે. ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયા બાદ લાઈસન્સ ધારકો હથિયારને પોલીસ સ્ટેશનથી લઈને આવતા હોય છે.

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં અસલામતીનો અનુભવ કરી રહેલા લોકો પોલીસ પાસે સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરી રહ્યા છે. જયારે જયારે શહેરમાં ચૂંટણીનો રંગ જામે ત્યારે હથિયાર લઈને ફરતા લોકોનાં મોં પડી જાય છે કારણ કે નિયમ મુજબ તેમને પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવા પડે છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ૩,૭૪ર હથિયાર જમા થયા છે.

પાંચ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે જેના કારણે ચૂંટણી જીતવા માટે તમામ ઉમેદવારો એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે. ચૂંટણી રકતરંજિત થાય નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને ગુનેગારો તેમજ ટપોરી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસ એલર્ટ છે ત્યારે પરવાનાવાળા હથિયાર લઈને ફરતા ધારકો માટે પણ કેટલાક નિયમો બનાવ્યા છે. જયારે જયારે શહેરમાં ચૂંટણી આવે ત્યારે તમામ લાઈસન્સધારકોએ પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો નિયમ વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ સ્થિતિ યોજાય, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારને હથિયારો સાથે લઈને હરવા ફરવા પર પ્રતિબંધ મુકયો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે હથિયારને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હથિયાર લાઈસન્સધારકોએ પોતાના હથિયાર જેવાં કે ગન, રાઈફલ, પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના આદેશ કર્યા હતા.

જાહેરનામા બાદ શહેર પોલીસ દ્વારા લાઈસન્સવાળા હથિયારધારકો પાસેથી હથિયાર જમા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ ૩,૭૪ર હથિયાર જમા લીધા છે. જેમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જાેડાયેલાં ત્રણ હથિયાર જપ્ત કર્યાં હતાં. તેમજ ૧૦૦ હથિયારના લાઈસન્સ રદ કરી જપ્ત કર્યાં હતા. હથિયાર રાખવાની મંજૂરી મેળવેલ ૧,ર૩પ લોકોને જમા કરાવા પર મુક્તિ આપી છે.

અમદાવાદ શહેરમાં કુલ પ,૦૮પ લાઈસન્સવાળા હથિયાર રજિસ્ટર થયેલા છે. સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે પ,૦૮પ લોકો લાઈસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં ૩,૭૪ર હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે.

જયારે પાંચ હથિયાર જમા કરવાનું પેન્ડિંગ છે. હાલમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદે હથિયાર પકડવાની સાથે લાઈસન્સધારકોના હથિયાર જમા કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

રિવોલ્વર, પિસ્તોલ, બંદૂક જેવા હથિયારનો હાલ પોલીસ સ્ટેશનમાં ભરાવો થઈ ગયો છે. જેને સાચવવાની જવાબદારી પોલીસની છે. નેશનલ અને ઈન્ટરનેશનલ શુટિંગ માટે ઈશ્યૂ થયેલાં હથિયારને બાકાત રાખવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.