Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેરઃ ર૩૯પ કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા

ર૦ર૦ની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં ૬૦૦ ટકાનો વધારો

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસો વધ્યા છે. સાથે સાથે જીવલેણ કહી શકાય તેવા ડેન્ગ્યુના કેસો પણ વધ્યા છે. છેલ્લા બે મહીનામાં ડેન્ગ્યુના બે શંકાસ્પદ મૃત્યુ થયા છે ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના ત્રણ મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીસેમ્બર મહિનાની શરૂઆતમાં જ ઝાડા ઉલ્ટીના ૪૭, કમળાના પ૬, ટાઈફોઈડના ૬૦ જેટલા કેસો નોંધાયા છે.

ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ચાલુ વર્ષ દરમ્યાન ૩ ડીસેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના ૬ર૮ર, ટાઈફોઈડના ૨૮૩૩ અને કમળાના ૨ર૪૮ તેમજ કોલેરાના ૩૪ કેસ નોંધાયા છે. ડીસેમ્બરના પ્રથમ ત્રણ દિવસમાં જ ડેન્ગ્યુના ૩૮, મેલેરિયાના ૩, ચિકનગુનિયાના ૨ કેસો નોંધાયા છે.

ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ ૨૩૯પ તેમજ ચિકનગુનિયા ના ૨૬૮ કેસ સાદા મેલેરીયાના ૧ર૩ર તેમજ ઝેરી મેલેરિયાના ૧પ૪ કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઓગસ્ટ મહીનામાં ડેન્ગ્યુના રપ૬ કેસ અને ૧ મૃત્યુ નોંધાયું હતું

જેની સરખામણીએ સપ્ટેમ્બરમાં લગભગ ચાર ગણા કેસ કન્ફર્મ થયા હતાં. સપ્ટેમ્બરમાં ૯૬૯ અને એક મરણ તેમજ ઓકટોબમાં ૬ર૦ અને ૧ મરણ કન્ફર્મ થયા છે. ડીસેમ્બરના પ્રથમ ત્રણ દિવસમાં જ ડેન્ગ્યુના ૩૮ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે

ચાલુ વર્ષે ર૦ર૦ની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં લગભગ છ ગણો વધારો થયો છે. ર૦ર૦માં ડેન્ગ્યુના માત્ર ૪૩ર કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ર૩૯પ કેસ કન્ફર્મ થઈ ચુકયા છે. શહેરમાં ડેન્ગ્યુની સાથે સાથે સ્વાઈનફલૂના કેસ પણ વધી રહયા છે. ઓગસ્ટ મહિનામાં સ્વાઈનફલૂના ૭૩૮ કેસ અને ૬ મરણ, જયારે સપ્ટેમ્બર મહિનામાં ર૮૩ કેસ અને ૭ મરણ કન્ફર્મ થયા હતાં. સ્વાઈનફલૂના ૧૧૩પ કેસમાં ૬૬પ પુરૂષો અને ૪૭૦ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી નવેમ્બર મહિનાના અંત સુધી ૮૪૦૬૭ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જેમાં ૪૬૦ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. શહેરના શ્રમજીવી કહી શકાય તેવા દાણીલીમડા, બહેરામપુરા, વટવા, અમરાઈવાડી, રામોલ, સરસપુર, ગોતા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસની સંખ્યા વધારે જાેવા મળે છે.

જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ર૧૪૬ર૭ ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.