Western Times News

Gujarati News

ગુમાનદેવ રેલ્વે ફાટક રિપેરિંગ કામ માટે ૧૦મીથી ૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે

વાહનોએ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં થઈને અવરજવર કરવાની રહેશે

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઈન પર ગુમાનદેવ નજીક નાના સાંજા ત્રણ રસ્તા પાસેની સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી સદંતર બંધ રાખવામાં આવનાર છે.પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવાયા મુજબ આ રેલવે ફાટક નં.૧૭ પર મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી ઉપરોક્ત ત્રણ દિવસ સુધી આવતા જતા તમામ વાહનો માટે આ રેલવે ફાટક બંધ રહેશે.

વધુમાં જણાવાયા અનુસાર આ ત્રણ દિવસો દરમિયાન અંકલેશ્વર ભરૂચ તરફથી ઝઘડિયા તરફ આવવાવાળા વાહનો દઢાલ નજીકથી તેમજ બોરોસિલ કંપની નજીકથી ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.જ્યારે ઝઘડિયાથી જવાવાળા વાહનોએ પણ ઝઘડિયાની વાલિયા ચોકડીથી જીઆઈડીસી વિસ્તારમાં થઈને જવાનું રહેશે.આ અંગે રેલ્વે વિભાગ દ્વારા ભરૂચ જીલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર થી વાયા ઝઘડિયા થઈ રાજપીપળા જતી બ્રોડગેજ રેલ્વે જે દિવસમાં એક વખત આવતી હતી તે કોરોના કાળ બાદ સદંતર બંધ કરી દેવામાં આવી છે તેમ છતાં ફાટક રીપેરીંગ કરવા બાબતે ત્રણ દિવસ સુધી સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે જેના કારણે હજારો પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને રાજપીપળા ઝઘડિયા થી અંકલેશ્વર ભરૂચ તરફ જવા ૬ થી ૮ કિલોમીટરનો ફેરવો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.