Western Times News

Gujarati News

સોજીત્રા બેઠક પાટીદારથી વંચિત રહેશે? : ભાજપ -કોંગ્રેસ માટે અસ્તિત્વનો ખેલ

બન્ને પક્ષોએ ઉમેદવારો સતત ત્રીજી વખત રિપીટ કર્યા

જીલ્લાની ૧૧૪ સોજીત્રા વિધાનસભા બેઠક ઉપર અત્યારસુધીમાં ક્યારેય પાટીદાર ધારાસભ્ય બની શક્યા નથી. વર્ષ ૧૯૭રથી સોજીત્રા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યારસુધીમાં ૧૧ ચૂંટણીઓ યોજાઈ છે જે પૈકી ૭ વખત કોંગ્રેસ અને ચાર વખત ભાજપ જીત્યું છે.

આ બેઠક ઉપર કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી યોગેન્દ્ર મકવાણાના પરિવારનો દબદબો રહ્યો છે. તેઓના પત્ની શાંતાબેન મકવાણા બે વખત અને પુત્ર ભરતભાઈ મકવાણા એક વખત ધારાસભ્ય બનવાનો સ્વાદ લઈ ચુક્યા છે. ભાજપની વાત કરીએ તો જનાર્દન અને ઈન્દ્રનાથ પરમાર બંધુઓ બે વખત અને અંબાલાલ રોહિત પણ બે વખત ધારાસભ્ય બન્યા છે.

હવે ચાલુ વર્ષની ચૂંટણીમાં જાેવાનું એ રહેશે કે વિપુલભાઈ પટેલ વિજયી થઈ ઈતિહાસ રચે છે કે આ બેઠક ફરી એકવાર પાટીદારથી વંચિત રહે છે ?

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની સોજીત્રા વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા સતત ત્રીજી વખત ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ જીત મેળવી બેઠક જાળવી રાખવા પ્રયત્નશીલ છે. જ્યારે ભાજપ આ બેઠક આંચકી લેવાના મુડમાં છે.

ગત બે વખતની ચૂંટણીમાં ખુબ જ ઓછી સરસાઈ રહેતી હોવાને કારણે ભારે રસાકસી વાળી બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જાે કે મતદારોનું અકળ મૌન બન્ને ઉમેદવારોને મુઝવી રહ્યા છે.

આણંદ જીલ્લાના છેવાડે તથા ખેડા જીલ્લાને અડી સોજીત્રા વિધાનસભા બેઠક આવેલ છે. જેમા ખેડા જીલ્લાના વસો તાલુકામાંથી ત્રણ ગામડા આ બેઠકમાં સમાવેશ થાય છે. જ્યારે આણંદ જીલ્લાના સોજીત્રા, તારાપુર અને પેટલાદ તાલુકાના ગામડાઓ પણ સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે.

સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મતદારો મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. જીલ્લાની સૌથી મોટી સોજીત્રા વિધાનસભા બેઠકમાં કુલ ૮૩ ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકના સોજીત્રાથી તારાપુર ચોકડી થઈ ગલિયાણા સુધીનો મત વિસ્તાર અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે.

ખાસ કરીને તારાપુર તાલુકાના છેવાડે અને સાબરમતી નદીના પટ પાસે આવેલ ગામડાઓને વરસાદી પાણીના નીકાલનો પ્રશ્ન વર્ષોથી પડતર છે. ઉપરાંત ઉનાળામાં પીવા માટેના પાણી તથા ખેતી વિષયક પાણી માટે વલખા મારવા પડે છે. તેમાય વાસદ બગોદરા સિક્સ લેન હાઈ – વે બનવાને કારણે સુવિધા સાથે કેટલીક સમસ્યાઓ પણ સ્થાનિક ગ્રામજનોને હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આ સમગ્ર મત વિસ્તારમાં ખાસ કોઈ રોજગારી માટેના ઉદ્યોગો નથી.

સોજીત્રાની જીઆઈડીસી વિકાસથી વંચિત છે. જ્યારે સોજીત્રાના સ્થાનિક બજારો મંદીના વમળમાં સપડાયેલા છે. સોજીત્રા વિધાનસભા બેઠક હોવા છતા શહેરનો વિકાસ કઈ ખાસ જાેવા મળતો નથી. નગરપાલિકાની કામગીરીથી પણ નગરજનોમાં જાેઈએ તેટલો સંતોષ નહી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

જેને કારણે જ સત્તા સ્થાને ભાજપ હોવા છતા તેમના જ કેટલાક સભ્યોમાં થોડા સમય અગાઉ અસંતોષ ઉભરી આવ્યો હતો. સોજીત્રામાં રોજગારી ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકાસથી વંચિત છે. સોજીત્રા અને તારાપુર ઉપરાંત ભાલ વિસ્તારના વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસ માટે વિદ્યાનગર, આણંદ જેવા શહેરોમાં જતા હોય છે.

ટ્રાન્સપોર્ટેશન સુવિધાની વાત કરીએ તો સોજીત્રામાથી નેરોગેજ રેલ્વેની ટ્રેન નડિયાદ થી ભાદરણ આવ-જા કરતી હતી. બાપુના નામે ચાલતી આ ગાડી છેલ્લા ઘણા વર્ષોથી બંધ થઈ ગયેલ છે. નેરોગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા કેન્દ્ર સરકાર દ્વારા સર્વે ઘણા વર્ષોથી થઈ ગયેલ છે.

પરંતુ સ્થાનિક નેતાગીરી વામણી હોવાને કારણે પરિણામ શૂન્ય છે. ખેતીવાડી સંદર્ભે સોજીત્રાની એપીએમસી કરતા તારાપુર એપીએમસીનો વેપાર ખુબ સારો છે. આમ જાેવા જઈએ તો સોજીત્રા કરતા તારાપુર તમામ ક્ષેત્રે આગળ છે. છતા સોજીત્રા નગરપાલિકા ધરાવે છે, જ્યારે તારાપુરનો વહિવટ હજી પણ ગ્રામ પંચાયત હસ્તક છે.

ઉપરાંત વાસદ બગોદરા સિક્સ લેન હાઈ-વે ઉપરથી તારાપુર પસાર થતુ હોવાને કારણે હોટલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. આ હાઈ-વે ઉપર અને સોજીત્રા વિધાનસભામાં સમાવેશ થતા હોય તેવા પેટલાદ તાલુકાના પણ ૧પ જેટલા ગામડા આવે છે. આ હાઈ – વે ઉપર પણ વારંવાર નાના-મોટા અકસ્માતોની સમસ્યા સ્થાનિક રહિશો માટે માથાના દુખાવા સમાન છે.

તાજેતરમાં આ હાઈ-વે ઉપરથી પસાર થતા કણીયા ગામના રહીશોએ અન્ડર પાસ માટે ચૂંટણીનો બહિષ્કાર કરવાનુ પણ એલાન કર્યું છે. આવા અનેક પ્રશ્નો અને સમસ્યાઓથી સોજીત્રા વિધાનસભા મત વિસ્તાર ઘેરાયેલો છે. જેને કારણે આ બેઠકના મતદારો હવે સર્વાંગી વિકાસ ઝંખી રહ્યા છે.

તો શું ભાજપ કે કોંગ્રેસના જે પણ ઉમેદવાર ધારાસભ્ય બનશે તે મતદારોની માંગણીઓ સ્વિકારી સંતોષકારક વિકાસ કરશે ? કે પછી આદત મુજબ પાંચ વર્ષ બાદ ફરીથી માત્ર મત લેવા મત વિસ્તાર ઘમરોળશે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.