Western Times News

Gujarati News

મહેસાણા-બેચરાજી હાઈવે પર છોટા હાથી સાથે બાઈક અથડાતા બે મિત્રોના મોત

હાલમાં યુવકની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, તેમજ પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે

મહેસાણા, મહેસાણા-બેચરાજી હાઈવે પર છોટા હાથી સાથે બાઈક અથડાતા બે મિત્રોના ઘટનાસ્થળે મોત થયા હતા. માર્ગ અકસ્માતમાં બલોલ ગામના બે યુવકો મોતને ભેટ્યા હતા.

આજે સવારે યુવકો બાઈક પર સવાર થઈ મહેસાણા ખાતે બાઈકનો હપ્તો ભરવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન એક છોટા હાથી સાથે અકસ્માત સર્જાતા બન્નેના મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મહેસાણાના બલોલ ગામમાં રહેતા ઠાકોર શિવાજી ભીખાજી ઉંમર ૩૬ વર્ષ અને ઠાકોર પવનજી અમુરત જી ઉંમર ૨૩ વર્ષ બન્ને યુવકો આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ગામથી બાઈક પર સવાર થઈ મહેસાણા આવી રહ્યા હતા. આ દરમિયાન બેચરાજી-મહેસાણા હાઇવે પર આવેલા બલોલ મીઠા ગામ વચ્ચે છોટા હાથી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

જેથી બન્ને મિત્રો રોડ પર પટકાતા લોહીલુહાણ બન્યા હતા. અકસ્માતમાં ગંભીરરીતે ઈજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ગામ લોકો અને પોલીસ પાસેથી પ્રાથમિક વિગતો મુજબ નવું બાઈક લીધું હોવાથી બાઈકનો હપ્તો ભરવા મહેસાણા આવી રહ્યા હતા. એ દરમિયાન આ ઘટના બની છે. ત્યારે બીજી બાજુ છોટા હાથીના ડ્રાઇવરને પણ ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ ગામ લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાલમાં યુવકની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.