Western Times News

Gujarati News

ગુજરાતમાં ટેકાના ભાવે ચણાના કુલ ઉત્પાદનની ૨૫ ટકા ખરીદીની મર્યાદા વધારીને ૪૦ ટકા સુધી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરતા કૃષિ મંત્રી

(માહિતી) ગાંધીનગર, ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના હેઠળ આવરી લઈ પોષણક્ષમ ભાવ પૂરા પાડવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના ૨૫%ની ખરીદીની મર્યાદા વધારીને ૪૦% સુધી કરવા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રૂબરૂ મળીને ચણાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે.

આ મુલાકાત દરમિયાન શ્રી રાધવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી તોમરને ગુજરાતના કૃષિ વિકાસમાં કેન્દ્ર સરકારના નિરંતર સહયોગ તથા કેન્દ્ર સરકાર સહાયિત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના થકી રાજ્યની માળખાગત સુવિધાઓમાં વધારો થવા બદલ ગુજરાત સરકાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ગુજરાતના વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહે, કૃષિ સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઊભી થાય તેમજ ખેડૂતની આવક વધે તે હેતુસર આગામી વર્ષે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તે અંગે કૃષિ મંત્રીશ્રી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીને અપીલ કરી હતી.

કૃષિ મંત્રીશ્રી રાધવજી પટેલે નવી દિલ્હી ખાતે રાસાયણીક અને ઉર્વરક મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન કૃષિ મંત્રીશ્રી રાધવજી પટેલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જરૂરીયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી કરાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કચ્છ જિલ્લામાં ખાતરની તંગી ન વર્તાય તે માટે લોજિસ્ટિક સંબંધિત ખાસ વ્યવસ્થા ઉભી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાંસબસીડાઇઝ યુરીયા ખાતરનાં ડાયવર્ઝન રોકવા ગુજરાત સરકાર દ્વારા લીધેલ પગલાં અંગે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાને માહિતગાર કરીને તે અટકાવવા માટે હાલની ખાતર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા અંગે કેટલાક જરૂરી સૂચનોની આપ-લે કરી. કૃષિ મંત્રીશ્રી રાધવજી પટેલે નવી દિલ્હી ખાતેની તેમની આ મુલાકાત ગુજરાતના ખેડૂતો માટે ખુબ જ ફળદાયી નિવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.