Western Times News

Gujarati News

બાળક અને સગર્ભા માતાઓને રસીકરણ હેઠળ આવરી લેવાશે

File

અમદાવાદ : રાજ્યના તમામ બાળકો અને સગર્ભા માતાઓને સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. તેના ભાગરૂપે રાજ્યની મોટી જીઆઈડીસીઓમાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. રાજ્યની પોલીસ લાઇન, હસ્તકલા કારીગરો અને સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાના અગરિયાઓને પણ આ સંપૂર્ણ રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

તેમ આજે ગાંધીનગર ખાતે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંગે યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડા.જેએન સિંધે જણાવ્યું હતું. મુખ્ય સચિવએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા “મિશન ઇન્દ્રધનુષ” નું વર્ષ ૨૦૧૪થી અમલીકરણ કરવામાં આવ્યું છે.

મિશન ઇન્દ્રધનુષનો ઉદેશ દેશના તમામ બાળકોને તેઓના પ્રથમ વર્ષ દરમ્યાન, બે વર્ષથી નાની ઉમરના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. રાજ્યમાં જન્મથી તરૂણાવસ્થા સુધીનું એકપણ બાળક તેમજ સગર્ભા માતા રસીકરણ વિના રહી ન જાય તે જોવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ સહયોગ લેવો જોઇએ.

આ રસીકરણ કાર્યક્રમ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા ટી.વી. ચેનલ અને એફ.એમ.રેડિયો જેવા માધ્યમોનો પણ ઉપયોગ કરવા મુખ્ય સચિવશ્રીએ સુચન કર્યુ હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડા.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ અભિયાનને વધુ પરિણામલક્ષી બનાવવા આ અભિયાન સાથે જોડાયેલા તમામ ડાક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને આશાબહેનોને સેટકોમના માધ્યમથી તાલિમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સગર્ભા માતાઓને તથા જન્મથી તરુણાવસ્થા સુધીના તમામ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રસીકરણથી અટકાવી શકાય તેવા ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયું, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી જેવા ઘાતક રોગો સામે રાજ્યમાં ખુબજ અસરકારક કામગીરી કરવામાં આવી છે.

આ તમામ રોગો અટકાવવા માટે રાજ્યના દરેક ગામ તેમજ શહેરી વિસ્તારોમાં સુનિશ્ચિત દિવસે તેમજ તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે દર સોમવારે મમતા દિવસનું આયોજન કરી રસીકરણની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યુ હતું કે, રસીકરણ કાર્યક્રમ વર્ષ ૧૯૮૫ થી અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં દેશના લગભગ ૨.૭ કરોડથી વધુ બાળકો અને ૩ કરોડથી વધુ માતાઓને આવરી લેવામાં આવે છે. રસીકરણ કાર્યક્રમ તેમજ પલ્સ પોલિયોમાં ઝુંબેશથી સમગ્ર રાજ્યમાં છેલ્લા નવ વર્ષથી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી અને આમ સમગ્ર ગુજરાત રાજ્ય બાળલકવા મુક્ત બન્યુ છે. ગુજરાત સરકારની આ સરાહનીય કામગીરી બદલ યુનાઇટેડ નેશન્સ તથા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બહુમાન પણ કરવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.