Western Times News

Gujarati News

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામ ખાતે બે વર્ષ બાદ પણ આંગણવાડીની કામગીરી અધૂરી

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસ ની ગ્રાન્ટોમાં ગોબાચારી તો વ્યાપેલ છે પરંતુ કેટલાક એવા પણ કામો ઉડીને આંખે વળગે છે.જે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવ્યા બાદ પણ શરૂ કરવામાં આવતા નથી અને તે? કામગીરી પૂર્ણ કરવાની અવધી પણ પૂર્ણ થઈ ગયાના વર્ષો પછી પણ આ કામગીરી પૂર્ણ કરવાનું મુહૂર્ત નીકળતું નથી ! ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે નાયબ કલેકટર કચેરી ઝઘડિયા દ્વારા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો મંજૂરી હેઠળ રૂ.૫ લાખની ગ્રાન્ટ આંગણવાડી કેન્દ્ર નું નવું બાંધકામ કરવા માટે ફાળવવામાં આવી હતી.

આ કામ તંત્ર દ્વારા અંદાજપત્રના ભાવોભાવથી મંજૂર થયેલ રકમની મર્યાદામાં વહીવટી મંજૂરીની શરતો અને વધારાની શરતોને આધીન ગ્રામ પંચાયતને એજન્સી બેઝ ઉપર વર્ક ઓર્ડર આપવા હુકમ કર્યો હતો.આ કામગીરીના બાંધકામનું ખાતમુર્હુત ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કામ પૂર્ણ કરવાની અવધી તા.૩૧.૩.૨૧ સુધીની હતી પરંતુ આ અવધી પૂર્ણ થયાને પણ બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે.

છતાં તેની કામગીરી જવાબદાર એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. હાલમાં કામગીરી થઈ જ ન હોવાના કારણે આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને આંગણવાડીમાં કામ કરતા હેલ્પરના ઘરમાં તથા ઓટલા પર બેસાડવામાં આવી રહયા છે.આ રીતે આંગણવાડી ચલાવવાના કારણે નાના બાળકોનું સુરક્ષાનું કોઈ ધ્યાન રાખી શકવામાં આવતુ હોય તેમ જણાતું નથી ! ત્યારે વહીવટીતંત્ર ની આવી લાપરવાહી નો ભોગ ભારતનું ભવિષ્ય એવા નાના ભૂલકાઓ બની રહ્યા છે.આ બાબતે ઝઘડિયા તાલુકા સીડીપીઓ કચેરીના જવાબદાર અધિકારી સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે ટેલીફોન પર માહિતી આપવાનો ધરાર ઈન્કાર કર્યો હતો અને રૂબરૂ આવી માહિતી લઈ જવા માટે આગ્રહ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.