Western Times News

Gujarati News

Fake News Era: ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ સામે લડવા પત્રકારો માટે કેમ જરૂરી બન્યું ફોરેન્સિક જર્નાલિઝમ?

ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ અત્યંત જરૂરીઃ ડૉ.જે.એમ વ્યાસ, ઉપ કુલપતિ

  • આજના ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝનો મોટો ખતરો! NFSUના વાઈસ ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસે પત્રકારોને આપી સલાહ

  • હવે માત્ર ૮ સેકન્ડમાં જ લોકો ગુમાવી દે છે ધ્યાન! ફેક ન્યૂઝના આ યુગમાં જીતવા માટે ડૉ. જે.એમ. વ્યાસે આપ્યો આ ગુરુમંત્ર

અમદાવાદ, ઇન્ટર-મીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી (IMPCC) બેઠકને સંબોધતા ફોરેન્સિક જર્નાલિઝમના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં NFSUના વાઈસ ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે પત્રકારો કોઈપણ ઘટના સ્થળે પહોંચનારા પ્રથમ પ્રતિસાદ આપનારાઓમાંથી એક હોય છે. તેથી ઘટનાસ્થળેથી મળતી માહિતી, પુરાવા અને તથ્યોની સચોટ સમજણ તથા તેની જવાબદાર રજૂઆત માટે ફોરેન્સિક જર્નાલિઝમનું મહત્ત્વ સતત વધી રહ્યું છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ઇન્ટર-મીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી (IMPCC) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડૉ. જે.એમ. વ્યાસે આગળ જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ અત્યંત જરૂરી બની ગયું છે. ફોરેન્સિક જર્નાલિઝમ પત્રકારોને ઘટનાની હકીકતોને વધુ ચોકસાઈથી સમજવામાં અને સમાજ સમક્ષ વિશ્વસનીય માહિતી રજૂ કરવામાં મદદરૂપ બને છે.

આ સાથે જ તેમણે એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના વખતે મૃતદેહોની ઓળખ માટે NFSU દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, જેમાં માત્ર દસ જ દિવસમાં તમામ 270 મૃતદેહોના ડીએનએ પરિક્ષણ કરવામાં આવ્યા હતાં તે અંગે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી.

આ અવસરે પીઆઈબીના ડાયરેક્ટર જનરલ શ્રી પ્રશાંત પાઠરાબેએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં લોકોનો એકાગ્રતાનો સમય (Attention Span) સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો જ રહ્યો છે. એટલે કે કોઈપણ સંસ્થા કે સંચારકર્તા પાસે લોકોનું ધ્યાન આકર્ષવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે. ફેક ન્યૂઝ, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશનના આ યુગમાં વિશ્વસનીયતા (Credibility) જ સૌથી મોટી સંપત્તિ છે.”

ડિજિટલ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતીના ઝડપી પ્રવાહ વચ્ચે ભ્રામક માહિતીનો પડકાર સતત વધી રહ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે તથ્ય આધારિત, જવાબદાર અને વિશ્વસનીય સંચાર દ્વારા જ જનવિશ્વાસને મજબૂત બનાવી શકાય છે. અસરકારક સંચાર માત્ર સંદેશ પહોંચાડવાનું સાધન નથી, પરંતુ તે લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવાનો અને સંસ્થાની વિશ્વસનીયતા વધારવાનો માર્ગ પણ છે.

બેઠક દરમિયાન, વિવિધ વિભાગો  NFSU, IMD, દૂરદર્શન, આકાશવાણી, ઈએફપીઓ, IOCL, NHAI,ડિફેન્સ પીઆરઓ, ઇસરો, ગુજરાત રાજ્ય માહિતી વિભાગ અને પોસ્ટ વિભાગ વગેરેના પ્રતિનિધિઓએ ‘એક પેડ મા કે નામ’ ની થીમ પર આ મહિનામાં હાથ ધરવામાં આવેલી જાગૃતિ અને પ્રચાર પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. સાથે જ આગામી મહિના દરમિયાન યોજાનારા કાર્યક્રમો, અભિયાનો અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર માટેની કાર્યયોજનાની માહિતી પણ આપી હતી.

બેઠક દરમિયાન અસરકારક સરકારી સંચાર, માહિતી પ્રસારણમાં વિશ્વસનીયતાનું મહત્ત્વ, જનસંપર્ક ક્ષેત્રના બદલાતા પડકારો અને ડિજિટલ યુગમાં જનવિશ્વાસ જાળવવાની વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકે વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાની સાથે અસરકારક અને વિશ્વસનીય સરકારી સંચારને વધુ ગતિ આપવાનો માર્ગ મોકળો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.